વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની ચૂંટણીના ત્રીજા અને ચોથા ચરણના પ્રચાર દરમિયાન બે રેલીને સંબોધન કર્યું હતું. પહેલી રેલી દરમિયાન બક્સરમાં તેમણે અનામત મુદ્દે નીતિશ અને લાલુ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા, તેમણે જણાવ્યું કે, બક્સર અને બનારસ પાડોશી છે. હું બનારસ, બિહાર અને બક્સરનો વિકાસ કરવા માગું છું. મારો બનારસની જેમ બિહાર અને બક્સરનાં લોકો પર પણ એટલો જ અધિકાર છે. નીતિશ, લાલુપ્રસાદ અને કોંગ્રેસે બિહારને બરબાદ કરી નાંખ્યું છે. બિહારમાં સુશાસન લાવવા તેમને પદ પરથી હટાવવા જ પડશે. તેમણે જણાવ્યું કે, લાલુ, નીતિશ અને કોંગ્રેસ મહાદલિતો, પછાતો પાસેથી પાંચ ટકા અનામત છીનવીને બીજા સંપ્રદાયને આપવા માગે છે. હું મહાપછાત જાતિમાંથી આવું છું, મને ખ્યાલ છે કે તે સ્થિતિમાં રહેવાની પીડા શું હોય છે. હું જીવ આપી દઈશ પણ અનામતમાં કોઈને ભાગ પાડવા નહીં દઉં કે અનામત ઓછી પણ થવા નહીં દઉં.