જર્મન બેકરી કેસના આરોપીને ફાંસી રદ કરીને આજીવન કેદની સજા

Friday 18th March 2016 09:10 EDT
 

મુંબઈઃ પુણેમાં ૨૦૧૦માં થયેલા જર્મન બેકરી બ્લાસ્ટના ગુનેગાર મિર્ઝા હિમાયત બેગને ટ્રાયલ કોર્ટે આપેલી ફાંસીની સજા બોમ્બે હાઈકોર્ટે ૧૭મી માર્ચે રદ કરી હતી, જોકે તેને વિસ્ફોટકો રાખવા, બનાવટી દસ્તાવેજો બનાવવા અને ષડ્યંત્રમાં તેનો હાથ હોવા બદલ આજીવન કારાવાસની સજા ફટકારાઈ છે.

જર્મન બેકરી બોમ્બ બ્લાસ્ટમાં ૧૭ જણનાં મોત થયાં હતાં. જસ્ટિસ એનએચ પાટિલ અને જસ્ટિસ એસ. બી. શુક્રેએ પોતાનો ચુકાદો સંભળાવતાં કહ્યું કે, ‘આપકો ફાંસી કી સજા સે બરી કિયા જાતા હૈ.’ હિમાયત બેગને જે પાંચ ગુનાસર ફાંસીની સજા અપાઈ હતી એ બધા ગુના પડતા મુકાયા છે.

હિમાયત બેગને અન લો ફુલ એક્ટિવિટીઝ એન્ડ પ્રિવેન્શન એક્ટ, ૧૯૬૭ હેઠળ બે ગુના, બે ગુના આઇપીસી હેઠળ અને એક ગુનો એક્સ્પ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ હેઠળ નોંધી ફાંસીની સજા અપાઇ હતી, જોકે હવે એક્સ્પ્લોઝિવ સ્બસ્ટન્સ એક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમ ૪૭૪ (બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા) હેઠળ તેને આજીવન કારાવાસની સજા અપાઈ છે.

નવાઇની વાત એ હતી કે, આ કેસમાં બે સાક્ષીઓએ એવી રજૂઆત કરી હતી કે તેમને બેગની સામે સાક્ષી આપવા દબાણ કરાયું હતું. ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા આશિષ ખેતાને સ્ટિંગ ઓપરેશન કરીને આક્ષેપ કર્યો હતો કે, મહારાષ્ટ્ર એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોર્ડે તેમને બેગ સામે સાક્ષી આપવા તેમના પર અત્યાચાર ગુજાર્યો હતો અને દબાણ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter