ટ્રિપલ તલાક હટાવવા સામે મુસ્લિમ લો બોર્ડનો વિરોધ

Friday 14th October 2016 08:38 EDT
 
 

નવી દિલ્હી: ટ્રિપલ તલાક મુદ્દે હવે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને સરકાર વચ્ચે વિવાદ વકર્યો છે. કેન્દ્ર સરકારનાં મહિલાઓને સમાન અધિકાર અને સન્માન જાળવવાનાં પ્રયાસોના ભાગરૂપે ટ્રિપલ તલાક નાબૂદી સામે વિરોધ નોંધાવતાં મુસ્લિમ લો બોર્ડે કહ્યું છે કે, ટ્રિપલ તલાક રદ કરવાનો તે વિરોધ કરે છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડનાં મહાસચિવ મૌલાના રહેમાનીએ ૧૩મી ઓક્ટોબરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમે સમાન સિવિલ કોડનો વિરોધ કરીએ છીએ. આવી વિચારસરણી દેશને તોડનારી, ગેરવાજબી અને અયોગ્ય છે ભારત જેવા વિવિધતામાં એકતાવાળા દેશમાં સમાન સિવિલ કોડ ચાલી શકે જ નહીં. સરકારે તમામ ધર્મો અને તેની સંસ્કૃતિનું ગૌરવ જાળવવું જોઈએ. ભારત સરકાર તેની વિચારસરણી કોઈના પર ઠોકી બેસાડી શકે નહીં. આ મુદે કાયદા પંચ સ્વતંત્ર રીતે નહીં પણ સરકારનાં ઈશારે કામ કરી રહ્યું છે.

૧૦ મુદે કોમન સિવિલ કોડનો વિરોધ

૧ દેશની વિવિધતા જળવાવી જોઈએ

૨ ટ્રિપલ તલાક મુદે સરકારનો વિરોધ ખોટો છે

૩ ટ્રિપલ તલાક મુદે અમે પંચનો વિરોધ કરીશું

૪ કોમન સિવિલ કોડ બંધારણની વિરુદ્ધ છે

૫ સરકાર દેશની અંદર આંતરિક યુદ્ધ છેડવા માગે છે

૬ મોદીજી પહેલાં દેશની સરહદો સંભાળે

૭ અઢી વર્ષની નિષ્ફળતાઓ છુપાવવા સરકારનાં પ્રયાસો

૮ અમે આ બાબતોનો જોરદાર વિરોધ કરીશું

૯ સરકારના આવા નિર્ણયો ક્યારેય સ્વીકારીશું નહીં

૧૦ મોદી સરકાર પહેલાં દુશ્મનોનો સામનો કરે. દેશની અંદર દુશ્મનો બનાવે નહીં.

મુસ્લિમ લો બોર્ડના દાવા

• બોર્ડ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં એવો દાવો કરાયો છે કે ટ્રિપલ તલાક એ પર્સનલ લો છે જેમાં કેન્દ્ર સરકાર સુધારા કરી શકે નહીં.

• અમેરિકામાં પણ લોકોને તેમનાં પર્સનલ લોનું પાલન કરવાનો અને તેની અલગ ઓળખ જાળવી રાખવાનો અધિકાર છે. તો આ મુદ્દે આપણો દેશ તેવી સિસ્ટમ શા માટે અપનાવી શકે નહીં?

• ટ્રિપલ તલાક અને અન્ય મુસ્લિમ પ્રથાઓ અંગે લો કમિશનનાં પ્રશ્નો છેતરપિંડી સમાન છે.

• કાયદા પંચ મોદી સરકારનાં ઇશારે કામ કરે છે.

• ભારતની આઝાદીમાં મુસ્લિમોએ સમાન હિસ્સો લીધો હતો તેમ છતાં તેમને ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter