નવી દિલ્હીઃ ભારતની વિવિધ કંપનીઓના આર્થિક પાસાં અને મેનેજમેન્ટ સહિતના પરિમાણોને ધ્યાનમાં લેતાં સોફ્ટવેર જાયન્ટ ટીસીએસ દેશની સૌથી શ્રેષ્ઠ કંપની રહી હોવાનું ડન એન્ડ બ્રેડસ્ટ્રીટ (ડીએન્ડબી)ના રિપોર્ટમાં જણાવ્યું છે. ડીએન્ડબી દ્વારા ભારતની ટોચની ૫૦૦ કંપનીઓની યાદી જાહેર કરાઇ છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇટીસી બીજા અને ત્રીજા ક્રમે છે.
યાદીમાં દેશની ટોચની ૧૦ કંપનીઓમાં અન્ય કંપનીઓમાં ચોથાથી દસમા સ્થાને ઓએનજીસી, કોલ ઇન્ડિયા, ઇન્ફોસિસ, એચડીએફસી બેન્ક, એચડીએફસી, હિન્દુસ્તાન યુનિલીવર અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રહી હતી.
રિપોર્ટ અંગે કંપનીનીના એમડી અને પ્રેસિડન્ટ કૌશલ સંપતે કહ્યું હતું કે આ રિપોર્ટનો મુખ્ય અંશ કહીયે તો ભારત અને ઇકોનોમી પ્રત્યે આગામી ૧૨થી ૧૮ મહિના માટે આશાવાદમાં પ્રબળ વૃદ્ધિ જોવાઈ છે. જોકે, ત્રિમાસિક ગાળામાં કંપનીઓની કામગીરી સુધારાના પંથે હોવા છતાં જે રીતે સુધરી રહી છે તે ગતિ ચિંતાજનક ગણાવાતી હતી. ૨૦૧૫માં જાહેર કરવામાં આવેલી યાદીમાં ૫૧ નવી કંપનીઓનો સમાવેશ થાય છે, જેની સંખ્યા ગયા વર્ષે ૪૫ની હતી.
ભારતની ટોચની ૫૦૦ કંપનીઓના વેચાણમાં નાણાં વર્ષ ૨૧૦૪માં ૮.૭ ટકાનો ગ્રોથ જોવાયો હતો, જે આગલા વર્ષે ૧૧.૭ ટકાનો હતો. માઇક્રો-ઇકોનોમિક દબાણ અને નીચી માગને કારણે આ સ્થિતી જોવાઈ હતી. જ્યારે આ કંપનીઓની નફાકારકતા આગલા વર્ષના ૮.૬ ટકાની સામે ઘટીને નાણાં વર્ષ ૨૦૧૪માં ૨.૪ ટકાના સ્તરે જોવાઈ હતી. ટોચની ૫૦૦ કંપનીઓમાં પીએસયુનો હિસ્સો ૧૪ ટકા જેવો રહ્યો હોવા છતાં કુલ આવકમાં હિસ્સો ૪૦ ટકાનો હતો. ટોચની ૫૦૦ કંપનીઓની ગણતરી એનએસઈમાં ટોચના માર્કેટ કેપિટલાઇઝેશનને ધ્યાનમાં લઈને કરાઇ છે.