મોદી સરકારે ૬ મહિનામાં ૨૫ યુ-ટર્ન લીધા: કોંગ્રેસે મોદી સરકારને ‘યુ ટર્ન સરકાર’ ગણાવી ભાજપ પર તેમણે ચૂંટણી પહેલાં કરેલા વાયદાઓથી ફરી જવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે કોંગ્રેસે સોમવારે ‘૬ મહિને પાર યુ ટર્ન સરકાર’ નામની એક બુકલેટ બહાર પાડી છે. કોંગ્રેસ મહાસચિવ અજય માકને આ બુકલેટ પ્રકાશિત કરતાં જણાવ્યું કે, મોદી સરકાર પોતાના ૧૮૦ દિવસના કાર્યકાળમાં તેમણે ચૂંટણી પહેલાં કરેલા કુલ ૨૫ વાયદાઓથી ફરી ગઈ છે, આમ કરીને તેમણે જનતા સાથે ઠગાઈ કરી છે.
પૂર્વોત્તરમાં નવી રેલલાઇન માટે રૂ. ૨૮,૦૦૦ કરોડ ફાળવાશેઃ નાગાલેન્ડના સૌથી મોટા વાર્ષિક હોર્નિબલ મહોત્સવનું ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરનાં રાજ્યોમાં નવી રેલવેલાઇન નાખવા માટે ૨૮,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવાનો વાયદો કર્યો છે, આ સાથે જ તેમણે જણાવ્યું કે, આ વિસ્તારમાં પર્યટનની સંભાવનાઓને વિકસાવાશે. મોદીએ જાહેરાત કરતાં જણાવ્યું કે, આ વિસ્તારમાં ટુ-જી મોબાઇલસેવા માટે કેન્દ્ર સરકાર રૂ. ૫,૦૦૦ કરોડ ફાળવશે, જેથી પૂર્વોત્તરનાં રાજ્યોમાં વિસ્તૃત દૂરસંચાર વિકાસ યોજના શરૂ થઈ શકે.
મોદીના મતવિસ્તારમાં બોગસ મતદારો!ઃ નરેન્દ્ર મોદીને જે વારાણસી સંસદીય બેઠક પર ૩,૭૧,૭૮૪ મતોથી વિજય મળ્યો ત્યાં ૩,૧૧,૦૫૭ બનાવટી મતદારો મળી આવ્યા છે અને હજુ ગણતરી ચાલુ છે. જિલ્લા વહીવટી તંત્રનું અનુમાન છે કે બનાવટી મતદારોની સંખ્યા ૬,૪૭,૦૮૫ સુધી પહોંચી શકે છે. વારાણસીમાં મોટી સંખ્યામાં બનાવટી મતદારો પ્રથમ વખત મળ્યા છે. ચૂંટણી પંચના કહેવાથી મતદાર યાદીની ચકાસણી થતા આ બાબત જાણવા મળી છે. વારાણસી
બેઠકની ચૂંટણીમાં ભાજપના મોદીએ આપના અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા.