જયલલિતાએ મને લાફો માર્યો મારે જીવનું જોખમઃ શશિકલા પુષ્પા

Wednesday 03rd August 2016 07:44 EDT
 

સંસદની કામગીરી શરૂ થવાની સાથે જ રાજ્યસભામાં હોબાળો થયો હતો. એઆઈએડીએમકેના મહિલા સાંસદ અને રાજ્યસભાના સભ્ય શશિકલા પુષ્પાએ આરોપ મૂક્યો હતો કે તેમના પક્ષ દ્વારા તેમને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. તેમના જીવને જોખમ છે. તેમના જ પક્ષના વડા અને મુખ્ય પ્રધાન જયલલિતા દ્વારા તેમને થપ્પડ મારવામાં આવી હતી અને તેમને મજબૂરીમાં પક્ષ અને પદ છોડવાની ફરજ પાડવામાં આવી છે. સ્પીકરે તેમને ચેવતણી આપી હતી કે ગૃહમાં ન હોય તેમની સામે આરોપ મૂકી શકાય નહીં. બીજી તરફ એઆઈએડીએમકે દ્વારા જણાવાયું છે કે, શશિકલાને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યાં છે.
• સોહરાબ કેસમાં અમિત શાહ સામે ફરીથી તપાસ નહીં થાય: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહને મોટી રાહત મળી છે. સોમવાર સુપ્રીમ કોર્ટે આ મુદ્દે મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો હતો. આ કેસમાં અમિત શાહને અપાયેલી ક્લિનચિટનો વિરોધ કરતી પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે મક્કમપણે જણાવ્યું કે, આ કેસમાં હવે ફરીથી તપાસ કરવાની જરૂર નથી.
• ભાસ્કર ખૂલ્બે વડા પ્રધાનના સચિવઃ આઈએએસ અધિકારી ભાસ્કર ખૂલ્બેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સચિવ પદે નિમવામાં આવ્યા છે. તેઓ વડા પ્રધાન કાર્યાલયમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા હતા. કેબિનેટની એપોઈન્ટમેન્ટ કમિટિએ ખૂલ્બેની વડા પ્રધાનના સચિવ પદે નિમણૂકને ૨૭મી જુલાઈથી અમલી બને તે પ્રમાણે મંજૂરી આપી હતી. જ્યારે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેઈનિંગે આ અંગેનો હુકમ આપ્યો હતો. ભાસ્કર ખૂલ્બે ૧૯૮૩ની બેચના, પશ્ચિમ બંગાળના આઈએએસ અધિકારી છે. હવે તેઓ પ્રધાન મંડળોના મંત્રાલયો તેમજ સરકારની ગોપનીય બાબતોનો હવાલો સંભાળશે તેમ માહિતી આપવામાં આવી હતી.
• ‘પૂર્વ મુખ્ય પ્રધાનને સરકારી બંગલો ન મળે’: સુપ્રીમના આદેશથી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનોને આંચકો લાગ્યો છે. સુપ્રીમે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આજીવન સરકારી નિવાસસ્થાન મેળવવાને લાયક નથી. ન્યાયમૂર્તિ અનિલ .આર. દવેની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે વર્ષ ૨૦૦૪માં કરવામાં આવેલી એક અરજી ઉપર ચુકાદો આપતાં જણાવ્યું હતું કે આવું કોઈ પણ સરકારી નિવાસસ્થાન બે મહિનાની અંદર ખાલી કરાવી દેવું. બેન્ચમાં જસ્ટિસ યુ. યુ. લલિત અને જસ્ટિસ એલ. નાગેશ્વર રાવનો પણ સમાવેશ થાય છે.
• ઉત્તરાખંડમાં ઘૂસતાં પહેલાં ચીની વિમાનોના આકાશમાં ચક્કરઃ સત્તાવાર સાધનોએ જણાવ્યા મુજબ ચીની સૈન્યના તુપોલોવ તુ ૧૫૩એમ એરક્રાફ્ટે બેથી ત્રણ વાર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને આવરી લેતાં મિડલ સેક્ટર પર ચક્કર માર્યાં હતાં. બારાહોતી વિસ્તારમાં ચીની ઘૂસણખોરીની જાણકારી મળ્યા પછી વિવિધ માધ્યમોની મદદથી એકત્ર થયેલી હકીકતમાં આ નવો ઘટસ્ફોટ થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter