નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર)ના ભારતીય વિકલ્પ તરીકે શરૂ થયેલું Koo (‘કૂ’) હવે બંધ થઈ રહ્યું છે. Kooએ મેડ ઈન ઈન્ડિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનવાની ચાહત સાથે વર્ષ 2020માં શરૂઆત કરી હતી અને એક ગ્લોબલ બ્રાન્ડ બનવાની તેની આકાંક્ષા હતી. જોકે Kooના કો-ફાઉન્ડર અપ્રમેય રાધાકૃષ્ણએ ત્રીજી જુલાઇએ કરેલી એક લિન્કડઈન પોસ્ટમાં Kooને બંધ કરવાની જાહેરાત કરી છે.
એક સમયે Kooને ટ્વિટરના હરીફ તરીકે જોવામાં આવતું હતું. 2021માં ઘણા કેન્દ્રીય પ્રધાનોએ પણ Koo પર તેમના એકાઉન્ટ બનાવ્યા હતા. ઘણી રાજ્ય સરકારો તથા વિવિધ સરકારી વિભાગો પણ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભણી આકર્ષાયા હતા. જોકે આ પ્લેટફોર્મને અમેરિકી ઈન્વેસ્ટમેન્ટ કંપની ટાઈગર ગ્લોબલ તરફથી ફંડિંગ મળવાનું અટકી જતાં કંપની બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. Kooને અગાઉ ડેઈલીહન્ટ ટેકઓવર કરવાનું હતું પણ વાત ન બની.
Kooના કો-ફાઉન્ડર્સ અપ્રમેય રાધાકૃષ્ણ અને મયંક બિડવાટકાએ લિન્કડઈન પોસ્ટમાં જણાવ્યા મુજબ, ‘અમે ઘણી મોટી ઈન્ટરનેટ કંપનીઓ, સમૂહો અને મીડિયા હાઉસિસ સાથે પાર્ટનરશિપ માટે પ્રયાસ કર્યો પણ તેમની સાથેની ચર્ચામાં અમે ઇચ્છતા હતા એવું તારણ ન નીકળ્યું. કેટલાકે અંતિમ ઘડીએ પ્રાથમિકતાઓ બદલી લીધી. અમે એપ ચાલુ રાખવા માગતા હતા પણ સોશિયલ મીડિયા એપને ચાલુ રાખવા ટેક્નિકલ સર્વિસીસનો ખર્ચ ઘણો વધુ છે, જેના કારણે અમારે આ કપરો નિર્ણય લેવો પડ્યો છે.’
2020માં અપ્રમેય રાધાકૃષ્ણ અને મયંક બિડવાટકા દ્વારા સ્થાપિત Koo 10થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ પહેલી ભારતીય માઇક્રોબ્લોગિંગ સાઇટ હતી. પીળા રંગના પક્ષીનો લોગો ધરાવતી આ એપ લોન્ચ થયા બાદથી 6 કરોડ વખત ડાઉનલોડ થઈ છે. જોકે તેનું ગ્લોબલ બ્રાન્ડ બનવાનું સપનું અધૂરું રહ્યું છે.
Kooનું છેલ્લું મુલ્યાંકન 27.4 કરોડ ડોલર હતું કે જ્યારે તેણે થ્રીવનફોર કેપિટલ સહિતના રોકાણકારો પાસેથી 6.6 કરોડ ડોલરથી વધુ રકમ એકઠી કરી હતી. Koo 2023થી જ નવી મૂડી મેળવવા સંઘર્ષ કરી રહી હતી. તેણે ઘણા પ્લેટફોર્મ્સ સાથે મર્જર માટે પ્રયાસ કર્યા પણ એકેય સાથે વાટાઘાટો સફળ ન રહી.