મુંબઇઃ મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ડિમર્જ થયેલી કંપની જિઓ ફાઇનાન્સિયલ સર્વિસીસ (જેએફએસ)નું સોમવારે દેશના મુખ્ય સ્ટોક એક્સચેન્જ બીએસઇ અને એનએસઇમાં લિસ્ટિંગ થયું છે. જેએફએસ બીએસઇમાં રૂ. 265 પ્રતિ શેરના ભાવે જ્યારે એનએસઇમાં રૂ. 262 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયો છે. પ્રથમ 10 દિવસ માટે જેએફએસનું T-ગ્રૂપ સેગમેન્ટમાં ટ્રેડિંગ થશે. મતલબ કે આ શેરમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ થઈ શકશે નહીં.
ગયા વર્ષે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ ડી-મર્જરની જાહેરાત કરી દીધી હતી. ડી-મર્જર બાદ જેએફએસ આ ક્ષેત્રની ભારતની પાંચમી સૌથી મોટી કંપની બની છે. તાજેતરમાં જેએફએસે મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં પ્રવેશવા માટે બ્લેકરોક સાથે 50:50ના જોઇન્ટ વેન્ચરની જાહેરાત કરાઇ છે. ડીમર્જ થયેલી આ કંપની માટે 20 જુલાઈના રોજ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં શેર પ્રાઈસ ડિસ્કવરી કરાઇ હતી. પ્રાઇસ ડિસ્કવરી ગયા બાદ તેનું મૂલ્ય 261.35 રૂપિયા પ્રતિ શેર નક્કી થયું હતું. શેરધારકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિ શેરદીઠ જેએફએસનો એક શેર જારી કરાયો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રોકાણકારોને તેમના ડીમેટ ખાતામાં 1:1ના રેશિયોમાં શૅર જમા કરવામાં આવ્યા હતા. આનો અર્થ એ છે કે જો તમારી પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો એક પણ હિસ્સો હોય અને તમે રેકોર્ડ ડેટ એટલે કે 20 જુલાઈ સુધી હોલ્ડ કર્યો હોય, તો પોર્ટફોલિયોમાં આપમેળે જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસનો એક શૅર આવી જશે.