જ્ઞાનપીઠ સન્માનિત લેખિકા મહાશ્વેતાદેવીનું નિધન

Friday 29th July 2016 02:31 EDT
 
 

પ્રખ્યાત લેખિકા અને સામાજિક કાર્યકર્તા મહાશ્વેતા દેવીનું ૯૧ વર્ષની વયે ૨૮મી જુલાઈએ અવસાન થયું છે. તેઓ છેલ્લાં ઘણા સમયથી બીમાર હતા. મે મહિનાની આખરથી તેઓ કોલકતાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. તબીબોના જણાવ્યા અનુસાર, મહાશ્વેતાદેવીનું હૃદયરોગ તેમજ મલ્ટિપલ ઓર્ગન ફેઇલ્યોરના કારણે મૃત્યુ થયું છે.

મૂળ પશ્ચિમ બંગાળના મહાશ્વેતાદેવીએ જીવનભર વંચિત વર્ગ માટે લખ્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ તેમનાં મૃત્યુ બાદ શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભારતે એક મહાન લેખિકા ગુમાવી છે અને બંગાળે એક ગૌરવવંતી માતા ગુમાવી છે. મારી પોતાની વાત કરું તો અંગત રીતે મેં એક સારાં માર્ગદર્શક ગુમાવ્યા છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે.

પ્રખ્યાત નાટક ‘હજાર ચૌરાસી કી મા’નાં લેખિકા મહાશ્વેતાદેવીને દિલ્હીની સાહિત્ય અકાદમી તથા જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં. તેમણે જીવનભર આદિવાસીઓ તેમજ ગ્રામ્ય વર્ગના વિકાસ માટે લેખનની સાથે સામાજિક કાર્યકર્તાની ભૂમિકા પણ ભજવી હતી. તેમણે પોતાની નવલકથાઓ, ટૂંકી વાર્તાઓમાં સતત વંચિતો માટે અવાજ ઉઠાવ્યો હતો. તેઓ પદ્મ વિભૂષણ અને રોમન મેગ્સેસે એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા.

મહાશ્વેતાદેવીની ‘હજાર ચૌરાસી કી મા’, ‘અરણ્યર અધિકાર’, ‘ઝાંસીર રાની’, ‘અગ્નિગર્ભ’, ‘રુદાલી’, ‘સિંધુ કાન્હુર દાકી’ વગેરે જેવી બંગાળી કૃતિઓ વિશ્વભરમાં વખણાઈ હતી. હિન્દી અને બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ મહાશ્વેતાદેવીની કૃતિઓથી પ્રભાવિત થયું હતું. વર્ષ ૧૯૯૮માં ગોવિંદ નિહલાણીએ તેમની જ કૃતિ પરથી ‘હજાર ચૌરાસી કી માં’ ફિલ્મ બનાવી હતી. આ કૃતિમાં એક માતા તેના નક્સલવાદી બની ગયેલા પુત્રને સમજવા કેવો લાગણીમય સંઘર્ષ કરે છે તેની વાત કરાઈ છે. વર્ષ ૧૯૯૩માં કલ્પના લાજમીએ પણ તેમની જ નવલકથા પરથી એવોર્ડ વિનિંગ ફિલ્મ ‘રુદાલી’ બનાવી હતી. મહાશ્વેતાદેવીએ તમામ પુરસ્કારોની રકમ આદિવાસીઓ અને વંચિતો માટે ખર્ચી કાઢી હતી. આ ઉપરાંત અંગ્રેજી અને ઈટાલિયન ફિલ્મસર્જકોએ પણ મહાશ્વેતાદેવીના કામની નોંધ લઈને ફિલ્મો બનાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter