નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના પ્રધાનમંડળનું સૌપ્રથમ વિસ્તરણ કરતાં વધુ ૨૧ પ્રધાનોને સરકારમાં સામેલ કર્યા છે. એકથી વધુ મંત્રાલય સંભાળતા વરિષ્ઠ પ્રધાનોનો કાર્યબોજ હળવો કરવાની સરકારની જરૂરત અને આગામી સમયમાં વિવિધ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓમાં જ્વલંત વિજય મેળવવાના પક્ષના લક્ષ્યની વચ્ચે સમતોલન સાધવાનો શ્રેષ્ઠ પ્રયાસ આ વિસ્તરણમાં ઝળકે છે.
મોદી સરકારમાં સામેલ કરાયેલા નવા ચહેરાઓમાં ગોવાના પૂર્વ મુખ્ય પ્રધાન મનોહર પાર્રિકર, શિવ સેનામાંથી ભાજપમાં જોડાયેલા સુરેશ પ્રભુ, હરિયાણાના ચૌધરી અગ્રણી બિરેન્દ્ર સિંહ વગેરેનો સમાવેશ થાય છે. આ ૨૧ પ્રધાનોમાંથી ચારને કેબિનેટ કક્ષાનો, ત્રણને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો અને ૧૪ને રાજ્યકક્ષાનો દરજ્જો અપાયો છે.
ગુજરાતમાંથી સામેલ કરાયેલા સૌરાષ્ટ્રના મોહનભાઇ કુંડારિયાને કૃષિ રાજ્યપ્રધાન બનાવાયા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાંથી પસંદ થયેલા હરિભાઇ ચૌધરીને ગૃહ રાજ્યપ્રધાન બનાવાયા છે.
સરકારની જરૂરત...
સોમવારે આ તમામ પ્રધાનોને ખાતા ફાળવી દેવાયા હતા. જેમાં ધારણા અનુસાર જ મનોહર પાર્રિકરને સંરક્ષણ પ્રધાન બનાવાયા છે. જ્યારે સુરેશ પ્રભુને રેલવે મંત્રાલય સોંપાયું છે. પાર્રિકરને સંરક્ષણ મંત્રાલય સોંપીને નાણા પ્રધાન અરુણ જેટલીનો બોજ હળવો કરાયો છે. આ ઉપરાંત તેમને મદદરૂપ થવા જયંત સિંહાને રાજ્યપ્રધાન બનાવાયા છે. રેલવે મંત્રાલયનો કાર્યભાર સુરેશ પ્રભુને સોંપીને સદાનંદ ગોવડાને કાયદો અને ન્યાય ખાતાના પ્રધાન બનાવાયા છે.
આ ફેરફાર દ્વારા ટેલિકોમ અને આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદને કાયદો અને ન્યાય મંત્રાલયની વધારાની જવાબદારીમાંથી મુક્ત કરાયા છે. આ જ રીતે જે. પી. નડ્ડાને આરોગ્ય પ્રધાનનો કાર્યભાર સોંપાતા સાયન્સ અને ટેક્નોલોજી પ્રધાન ડો. હર્ષવર્ધન આરોગ્ય મંત્રાલયના ઇન્ચાર્જની જવાબદારીમાંથી મુક્ત થયા છે. માર્ગનિર્માણ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી હસ્તક રહેલો ગ્રામીણ વિકાસ મંત્રાલયનો કાર્યભાર ચૌધરી બિરેન્દ્ર સિંહને સોંપાયો છે.
...અને પક્ષનું લક્ષ્ય
પ્રધાનમંડળના વિસ્તરણમાં આગામી મહિનાઓમાં બિહાર, ઉત્તર પ્રદેશ જેવા મહત્ત્વના રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. બે વર્ષ પછી ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે તે ધ્યાનમાં રાખીને આ રાજ્યમાંથી સૌથી વધુ ચાર નવા ચહેરાને સ્થાન અપાયું છે. જેમાં મુખ્તાર અબ્બાસ નક્વી, રામશંકર કથેરિયા, સાધ્વી નિરંજન જ્યોતિ અને ડો. મહેશ શર્માનો સમાવેશ થાય છે. આ પછી બીજા નંબરે બિહારમાંથી ત્રણ પ્રધાનો લેવાયા છે. બિહારમાં એક વર્ષ પછી વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. બિહારમાંથી હવે કુલ આઠ સાંસદ સરકારમાં છે. પશ્ચિમ બંગાળમાંથી બાબુલ સુપ્રિયોને સ્થાન અપાયું છે. પક્ષના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ પસંદગીથી પક્ષને ૨૦૧૬માં વિધાનસભા ચૂંટણીઓ લડતા પૂર્વે મમતા બેનરજી સરકાર સામે ટક્કર ઝીલવામાં મદદ મળશે.
કેટલાક પ્રધાનો તો પહેલી જ વાર ચૂંટણી લડી પ્રધાનમંડળમાં પહોંચ્યા છે. જેમાં વિજય સામ્પલા (પંજાબ), રાજ્યવર્ધન સિંહ રાઠોડ (રાજસ્થાન), જયંત સિંહા (ઝારખંડ), બાબુલ સુપ્રિયો (પશ્ચિમ બંગાળ), ગિરિરાજ સિંહ (બિહાર) અને ડો. મહેશ શર્મા (ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે. રાજ્યવર્ધન અને સુપ્રિયો રાજકારણમાં નવાસવા છે.
બીજી તરફ, કેટલાક પીઢ નેતાને પણ પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. ગિરીરાજ સિંહ, બંદારુ દત્તાત્રેય, મહેશ શર્મા, બિરેન્દ્ર સિંહ, હરિભાઈ ચૌધરી જેવા પીઢ નેતાઓ પણ કેબિનેટમાં હશે. આમ, મોદીએ પસંદગીમાં યુવા અને અનુભવી બંનેને સ્થાન આપ્યું છે.
શિવ સેનાની નારાજગી
ભાજપ અને શિવ સેનાના તીવ્ર મતભેદો રવિવારે ખુલ્લા પડ્યા હતા. શિવ સેનાએ નવા પ્રધાનોના શપથવિધિ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. સેનાના સાંસદ અનિલ દેસાઇ પ્રધાનમંડળમાં સામેલ થવા દિલ્હી પહોંચ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેઓ દિલ્હી એરપોર્ટથી જ પાછા ફર્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવ સેનાએ કેન્દ્રીય પ્રધાનમંડળમાં વધુ બે પ્રધાનપદ માગ્યા હતા. જેની સામે ભાજપ પ્રમુખ અમિત શાહે માત્ર દેસાઇને રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સમાવાશે તેવી વાત કરી હતી. આ પછી દેસાઇ દિલ્હી એરપોર્ટથી જ પાછા ફર્યા હતા. હવે શિવ સેના ભારે ઉદ્યોગ પ્રધાન અનંત ગીતેને મોદી સરકારમાંથી પાછા બોલાવી લે તેવી શક્યતા છે.
ઉદ્યોગજગતનો આવકાર
પ્રધાનમંડળના વિસ્તરણને આવકારતા ઉદ્યોગજગતે એવો પ્રતિભાવ આપ્યો છે કે આર્થિક સુધારાને વેગ આપવા અને નિર્ણય પ્રક્રિયા ઝડપી બનાવવા માટે વડા પ્રધાન ગંભીર છે તેની પ્રતીતિ આ વાત આપે છે. સીઆઈઆઈના પ્રેસિડન્ટ અજય શ્રીરામે જણાવ્યું હતું કે નવા પ્રધાનોના સમાવેશથી શાસનપ્રક્રિયા સરળ બનશે અને આર્થિક સુધારાની પ્રક્રિયા માટે નવા વિચારો અમલી બનશે. આમ આર્થિક વિકાસને વેગ મળશે. ‘એસોચેમ’એ જણાવ્યું હતું કે ક્લીન ઇમેજ અને સક્ષમ વહીવટકર્તા તરીકે જાણીતા નેતાઓના સમાવેશથી વડા પ્રધાન આર્થિક વિકાસના મુદ્દે કોઇ બાંધછોડ કરવા માગતા નથી તેવા સંકેત મળ્યાં છે.
કલંકિત ચહેરાઃ કોંગ્રેસનો પ્રહાર
વિપક્ષ કોંગ્રેસે, પ્રધાનમંડળ વિસ્તરણના બીજા દિવસે વડા પ્રધાનને નિશાન બનાવીને એવા આક્ષેપ કર્યા હતા કે સરકારમાં વધુ કલંકિત પ્રધાનોને સમાવાયા છે. સંસદને ગુનેગારોથી મુક્ત કરવાના મોદીના વચન સામે પણ પ્રશ્રો ઉઠાવ્યા હતાં. ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વચનો પૂર્ણ ન કરવા બદલ વડા પ્રધાને માફી માગવી જોઇએ તેવું જણાવતા કોંગ્રેસ મહાસચિવ અજય માકને નવનિયુક્ત પ્રધાન વાય. એસ. ચૌધરીના રાજીનામાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બેંકના દસ્તાવેજો અનુસાર ચૌધરીની કંપનીને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ૩૧૭.૬ કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં નાદાર જાહેર કરાઇ છે.
કોંગ્રેસે દાવો કર્યો હતો કે મોદીના ૬૬ પ્રધાનોમાંથી ૧૫થી ૧૬ પ્રધાનો કલંકિત છે. તેમણે પ્રશ્ર કર્યો હતો કે ચૌધરીને નાદારીમાંથી બચાવવા ભાજપે ચૌધરીને પ્રધાન બનાવ્યા છે? મોદી સરકારે આ અંગે સ્પષ્ટતા કરવી જોઇએ અને પ્રધાને રાજીનામું આપવું જોઇએ.
સીપીઆઈએ આક્ષેપ કર્યો હતો કે અગાઉની સરકાર પણ મોટું પ્રધાનમંડળ રાખતી હતી અને મોદી સરકારનું પ્રધાનમંડળ પણ મોટું છે તો આ બંને સરકારમાં ફરક શું? સીપીઆઈએ મિનિમમ ગવર્ન્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સના સ્લોગનની પણ ટીકા કરી હતી.
કુલ ૬૬, છતાં પ્રધાનમંડળ નાનું
વડા પ્રધાન મોદી દ્વારા પ્રધાનમંડળનું વિસ્તરણ થયા પછી પ્રધાનોની કુલ સંખ્યા વધીને ૬૬ થઈ ગઈ છે. આમ છતાં મોદીનું પ્રધાનમંડળ મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપેયીની સરકાર કરતા નાનું છે. ઓક્ટોબર ૨૦૧૨માં છેલ્લે કરાયેલા વિસ્તરણ પછી મનમોહન સિંહ સરકારના પ્રધાનમંડળમાં કુલ ૭૮ પ્રધાનો હતાં. જ્યારે અગાઉની વાજપેયીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારમાં શરૂઆતમાં ૫૬ પ્રધાનો હતા, પરંતુ વિસ્તરણ પછી સંખ્યા વધીને ૮૮ થઈ હતી. મોદીના પ્રધાનમંડળમાં હાલ વડા પ્રધાન સહિત કેબિનેટ કક્ષાના ૨૭ પ્રધાનો, રાજ્ય કક્ષાના ૨૬ અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા ૨૬ પ્રધાનો છે. આની સામે મનમોહન સિંહના પ્રધાનમંડળમાં એક સમયે કેબિનેટ કક્ષાના ૩૩ પ્રધાનો, રાજ્ય કક્ષાના ૩૩ પ્રધાનો અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા ૧૨ પ્રધાનો હતા.
મોદી સરકારનું ‘બંધારણ’
મોદીના પ્રધાનમંડળમાં મહિલા પ્રધાનોની સંખ્યા વધીને આઠ થઇ ગઇ છે. મતલબ કે કુલ સંખ્યાના ૧૨ ટકા. જ્યારે યુપીએ-૨માં નવ મહિલાઓ (૧૧ ટકા) હતી. હાલમાં સ્મૃતિ ઇરાની સૌથી યુવાન (૩૮ વર્ષ) અને નઝમા હેપ્તુલ્લા સૌથી વૃદ્ધ (૭૪ વર્ષ) પ્રધાન છે. જ્યારે નિષ્ણાતોની વાત કરીએ તો, પ્રધાનમંડળમાં કુલ ૩૪ (એટલે કે ૫૪ ટકા) વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો છે. આમાં ૧૫ વકીલ, ૧૦ આર્થિક બાબતોના નિષ્ણાત, ત્રણ આઇઆઇટીના ગ્રેજ્યુએટ્સ, ચાર ડોક્ટર અને બે સીએ છે. અને હા, મનમોહન સિંહ સરકારના પ્રધાનોની સરેરાશ ઉંમર ૭૩ વર્ષ હતી, તેની સામે મોદી સરકારના સભ્યોની સરેરાશ વય ૫૯ વર્ષ છે.