નવીદિલ્હીઃ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉમર ખાલિદ અને અનિબાર્ન ભટ્ટાચાર્યે ૨૪મી ફેબ્રુઆરીએ ભડકાઉ ભાષણનોના કેસમાં અંતે શરણગતિ સ્વીકારી લીધી હતી. શરણાગતિ બાદની પોલીસની પાંચ કલાક સુધીની પૂછપરછ દરમિયાન બંનેએ પોલીસ સામે કબૂલ્યું હતું કે, ૯ ફેબ્રુઆરીના રોજ અફઝલ ગુરુના સમર્થનમાં જ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જોકે આ કાર્યક્રમમાં રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરનારા વિદ્યાર્થીઓ બહારના હતા. પોલીસે તેમની પૂછપરછ વિશે જણાવ્યું છે કે, પાંચ કલાકની પૂછપરછમાં જ્યારે બંને વિદ્યાર્થીઓને રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરનારા લોકોની તસવીરો બતાવવામાં આવી ત્યારે બંનેએ તેમને ઓળખતા નથી એવું જણાવ્યું હતું.