લંડનઃ ઈન્ડો-બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG)ના અધ્યક્ષ અને લેબર પાર્ટીના સાંસદ વિરેન્દ્ર શર્માએ બીબીસી વર્લ્ડ સર્વિસ દ્વારા પ્રકાશિત જમ્મુ અને કાશ્મીર વિનાના ભારતના નકશાને અપમાનજનક ગણાવ્યો હતો. તેમણે બીબીસીના ડાયરેક્ટર જનરલને પત્ર લખી આ મુદ્દે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
વિરેન્દ્ર શર્માએ પત્રમાં લખ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર રાજ્ય વિના ભારતનો નકશો અધૂરો છે. આવા નકશાની પ્રસિદ્ધિ યુકે અને ભારતમાં રહેતા કરોડો ભારતીયોનું અપમાન છે. બીબીસી વર્લ્ડ સર્વિસ અદ્ભૂત સ્રોત છે અને વિશ્વ માટે સારી શક્તિ છે ત્યારે તેને પક્ષપાતી અને ભારતવિરોધી ગણાવાય તો તેના રેકોર્ડને નુકસાન છે.
તેમણે આ નકશાને તત્કાળ પાછો ખેંચવા અને આનું પુનરાવર્તન ન થાય તે જોવાની માગણી સાથે શર્માએ સાચી સરહદો સાથે તેને પુનઃ પ્રકાશિત કરવા જણાવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર ભારતનું મૂળભૂત અને અવિભાજ્ય અંગ છે ત્યારે પરિસ્થિતિની યોગ્ય અને જવાબદારી સાથે રજૂઆત થાય તે તમારે જોવાનું રહે છે તેમ પણ શર્માએ જણાવ્યું હતું.