નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (જેએનયુએસયુ)ના અધ્યક્ષ કન્હૈયા કુમાર સામે ભારતવિરોધી નારા પોકારવાના આરોપસર દેશદ્રોહનો કેસ નોંધ્યો છે, પરંતુ એફઆઇઆર કહે છે કે આ સૂત્રોચ્ચારનું નેતૃત્વ કન્હૈયા કુમારે નહીં, પણ ઉમર ખાલિદે કર્યું હતું. ઉમર ખાલિદ ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ યુનિયન (ડીએસયુ) સાથે સંકળાયેલો છે. સરકારના જણાવ્યા અનુસાર આ યુનિયન સીપીઆઇ (માઓવાદી)નું સંગઠન છે.
પોલીસ એફઆઇઆર કહે છે કે, કન્હૈયા કુમાર ઉમરની સાથે વિરોધ પ્રદર્શનમાં સામેલ હતો, પરંતુ નારાનું નેતૃત્વ ઉમર કરી રહ્યો હતો. એફઆઇઆરમાં કાર્યક્રમ સંબંધિત એક પોસ્ટરનો પણ ઉલ્લેખ કરાયો છે. જેમાં ડીએસયુ સાથે સંકળાયેલા અનીરબન, અંજલિ, અન્વેશ, અશ્વથી, ભાવના, કોમલ, રજાય, રૂબિના અને સમા નામના વિદ્યાર્થીઓએ અન્યોને વિરોધપ્રદર્શનમાં જોડાવા અપીલ કરી હતી.
પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે કાશ્મીર પર કબજાના વિરોધમાં અને કાશ્મીરી લોકોના સમર્થનમાં અમે તમામને દેખાવોમાં જોડાવા અપીલ કરીએ છીએ. ગુપ્તચર એજન્સીઓના સૂત્રો અનુસાર, કન્હૈયાએ નહીં, પરંતુ ઉમર ખાલિદે એકઠા થયેલા વિદ્યાર્થીઓને અફઝલ અને મકબૂલની ફાંસીના વિરોધમાં નારા લગાવવા ઉશ્કેરણી કરી હતી.