લખનઉઃ અલ્લાહાબાદ હાઈ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતાં ઠરાવ્યું હતું કે ટ્રિપલ તલાક ગેરબંધારણીય છે અને મુસ્લિમ મહિલાઓના મૂળભૂત અધિકારોના ભંગસમાન છે. આની સાથેસાથે કોર્ટે એવો પણ મત વ્યક્ત કર્યો છે કે કોઈ પણ પર્સનલ લો બોર્ડ બંધારણથી સર્વોપરી નથી. કેટલીક મુસ્લિમ મહિલાઓ અને કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાકની મુસ્લિમ પરંપરાને સુપ્રીમમાં પડકારી છે, જેમાં એવી દલીલ કરાઈ છે કે ટ્રિપલ તલાક લૈંગિક ન્યાય, સમાનતા અને બંધારણની વિરુદ્ધ છે.
જોકે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ટ્રિપલ તલાકનો બચાવ કરતાં તેને સમર્થન આપે છે. પર્સનલ લો બોર્ડનું કહેવું છે કે કોઈ પણ મહિલાને મારવા કરતાં તેને તલાક આપવાનું યોગ્ય છે. ધર્મ દ્વારા આપવામાં આવેલા અધિકારો અંગે કોર્ટમાં પ્રશ્નો ઉઠાવવા જોઈએ નહીં.
અલ્લાહાબાદ હાઈ કોર્ટે બુલંદશહરની હિના અને ઉમરબીની અરજીઓ પર ૮ ડિસેમ્બરે સુનાવણી કરતાં આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ટ્રિપલ તલાક એ મુસ્લિમ મહિલાઓ સાથેની ક્રૂરતા છે. આનાથી મુસ્લિમ મહિલાઓના અધિકારો છીનવી લેવામાં આવી રહ્યા છે. કોર્ટે એવું કહ્યું હતું કે પવિત્ર કુર્રાનમાં તલાકને યોગ્ય માનવામાં આવેલ નથી.
તલાક શરિયત લોનો ભાગ છે: પર્સનલ લો બોર્ડ
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કમલ ફારુકીએ કહ્યું હતું કે આ કોર્ટની ટિપ્પણી છે તેનો ચુકાદો નથી. તલાક એ શરિયતના કાયદાનો એક ભાગ છે, જેમાં દખલગીરી હોવી જોઈએ નહીં.
ભાજપ-કોંગ્રેસનો આવકાર
ભાજપના સાંસદ આર. કે. સિંહે હાઈ કોર્ટની ટિપ્પણીના સંદર્ભમાં કહ્યું હતું કે ટ્રિપલ તલાક અંગે કોર્ટનું આ પ્રગતિશીલ પગલું છે. જ્યારે કોંગ્રેસના રેણુકા ચૌધરીએ કહ્યું કે આ ઘણું વહેલું થવું જોઈતું હતું. મને આનંદ છે કે હવે મહિલાઓને તેમના અધિકાર મળશે.