નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વ પર જીવલેણ ખતરો સર્જનાર ઝિકા વાઇરસને નાથવા માટેની વેક્સીન વિકસાવવામાં સફળતા સાંપડ્યાનો દાવો હૈદરાબાદની ભારત બાયોટેક નામની કંપનીએ કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ - ‘હુ’)એ તાજેતરમાં જ ઝિકા વાઇરસને વૈશ્વિક ખતરો ગણાવવાની સાથોસાથ આશંકા પણ વ્યક્ત કરી હતી કે ધીરે ધીરે તે અન્ય દેશોમાં ફેલાઇ શકે છે. આમ હવે આ રસી શોધાતા થોડાઘણા અંશે રાહત થઇ શકે છે. અલબત્ત, જે રસી વિકસાવવાનો દાવો થઇ રહ્યો છે તેની અંતિમ ચકાસણી કરવાની હજુ બાકી છે.
આ રસી વિકસાવનાર હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીના સીએમડી ક્રિષ્ના ઇલાએ જણાવ્યું હતું કે અમારી કંપનીએ બે પ્રકારની રસી વિકસાવી છે, જેમાંથી એકનો પ્રયોગ પ્રાણીઓ પર સફળ રહ્યો છે, અમે ઝિકા વાઇરસને નાથતી આ વેક્સીનની ગ્લોબલ પેટન્ટ પણ કરાવી છે, કેમ કે પહેલી વખત આ પ્રકારની રસી વિકસાવવામાં પ્રાથમિક સફળતા મળી છે. કંપનીએ વિશ્વસ્તરે આ રસીને પહોંચાડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ મદદ માગી છે.
તેમના જણાવ્યા પ્રમાણે આ રસીને બનાવવા માટે પહેલા તો ઝિકા વાઇરસને ઈમ્પોર્ટ કર્યો હતો, બાદમાં તેના પર આ રસીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. પરીક્ષણમાં પ્રાથમિક સફળતા મળી છે. આ દાવાની ખરાઇ કર્યા બાદ જ એ ખ્યાલ આવશે કે આ રસીની અસરકારકતા કેટલી છે. ઉલ્લેખનીય છે કે ઝિકા વાઇરસ લગભગ ૨૩ જેટલા દેશોમાં ફેલાઇ ચુક્યો છે અને આશરે ૩૫૩૦ કેસ સામે આવ્યા છે. આ વાઇરસ એડિસ મચ્છરો દ્વારા ફેલાય છે, જે ડેંગ્યૂ માટે પણ જવાબદાર છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ઝિકા વાઇરસનો કોઇ કેસ હજુ સુધી નોંધાયો નથી. આ સંજોગોમાં જે રસી આ વાઇરસને નાથવા માટે શોધાઇ છે તે પશ્ચિમી દેશોમાં વધુ ઉપયોગી સાબિત થશે.
‘હૂ’ દ્વારા જારી ઇમર્જન્સી બાદ ભારતે ખાસ સૂચના જારી કરીને લોકોને ઝિકાથી પ્રભાવિત દેશોમાં ન જવા જણાવ્યું છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓમાં આ વાઇરસ ઝડપથી ફેલાય છે અને બાળકને અસર કરતો હોવાથી આવી મહિલાઓએ ઝિકા પ્રભાવિત દેશોમાં ન જવું જોઇએ તેમ સરકારે સૂચના જારી કરીને જણાવ્યું છે. જે દેશોમાં હાલ આ વાઇરસ ફેલાઇ ચૂક્યો છે તેમાં સૌથી વધુ અસર બ્રાઝિલમાં જોવા મળી રહી છે.
બ્રાઝિલમાં નાના માથા વાળા અનેક બાળકોનો જન્મ થયો છે જેના પગલે આ વાઇરસ અંગે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બાર્બાડોસ, બોલિવિયા, બ્રાઝિલ, કોસ્ટા રિકા, મેક્સિકો, મેન્ટ માર્ટિના વગેરે દેશોમાં ઝિકા વાઇરસ ખુબ ઝડપથી ફેલાઇ ચુક્યો છે. મોટા ભાગના દેશો લેટિન અમેરિકા અને આફ્રિકા બાજુના છે અને હવે વાઇરસ ધીરે ધીરે અમેરિકા અને અન્ય દેશો તરફ ઇબોલાની જેમ આગળ વધી રહ્યો છે.
ઝિકાનો ઉદ્ભવ અને તેના લક્ષણો
ઝિકાની શરૂઆત જીણા તાવથી થાય છે. તાવ શરૂ થઈને બેથી સાત દિવસ સુધી રહે તો એ ઝિકાની અસર હોઈ શકે. આ વાયરસ અત્યાર સુધીમાં અમેરિકા, આફ્રિકા એશિયા અને ઓસ્ટ્રેલિયા ખંડમાં પહોંચી ગયો છે. યુરોપિયન દેશો અત્યારે તો બાકાત છે. ઝિકા ૧૯૪૭માં સૌથી પહેલી વખત યુગાન્ડામાં નોંધાયો હતો. શરૂઆતમાં વાંદરાઓમાં અને પછી ૧૯૫૨માં યુગાન્ડા-ટાન્ઝાનિયામાં તેના કેસો નોંધાયા હતા. તે સમયે તેનો ઉત્પાત મર્યાદિત હતો. વળી તે સમયે આજના જેવી ટ્રાન્સપોર્ટેશનની આધુનિક - ઝડપી સેવાઓ પણ ન હતી. આથી વાઈરસને ફેલાતા પણ બહુ વાર લાગતી હતી.
આ પછી ૨૦૦૭માં ઝિકા વાઈરસ છેક પ્રશાંત મહાસાગરની વચ્ચોવચ્ચ આવેલા નાનકડા ટાપુ દેશ પોલિનિશિયામાં જોવા મળ્યો. એડિસ મચ્છર દ્વારા ફેલાતો રોગ ત્યાંથી ઈસ્ટર ટાપુ પહોંચ્યો, ત્યાંથી મેક્સિકો, ત્યાંથી કેરેબિયન ટાપુ સમુહ અને દક્ષિણ અમેરિકા ખંડના દેશો સુધી પહોંચી ગયો છે. અત્યારે ૨૪ દેશોમાં ઝિકાની હાજરી છે.
રિઓ ઓલમ્પિકની તૈયારી કરી રહેલા બ્રાઝિલમાં ઝિકાએ સૌથી વધુ અસર દેખાડી છે. અહીં બાળકો મોટાં માથા સાથે જન્મવાની શરૂઆત થતા ઝિકા અંગે જાણકારી મળી હતી. અત્યારે બ્રાઝિલમાં દરેક ગર્ભવતી મહિલાની તપાસ થઈ રહી છે.
ઝિકાથી બચવા મચ્છરથી બચો
ભારતમાં જોકે હજુ ઝિકાનો ખતરો ફેલાયો નથી, પણ આ વાઈરસ મચ્છર દ્વારા ફેલાય છે. એડિસ નામના મચ્છરો દ્વારા ઝિકાનો વાઈરસ ફેલાય છે. ભૂતકાળમાં એડિસ ઇજિપ્તી મચ્છરોએ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને યલો ફિવર ફેલાવાનું કામ કર્યું છે. આથી પ્રાથમિક ઉપાય મચ્છરોની બ્રિડિંગ સાઈટોનો નાશ કરવાનો છે.
જાતીય સંબંધોથી પણ ફેલાઇ શકે છે ઝિકા
અમેરિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ દાવો કર્યો છે કે ઝિકા વાઇરસ માત્ર મચ્છર કરડવાથી જ નહીં, પણ એકબીજા સાથે શારિરીક સંપર્કથી પણ તે ફેલાઇ શકે છે. અમેરિકામાં આ વાઇરસનો ફેલાવો વધી રહ્યો છે કેમ કે ઝિકા વાઇરસ પ્રભાવિત દેશો જેમ કે બ્રાઝિલ, લેટિન અમેરિકન દેશો વગેરેમાં અમેરિકન લોકો વધુ ટ્રાવેલ કરી રહ્યા છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર ડો. ટોમ ફ્રિડને જણાવ્યું હતું કે એક વ્યક્તિના શરીરમાંથી બીજી વ્યક્તિના શરીરમાં આ વાઇરસ ટ્રાન્સમિટ થયો હોવાનો કેસ ટેક્સાસમાં બહાર આવ્યો છે. જે વ્યક્તિને આ વાઇરસની અસર થઇ છે તેની સાથે તેના વેનેઝુએલા (ઝિકા વાઇરસથી પ્રભાવિત)થી પરત આવેલા પાર્ટનરે શારિરીક સંબંધો બાંધ્યા હતા, જે બાદ આ વાઇરસનો ચેપ તેને પણ લાગ્યો છે.
વધુ તાપમાનને કારણે ઝિકા ઝડપી ફેલાય છે
ઝિકા વાઇરસના ફેલાવા અંગે વૈજ્ઞાનિકોએ એક દાવો એવો પણ કર્યો છે કે જેમ જેમ તાપમાનમાં વધારો થશે તેમ તેમ આ વાઇરસ વધુ ઝડપથી ફેલાઇ શકે છે કેમ કે વાઇરસના ફેલાવવા માટે જે મચ્છરો જવાબદાર છે તે તાપમાન વધવા સાથે વધુ ફેલાય છે.