નવી દિલ્હીઃ આર્ટ ઓફ લિવિંગ દ્વારા આજથી યમુના કિનારે થઇ રહેલા વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલને કલાકો બાકી રહ્યા છે, પણ તેની સાથે જોડાયેલા વિવાદનો અંત દેખાતો નથી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ કાર્યક્રમના આયોજકોને રૂ. પાંચ કરોડનો દંડ ભરીને કાર્યક્રમ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. જોકે આ આદેશને પડકારતાં ગુરુવારે શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું હતું કે, જેલમાં ભલે જવું પડે, પણ પાંચ કરોડ રૂપિયાનો દંડ તો નહીં જ ભરીએ. યમુના કિનારે યોજાનારા આ ત્રણ દિવસના કાર્યક્રમના પ્રારંભે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના અન્ય દેશના વડાઓ તેમજ મહાનુભાવો આશરે ૩૫ લાખ લોકો ઉપસ્થિત રહે તેવો અંદાજ છે.
ગુરુવારે કાર્યક્રમ મુદ્દે એનજીટીમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એનજીટીએ જણાવ્યું હતું કે, આયોજકોને શુક્રવાર સાંજ સુધીનો સમય આપવામાં આવે છે, જો દંડ નહીં ભરવામાં આવે તો કાયદો કાયદાનું કામ કરશે અને મંજૂરી રદ કરવામાં આવશે. આ સુનાવણી દરમિયાન સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના કેટલાક અધિકારીઓએ પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. સાઇટવિઝિટ બાદ રજૂ થયેલા અહેવાલમાં તેમણે જણાવ્યું કે, આયોજકોને વેસ્ટ મેનેજમેન્ટ માટે આદેશ આપવામાં આવે. તેના દ્વારા જ યમુનાને પ્રદૂષણથી બચાવી શકાય તેમ છે.
બીજી તરફ, દિલ્હી ખાતે આવેલા ઝિમ્બાબ્વેના પ્રેસિડેન્ડ રોબર્ટ મુગાબેએ સુરક્ષાનાં નામે આ કાર્યક્રમમાં જવાની મનાઈ કરી હતી. ભાજપના નેતા વેંકૈયા નાયડુ આ કાર્યક્રમના બચાવમાં આવ્યા હતા. વિપક્ષના વિરોધ અંગે તેમણે જણાવ્યું કે, જે હિન્દુઓને લગતું અને ભારતીય હોય તેનો વિરોધ કરવામાં આવે છે.
મેં કોઈ ભૂલ કરી જ નથી તો દંડ શાનો? : શ્રી શ્રી રવિશંકર
શ્રી શ્રીએ જણાવ્યું કે, ત્રણ અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલને હું માનતો નથી. તેઓ માત્ર અડધો કલાક સાઇટ પર રહ્યા હતા. આ અડધા કલાકની વિઝિટમાં તેમણે અહેવાલ પણ ફાઇલ કરી દીધો, તેઓ અમને જણાવે કે, તેમને અમારી સાઇટ પર એવું શું દેખાયું જેને કારણે તેમને એમ લાગ્યું કે, યમુનાને નુકસાન કરવામાં આવી રહ્યું છે? તેમના અહેવાલના આધારે મને દંડ કરવામાં આવ્યો હોય તો હું તે દંડ નહીં ભરું. હું દંડ ભરી દઈશ તો એમ માનવામાં આવશે કે મેં કોઈ ભૂલ કરી છે. મેં કોઈ ભૂલ કરી જ નથી. હું જેલ જવા તૈયાર છું પણ દંડ ભરીશ નહીં. હાલમાં જે કંઇ વિરોધ થઇ રહ્યો છે તે બધા જ રાજકીય રીતે ઊભા કરાયેલા છે.
સુપ્રીમ કોર્ટે ખેડૂતોની અરજી ફગાવી
યમુનાને કાંઠે ૧૧થી ૧૩ માર્ચ દરમિયાન યોજાનારા આર્ટ ઓફ લિવિંગના કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવા માટે યમુના કિનારે રહેનારા ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે થયેલી અરજી ફગાવતાં કોર્ટે જણાવ્યું કે, આ મુદ્દે કોર્ટમાં અરજી થઈ શકે નહીં. તમારે એનજીટીમાં અરજી કરવી જોઈએ.