જમ્મુ અને કાશ્મીરમાં ગત ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. કાશ્મીરમાં ગઠબંધનની સરકાર રચવાની અટકળો અને ઉત્સુકતા વચ્ચે સોમવારે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને ભાજપ વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ મુદ્દે સંમતિ સધાતા ભાજપ અને પીડીપીની ગઠબંધન સરકાર રચાવાનો તખ્તો તૈયાર થયો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને પક્ષો વચ્ચે થયેલી એક સમજૂતીનો મુસદ્દો દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓને મોકલાયો છે. ઉલ્લેખનીય છે કે, ૭ ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં પણ બંને પક્ષો એકબીજાને સમર્થન આપશે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીર ચૂંટણીમાં પીડીપી ૨૮ બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ પુરવાર થયો હતો. અને ભાજપને ૨૫ બેઠકો મળી હતી. સ્પષ્ટ બહુમતીના અભાવે સરકાર રચવામાં વિલંબ થયો હતો. ભાજપના નેતા બિલાવર નિર્મલસિંહે જણાવ્યું હતું કે, બંને પક્ષો વચ્ચે સરકાર રચવા સંમતિ સધાઈ છે. આ સમજૂતી હેઠળ પીડીપીના વડા મુફ્તી મહંમદ સૈયદ મુખ્ય પ્રધાન બનશે અને ભાજપના નિર્મલસિંહને નાયબ મુખ્યપ્રધાન બનશે.
ભાજપ કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી સમાન નાગરિક કાયદો અને કલમ ૩૭૦ની નાબૂદી જેવા વિવાદાસ્પદ મુદ્દાને બહાર રાખવા સંમત થઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, રાજ્યમાં જનાધારને સમર્થન આપવા બંને પક્ષ કોમન મિનિમમ પ્રોગ્રામના આધારે ગઠબંધન સરકારની રચના કરશે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટમીમાં ત્રિશંકુ પરિણામો આવ્યા બાદ રાજ્યમાં ૯ જાન્યુઆરીથી રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવેલું છે.