અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે કર્મભૂમિ સમાન જામનગર વિશ્વનું એનર્જી કેપિટલ બનશે. 2025 સુધીમાં જામનગર આપણી નવી ઊર્જા વ્યવસાયનું કેન્દ્ર પણ બની જશે તેમ કંપનીની 47મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ એક જ સ્થાન પર વિશ્વની સૌથી મોટી, સૌથી આધુનિક, મોડ્યુલર અને સંકલિત ઇકોસિસ્ટમ બનશે. અંબાણીએ સોલર બિઝનેસને લઈને પણ મહત્ત્વની જાહેરાત કરી છે. કંપની આ વર્ષના અંત સુધીમાં પોતાના સોલર ફોટોવોલ્ટેઇક (પીવી) મોડ્યુલનું ઉત્પાદન શરૂ કરશે. આ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ માટે રૂ. 75,000 કરોડનું રોકાણ કરવામાં આવશે.
1:1ના રેશિયોમાં બોનસ શેર
અંબાણીએ એવી પણ જાહેરાત કરી હતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પોતાના 35 લાખ શેરધારકોને બોનસ શેર આપવા વિચારણા કરી રહી છે. કંપનીના બોર્ડ મેમ્બર્સની બેઠકમાં શેરધારકોને 1:1ના રેશિયોમાં બોનસ શેર ઇશ્યૂ કરવાની ભલામણ કરાશે. આમ રિલાયન્સના દરેક રોકાણકારને પ્રત્યેક શેરદીઠ એક શેર મફત મળી જશે. આ અંગે વિચારણા માટે પાંચ સપ્ટેમ્બર - ગુરુવારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળશે. અગાઉ કંપનીએ 2017 અને 2009માં 1:1ના રેશિયોમાં બોનસ શેર ઇશ્યૂ કર્યા હતાં.
ભારતનું વિશ્વનું સૌથી મોટું ડેટા બજાર
કંપનીની વાર્ષિક સભાને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ભારત વિશ્વનું સૌથી મોટું ડેટા બજાર બની ગયું છે. વોલ્ટ ડિઝનીને કારણે મનોરંજન ક્ષેત્રે પણ કંપની ઘણી આગળ વધશે. વિશ્વમાં આશા અને ચિંતાનો માહોલ છે, પરંતુ તેમાં ભારતની ભૂમિકા મહત્ત્વની રહેશે. એઆઈને કારણે ઘણીબધી સમસ્યાનો ઉકેલ આવી શકશે. એઆઈને સરળ બનાવવા જિયો અલગ પ્લેટફોર્મ અને સાધનોનો વ્યાપ વધારી રહી છે.
રિલાયન્સ આગામી દિવસોમાં ટેક્નોલોજી કંપની બનશે તેવી જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે જિયો ટેલિકોમનું 10 કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકોનું લક્ષ્ય છે. આગામી દિવાળી દરમિયાન જિયો એઆઈ ક્લાઉડ લોન્ચ કરાશે એમ જણાતવતા અંબાણીએ કહ્યું હતું કે જેમાં વેલકમ ઓફર અંતર્ગત 100 જીબી મફત ક્લાઉડ સ્ટોરેજ અપાશે.
રિટેલ બિઝનેસ બમણો થશે
રિલાયન્સના ડાયરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું હતું કે ત્રણ-ચાર વર્ષમાં રિલાયન્સ રિટેલનો બિઝનેસ બમણો થઈ જશે. ચાલુ વર્ષે તેણે રૂ. 3.06 લાખ કરોડની કુલ આવક નોંધાવી છે. દર વર્ષે કંપની 1840 નવા સ્ટોર શરૂ કરે છે. જ્યારે જિયો ટેલિકોમનું સુકાન સંભાળતા આકાશ અંબાણીએ જિયો ફોન કોલ એઆઈ સર્વિસ પણ લોન્ચ કરી હતી. આ કોલ અન્ય ભાષામાં પણ ટ્રાન્સલેટ થઈ શકશે.