ચંડીગઢઃ હરિયાણામાં જાટ સમુદાયને અનામત આપવાની માગ સાથે ચાલતા આંદોલને હિંસક વળાંક લીધો છે. ભાજપની મનોહર લાલ ખટ્ટર સરકારે જાટ સમુદાય સહિત અન્ય ચાર જાતિઓને પછાત વર્ગમાં સામેલ કરી અનામતનો લાભ આપવા સંમતિ દર્શાવી હોવા છતાં રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તે છે. હિંસા-આગજનીની ઘટનાઓના પગલે સંવેદનશીલ વિસ્તારોમાં લશ્કરી ટુકડીઓને ઉતારવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ઠેર ઠેર ચક્કાજામ સર્જી રહેલા જાટ સમુદાયનું આંદોલન શુક્રવારે હિંસક બન્યું હતું. રોહતક અને ભિવાનીમાં આંદોલનકારીઓએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. કાયદો-વ્યવસ્થાની સ્થિતિને અંકુશમાં લેવા અનેક સ્થળે પેરા-મિલિટરી ફોર્સની ટુકડીઓ ગોઠવાઇ છે. તેમ જ સુરક્ષા દળોને શૂટ એટ સાઇટનો આદેશ અપાયો છે. હાલમાં રોહતક, ભિવાની અને ઝઝરમાં કરફ્યુ લદાયો છે. તોફાની ટોળાને અંકુશમાં લેવા સુરક્ષા દળોએ કરેલા ગોળીબારમાં ત્રણનાં મૃત્યુ નીપજ્યા છે, જ્યારે ૨૦થી વધુને ઇજા થઇ છે.
રાજ્યમાં ઠેર ઠેર ધરણાં-પ્રદર્શન યોજી રહેલા જાટ સમુદાયની અનામત માગણી અંગે મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું હતું કે આગામી વિધાનસભા સત્રમાં જાટ અનામત મુદ્દે ખરડો લવાશે. જાટ નેતાઓ અને તમામ રાજકીય પાર્ટીઓ સાથે મંત્રણા કરી સૂચનો મેળવ્યાં બાદ મુસદ્દા ખરડો તૈયાર કરાશે. સરકારે એક સમિતિની રચના કરી છે જે ૩૧ માર્ચ સુધીમાં સરકારને રિપોર્ટ આપશે.
રોહતક, ઝઝર, સોનેપત, હિસ્સાર, જિંદ, પાણિપત, ભિવાની અને કૈથા જિલ્લામાં આંદોલનકારીઓએ વ્યાપક હિંસા આચરતાં રાજ્ય સરકારે સેનાની મદદ માગી હતી. સ્થિતિ વકરતાં રોહતક અને ભિવાનીમાં તૈનાત કરાયેલી સેનાને દેખો ત્યાં ઠારના આદેશ અપાયા હતા. સરકારે તોફાનોને કાબૂમાં લેવા પેરા-મિલિટરી ફોર્સની ૨૦ કંપનીઓની પણ માગ કરી છે.
આંદોલનકારીઓએ રાજ્યમાં સડકો અને રેલવે માર્ગો પર ઠેર ઠેર ચક્કાજામ સર્જ્યો હતો. શુક્રવારે દિલ્હીથી હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ જતી લગભગ ૫૫૦ ટ્રેનો પર અસર પડી હતી. ૨૧ જિલ્લામાં સડકો પર ચક્કાજામને કારણે રાષ્ટ્રીય અને રાજ્ય હાઇ વે પર ટ્રકો સહિતનાં હજારો વાહનો અટવાઈ પડયાં છે. રાજ્યનાં ઘણાં શહેરોમાં શૈક્ષણિક સંસ્થાનો બંધ રહ્યાં હતાં.
જાટ અનામત આંદોલન
• ૨૧ જિલ્લાઓમાં સડકો પર ચક્કાજામ • ૦૮ જિલ્લામાં સેના તૈનાત • ૫૫૦ ટ્રેનોને અસર, સંખ્યાબંધ રદ • ૨૦ પેરામિલિટરી કંપનીઓને મોકલાઈ • ૩૦ ટકા હરિયાણામાં જાટ વસતી