નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટેટસ સિમ્બોલ ગણાતા ‘આઇફોન’નું હવે ટાટા ગ્રૂપ ભારતમાં ઉત્પાદન કરશે. એક વર્ષ લાંબી મંત્રણાના અંતે તાઇવાનના ટોચના વિસ્ટ્રોન ગ્રૂપે તેનો બેંગલૂરુ પ્લાન્ટ ટાટા ગ્રૂપને વેચવાનો નિર્ણય કર્યો છે.
તાઇવાનની ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ 27 ઓક્ટોબરે એક નિવેદનમાં જાહેર કર્યું હતું કે, વિસ્ટ્રોનના બોર્ડે ટાટા ઇલેક્ટ્રોનિક્સને 12.5 કરોડ ડોલરમાં વિસ્ટ્રોન ઇન્ફોકોમ મેન્યુફેક્ચરિંગ (ઇન્ડિયા)નું વેચાણ કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. વિસ્ટ્રોનનું એકમ બેંગલૂરુ નજીક આઇફોનના એસેમ્બલી પ્લાન્ટનું સંચાલન કરે છે. લગભગ એક વર્ષની વાટાઘાટ પછી વિસ્ટ્રોનની બેંગલૂરુ ફેક્ટરીનો સોદો સફળ થયો છે. આ પ્લાન્ટમાં 10 હજાર કર્મચારીઓ કાર્યરત છે, જે લેટેસ્ટ આઇફોન-14નું એસેમ્બલિંગ કરે છે.
વિસ્ટ્રોને જણાવ્યું હતું કે, ‘બંને પક્ષો દ્વારા સંબંધિત દસ્તાવેજ પર હસ્તાક્ષર પછી સોદા માટે જરૂરી મંજૂરી લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.’ ઉલ્લેખનીય છે કે, એપલના આઇફોન મુખ્યત્વે પેગાટ્રોન કોર્પોરેશન અને ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપ જેવા તાઇવાનના ઉત્પાદકો એસેમ્બલ કરે છે.
ટાટા ઇલેક્ટ્રોનિક્સ ટાટા સન્સની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી છે. ટાટા સન્સ ટાટા જૂથની પ્રમોટર કંપની છે. જૂથની યોજના હવે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને ઇ-કોમર્સમાં મોટા પાયે વિસ્તરણની છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ તમિલનાડુના ક્રિષ્નાનગરી જિલ્લામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ ધરાવે છે.
ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે એક્સ પર ટાટા જૂથને વિસ્ટ્રોનના ટેકઓવર બદલ અભિનંદન આપ્યા હતા. ભારત સરકારની પ્રોડક્શન લિંક્ડ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (પીએલઆઇ)ને કારણે ભારત વિશ્વભરમાં સ્માર્ટફોન ઉત્પાદન અને નિકાસનું ભરોસાપાત્ર અને મોટું હબ બન્યું છે. ચંદ્રશેખરે ટિ્વટ કર્યું હતું કે, ‘માત્ર અઢી વર્ષમાં ટાટા જૂથ સ્થાનિક અને વૈશ્વિક બજાર માટે આઇફોનનું ઉત્પાદન શરૂ કરશે.’
એપલે ચીનથી મોઢું ફેરવ્યું
અમેરિકા અને ચીન વચ્ચેની ‘ટ્રેડ વોર’ને પગલે એપલ હવે સ્માર્ટફોનના ઉત્પાદન માટે ચીન સિવાયના વિકલ્પો શોધી રહ્યું છે. ચાલુ વર્ષે મે મહિનામાં એપલના સીઇઓ ટીમ કૂકે જણાવ્યું હતું કે, ‘ભારત બહુ રોમાંચક બજાર છે અને કંપનીએ મોટા પાયે તેની પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતમાં આઇફોનનું ત્રિમાસિક ધોરણે વિક્રમી વેચાણ થયું હતું અને વાર્ષિક ધોરણે તેમાં 10 ટકા કે વધુ વૃદ્ધિ નોંધાઈ છે.’ કંપની ભારતમાં મોટા પાયે વિસ્તરણની યોજના ધરાવે છે.
વિસ્ટ્રોને જણાવ્યું હતું કે, ‘વિસ્ટ્રોન કોર્પોરેશને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ બોલાવી હતી. જેમાં તેની સબસિડિયરી એસએમએસ ઇન્ફોકોમ (સિંગાપોર) અને વિસ્ટ્રોન હોંગ કોંગને ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે શેર પરચેઝ એગ્રિમેન્ટની મંજૂરી આપવામાં આવી હતી. જેના ભાગરૂપે સબસિડિયરી વિસ્ટ્રોન ઇન્ફોકોમ મેન્યુફેક્ચરિંગ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડમાં 100 ટકા પરોક્ષ હિસ્સો વેચશે.’
મહત્વાકાંક્ષી વિસ્તરણની યોજના
એપલે એપ્રિલમાં મુંબઇ અને દિલ્હી ખાતે કંપનીના બે રિટેલ આઉટલેટ્સ લોન્ચ કર્યા ત્યારે તેણે ભારતમાં મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાની વાત કરી હતી. ટીમ કૂકની સાત વર્ષમાં આ પહેલી ભારત યાત્રા હતી. અમેરિકા અને ચીન વચ્ચેની ‘ટ્રેડ વોર’ને પગલે એપલ હવે સ્માર્ટફોનના ઉત્પાદન માટે ચીન સિવાયના વિકલ્પો શોધી રહ્યું છે. ભારતમાં વૃદ્ધિને જોતાં એપલે છેલ્લા કેટલાક વર્ષથી સ્થાનિક બજાર પર મોટા પાયે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.