નવી દિલ્હીઃ અમેરિકા સ્થિત ટેસ્લા કંપની ભારતમાં પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (ઇવી)નું નિર્માણ કરવા માગતી હોય તો અમને કોઇ વાંધો નથી, પણ કંપની ચીનમાંથી કારોની આયાત કરી શકશે નહીં તેમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું છે.
પાટનગરમાં યોજાયેલી કોન્ક્લેવ રાયસીના ડાયલોગમાં ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત એક વિશાળ બજાર છે અને અહીં તમામ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનો માટે વિશાળ તકો રહેલી છે.
તેમણે જણાવ્યું હતું કે જો એલન મસ્ક ભારતમાં મેન્યુફેકચરિંગ કરવા માગતા હોય તો અમને કોઇ વાંધો નથી. ભારતમાં આવો, અને મેન્યુફેકચરિંગ ચાલુ કરો. ભારત એક મોટું બજાર છે. તેઓ ભારતમાંથી નિકાસ પણ કરી શકે છે.
પણ જો તેઓ ચીનમાં મેન્યુફેકચરિંગ કરીને ભારતમાં વેચાણ કરવા માગતા હોય તો તેની પરવાનગી માગવામાં આવશે નહીં. ભારતમાં તમામ પ્રકારની ટેકનોલોજી અને સ્પેર પાર્ટ્સ તથા ટેલેન્ટ ઉપલબ્ધ છે.
જો ટેસ્લા ભારતમાં નિર્માણ શરૂ કરશે તો આ સમજૂતી ભારત અને ટેસ્લા બંને માટે ફાયદાકારક રહેશે. ગયા વર્ષે ભારતે ટેસ્લાને જણાવ્યું હતું કે પ્રથમ મેન્યુફેકચરિંગ શરૂ કરવામાં આવે ત્યારબાદ ટેક્સમાં રાહત અંગે વિચારવામાં આવશે.