ઠાકરે પરિવારમાં કાનૂની જંગઃ બે પુત્રોએ સામસામે મોરચો માંડ્યો છે

Saturday 23rd July 2016 06:49 EDT
 
 

મુંબઈઃ શિવ સેનાના દિવંગત સુપ્રીમો બાળ ઠાકરેના પુત્રો વચ્ચેના કાનૂની જંગે ફરી એક વાર ભારતીય રાજકારણના સૌથી પ્રભાવશાળી પરિવારોમાં જામેલા સત્તાના સંઘર્ષ તરફ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પિતાના વિલ બાબતે લડી રહેલા જયદેવ ઠાકરે અને તેના નાના ભાઈ તથા શિવ સેનાના પ્રમુખ ઊદ્ધવ ઠાકરેને કારણે પરિવારમાં તનાવ સર્જાયો છે.
૧૯૯૬માં બાળ ઠાકરેના સૌથી મોટા પુત્ર બિંદુ માધવનું કાર-દુર્ઘટનામાં અવસાન થયા બાદ જયદેવ અને અન્ય પરિવારજનો વચ્ચેના મતભેદો બહાર આવ્યા હતા. આ પછી જયદેવ તરત જ બાંદરાના કલાનગર વિસ્તારમાં આવેલું ઠાકરેનું પારિવારિક નિવાસસ્થાન 'માતોશ્રી' બંગલો છોડીને અન્યત્ર રહેવા જતા રહ્યા હતા.
જોકે જયદેવ અલગ ઘરમાં રહેવા ગયા છતાં તેમની બીજી પત્ની સ્મિતાએ 'માતોશ્રી'માં જ રહેવાનું ચાલુ રાખ્યું હતું અને ૧૯૯૫થી ૧૯૯૯ દરમિયાન તેઓ શિવ સેનામાં સત્તાના કેન્દ્ર તરીકે ઊભરી આવી હતી. જયેષ્ઠ પુત્ર બિંદુ માધવનું અવસાન અને જયદેવ કુટુંબ છોડી ગયા એ બે ઘટનાઓ ૧૯૯૦ના દાયકામાં બાળ ઠાકરેએ સહન કરવા પડેલા ઘણા અંગત આઘાતોમાંનાં બે મહત્ત્વના આઘાતો હતા.
બાળાસાહેબનાં પત્ની મીનાતાઈ ૧૯૯૫માં અવસાન પામ્યાં હતાં. તેમનો ભત્રીજો રાજ ઠાકરે, જેનું નામ તે વખતે તેમના રાજકીય વારસ તરીકે બોલાતું હતું, તે એક હત્યાકેસમાં સંડોવાયેલો હતો. જોકે બાદમાં રાજને હત્યાના આરોપાંથી મુક્તિ મળી ગઈ હતી. આ અરસામાં શિવ સેનામાં સ્મિતાનું વર્ચસ્વ વધી ગયું હતું. મહારાષ્ટ્રના કોંગ્રેસી નેતાઓએ એવા આક્ષેપો સુદ્ધાં કર્યા હતા કે ટોચના સરકારી અધિકારીઓને 'માતોશ્રી' બંગલે બોલાવવામાં આવતા હતા અને અમુક બાબતોમાં કેવા નિર્ણયો લેવા જરૂરી છે એ વિશે સ્મિતા આદેશો આપતા હતા.
જોકે ૧૯૯૯માં રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ-એનસીપીની યુતિ સામે શિવ સેનાનો પરાજય થયો. બીજી તરફ શિવ સેનાના ભાવિ નેતા તરીકે ઉદ્ધવનો ભાગ્યોદય થવાથી સ્મિતાનું જોર ઘટવા લાગ્યું અને પક્ષની બાબતોમાં તેની પકડ ઢીલી પડતી ગઈ.
ઉદ્ધવ અને તેમની પત્ની રશ્મિએ 'માતોશ્રી'નાં સૂત્રો પોતાના હાથમાં લઈ લેતાં સ્મિતાએ ઠાકરે-પરિવારના ઘરમાંથી વિદાય લીધી. તેણે દાદરના શિવાજી પાર્કમાં એક ફ્લેટમાં રહેવાનું શરૂ કર્યું.
ટૂંક સમયમાં જ તેણે બોલીવૂડમાં પ્રવેશ કર્યો અને 'મુક્તિ ફાઉન્ડેશન' નામની એક ખાનગી સંસ્થાના નામે નિર્માણ કંપની શરૂ કરી. વિચિત્ર લાગે એવી હકીકત એ છે કે એકમેકથી અલગ રહેતાં જયદેવ અને સ્મિતા વચ્ચે ઉદ્ધવ સાથેના તેમના મતભેદોનું સામ્ય તેમને જોડતી કડી છે.
બાળ ઠાકરેના વસિયતનામા(વિલ)ને પડકારતાં જયદેવે કહ્યું છે કે વિલ તૈયાર કરતી વખતે બાળાસાહેબનું મગજ અસ્વસ્થ હતું અને ઉદ્ધવે તેમને પ્રભાવિત કર્યા હતા. વિલની વિગતો પ્રમાણે 'માતોશ્રી'નો પહેલો માળ સ્મિતાના પુત્ર ઐશ્વર્યને વારસ તરીકે અપાયો છે, જ્યારે જયદેવે કહ્યું છે કે ઐશ્વર્ય તેનું 'બાયોલોજિકલ'(જૈવિક) સંતાન નથી.
જોકે આ વિલમાં જયદેવ અને સ્મિતાને માતોશ્રીના પહેલા માળ પર રહેવાની મનાઈ કરવામાં આવી છે. રસપ્રદ હકીકત એ છે કે ઠાકરે પરિવારની મિલકતમાં એકમાત્ર ઐશ્વર્યને બાળ ઠાકરેના પૌત્ર તરીકે હિસ્સો મળ્યો છે.
હવે જ્યારે હાઈ કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી છે અને આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોના પ્રહારો ઘેરા અને ઉગ્ર બનતા જાય છે ત્યારે બાળ ઠાકરેનો વારસા સામે જોખમ ઝળૂંબી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter