નવી દિલ્હીઃ સિંગાપોરની આર્બિટ્રેશન કોર્ટે ફાર્માસ્યુટિકલ જાયન્ટ રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર્સ માલવિંદર અને શિવિંદર સિંહને ડાઇચી સાંક્યો સાથેના બિઝનેસ ડીલમાં કેટલીક માહિતી છુપાવવા બદલ દોષિત રૂ. ૨૬૦૦ કરોડનો દંડ ફટકાર્યો છે. સિંહબંધુએ વર્ષ ૨૦૦૮માં ડાઇચી સાંક્યોને રેનબેક્સીનો પ્રમોટર્સ હિસ્સો ૨.૪ બિલિયન ડોલરમાં વેચ્યો હતો.
આ ડીલ સંદર્ભે ડાઇચીએ ૨૦૧૩માં આર્બિટ્રેશન કેસ ફાઇલ કર્યો હતો અને ભારતીય કંપનીના પ્રમોટર્સ પર મહત્ત્વની માહિતી છુપાવવાનો અને ખોટી રીતે રજૂઆત કરવાનો આરોપ મૂક્યો હતો. જાપાનીઝ કંપનીએ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને નુકસાન બદલ ચૂકવેલા વળતરની પણ માંગણી કરી હતી. આર્બિટ્રેશન કોર્ટનો ચુકાદો માલવિંદર મોહન સિંહ માટે મોટા આંચકાસમાન છે. કારણ કે નાના ભાઈ શિવિંદર મોહન સિંહ ગ્રૂપ કંપનીઓમાંથી એક્ઝિક્યુટિવ ભૂમિકા છોડીને આધ્યાત્મિક સંગઠન રાધા સામી સત્સંગ બિયાસમાં જોડાઈ ગયા છે.
મે ૨૦૧૩માં ડાઇચીના અંકુશ હેઠળની રેનબેક્સીને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ સાથે ૫૦ કરોડ ડોલરના સેટલમેન્ટની ફરજ પાડવામાં આવી હતી. એ વખતે રેનબેક્સી પર USFDA પાસેથી દવાની મંજૂરી મેળવવા ખોટા ટેસ્ટ રિઝલ્ટ રજૂ કર્યા હોવાનો આરોપ હતો.
રેનબેક્સીની અમેરિકન સબસિડિયરી ભારત ખાતેના એકમમાંથી કેટલીક ભેળસેળયુક્ત દવાના ઉત્પાદન અને વિતરણ માટે દોષિત ઠરી હતી. કંપનીએ ફોજદારી અને અન્ય કેસના સેટલમેન્ટ માટે નાણાં ચૂકવવા માટે સંમતિ દર્શાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાઇચીએ રેનબેક્સીનો ૫૮ ટકા હિસ્સો હસ્તગત કરવા લગભગ ૪ બિલિયન ડોલર ખર્ચ્યા હતા. જોકે, ૨૦૧૪માં ડાઇચીએ કંપનીમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. બાદમાં રેનબેક્સીને સન ફાર્માએ હસ્તગત કરી હતી અને એપ્રિલ ૨૦૧૪માં રેનબેક્સી અને સન ફાર્માના મર્જરનો નિર્ણય લેવાયો હતો. મર્જરની પ્રક્રિયા ૨૦૧૫માં પૂરી થઇ હતી.