ન્યૂ યોર્કઃ દોઢ વર્ષના ટૂંકા ગાળામાં બીજી વખત અમેરિકાના પ્રવાસે પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની સાથોસાથ તેમના ડ્રીમ પ્રોજેક્ટ ડિજિટલ ઇંડિયા માટે સિલિકોન વેલીનું મજબૂત સમર્થન મેળવવામાં પણ સફળ રહ્યા છે.
ગૂગલે ભારતના ૫૦૦ રેલવે સ્ટેશનોને વાઇ-ફાઇથી સજ્જ કરવાની ખાતરી આપી છે તો માઇક્રોસોફ્ટ પાંચ લાખ ગામોમાં ઇન્ટરનેટ પહોંચાડશે. ક્વાલકોમ કંપનીએ ભારતમાં ૧૦ બિલિયન ડોલરનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે તો એપલ કંપનીએ પ્રોડક્શન સેન્ટર સ્થાપવાની ઘોષણા કરી છે.
વડા પ્રધાન મોદી સોમવારે ન્યૂ યોર્કમાં અમેરિકી પ્રમુખ બરાક ઓબામાને મળ્યાં હતાં. આ બેઠકમાં જળવાયુ પરિવર્તનથી લઈને આર્થિક ભાગીદારી સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી. બન્ને દેશના નેતાઓ વચ્ચે એક જ વર્ષમાં આ ત્રીજી મુલાકાત હતી. મોદી અને ઓબામા સામસામે આવ્યા તો બન્ને એકબીજાને ભેટી પડ્યાં હતાં. અમેરિકાએ યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતના કાયમી સભ્યપદના દાવાને સમર્થન પણ જાહેર કર્યું છે.
જોકે વિશ્વભરના મીડિયાની નજરનું કેન્દ્ર બની રહેલા નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ સાથે મુલાકાત કે મંત્રણા ટાળી હતી. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીને સંબોધન કરતાં ધર્મ અને ત્રાસવાદને અલગ કરવાની હાકલ કરી હતી. તેમ જ જી-ફોર દેશો બ્રાઝિલ, જર્મની અને જપાનના સહયોગથી સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્ય પદ માટે મજબૂત દાવેદારી રજૂ કરી હતી.
ઓબામા-મોદી બેઠક
વડા પ્રધાન મોદી સોમવારે ન્યૂ યોર્કમાં પ્રમુખ બરાક ઓબામાને મળ્યાં હતાં. બન્ને નેતાઓએ દ્વિપક્ષીય આર્થિક સંબંધો ઉપરાંત જળવાયુ પરિવર્તનથી લઈને આર્થિક ભાગીદારી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મોદી-ઓબામા બેઠકમાં સંરક્ષણનો મુદ્દો પણ ચર્ચાયો હતો.
ઓબામા સાથેની બેઠક પછી મોદીએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતના કાયમી સભ્યપદના દાવાને સમર્થન આપવા બદલ મેં અમેરિકી પ્રમુખનો આભાર માન્યો હતો. બન્ને દેશો સંરક્ષણથી લઈને વ્યૂહાત્મક ક્ષેત્રે ભાગીદારી કરવા સંમત થયા છે. જ્યારે પ્રમુખ ઓબામાએ જણાવ્યું હતું કે બન્ને દેશોના નેતાઓએ સંરક્ષણ ખરીદી સહિતના મુદ્દાઓ અને આર્થિક ક્ષેત્રે સહકાર વધારવા ચર્ચા કરી હતી. ભારત સાથેની મૈત્રી અને ભાગીદારીથી અમે સંતુષ્ટ છીએ. બન્ને દેશના નેતાઓએ સ્વચ્છ અને રિન્યૂએબલ એનર્જીમાં ભાગીદારી આગળ વધારવા પર ભાર મૂક્યો હતો.
મોદીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વોશિંગ્ટનની મુલાકાત પછી ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય સહકાર અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
વિશ્વના નેતાઓ સાથે મુલાકાત
મોદીએ ન્યૂ યોર્ક પ્રવાસમાં અનેક દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે યુએન સિક્યુરિટી કાઉન્સિલની પરિષદમાં સુધારા તથા ભારતની સ્થાયી સભ્યતાના સંબંધમાં ચર્ચા કરી હતી. આ પ્રસંગે તેઓ બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરન અને ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ અલ સિસિને મળ્યા હતા. જોર્ડનના કિંગ અબ્દુલા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે સમગ્ર વિશ્વ સામે પડકાર ફેંક્યો છે, પરંતુ ત્રાસવાદને ધર્મથી અલગ રાખવો જરૂરી છે.
કિંગ અબ્દુલ્લાએ કહ્યું કે જોર્ડને હંમેશા યુએનમાં ભારતની સ્થાયી સભ્યનું સમર્થન કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વીટર પર વડા પ્રધાનની મુલાકાતોની વિસ્તૃત માહિતી આપી હતી. મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સિરિસેના સાથે પણ મુલાકાત કરી હતી.
મોદીએ કહ્યું કે શ્રીલંકાના વલણમાં ભારે પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે ભારત પણ શ્રીલંકાની ન્યાયની આશામાં તેની સાથે છે. તેમણે આશા વ્યક્ત કરી કે શ્રીલંકામાં માનવાધિકાર ભંગની તપાસમાં હકીકત સામે આવશે. પરંતુ સૈનિક મોકલવાની પ્રક્રિયામાં તેનો સમાવેશ કરાતો નથી. તેમણે કહ્યું કે પ્રક્રિયામાં પરિવર્તન આવે તે જરૂરી છે. ભારતને પણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં સ્થાન મળવું જોઇએ.
મોદીનું ભવ્ય સ્વાગત
યુએનના સંમેલનમાં ભાગ લેવા માટે બીજી વાર અમેરિકાના પ્રવાસે આવેલા વડા પ્રધાન મોદીનું ગયા ગુરુવારે ભારતીય સમુદાય દ્વારા ઢોલ-નગારાં સાથે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી માટે હોટલને ભારતીય પરંપરા મુજબ સજાવવામાં આવી હતી અને ‘મોદી...મોદી’ના નારા ગૂંજ્યા હતા. મોદીના પ્રશંસકો પોતાના હાથમાં ‘અમેરિકા લવ્સ મોદી’ લખેલાં બેનર લઈને નારા લગાવતા હતા. તેઓએ મીઠાઈઓ વહેંચીને પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી.
ગરીબોને સશક્ત બનાવવા છે
વડા પ્રધાન મોદીએ શુક્રવારે યુએન મહાસભામાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટને સંબોધી હતી. તેમણે પોતાનું ભાષણ મહાત્મા ગાંધીને યાદ કરીને શરૂ કર્યું હતું. હિંદી ભાષામાં આપેલાં પોતાનાં ભાષણમાં વડા પ્રધાને જણાવ્યું કે, 'એ ખૂબ આનંદની વાત છે કે, આપણે સૌ ગરીબીમુક્ત વિશ્વનું સપનું જોઇ રહ્યા છીએ. આજે દુનિયામાં ૧.૩ બિલિયન લોકો ગરીબીમાં સબડી રહ્યાં છે ત્યારે જો આપણે વિશ્વને શાંતિપૂર્ણ બનાવવા માગતાં હોય તો ગરીબીનું નિર્મૂલન કરવું એ આપણું દાયિત્વ છે.'
તેમણે જણાવ્યું કે, 'યુએનની વિશ્વસનિયતા માટે પરિવર્તન જરૂરી છે. અમે ગરીબોને સશક્ત બનાવીને ગરીબીને દૂર કરવા માગીએ છીએ. આ માટે અમે ગરીબો માટે પેન્શનયોજના અને ઇન્સ્યોરન્સ સ્કીમ લોન્ચ કરી છે. વિશ્વમાં આર્થિક વિકાસની ચર્ચામાં પબ્લિક સેક્ટર અથવા પ્રાઇવેટ સેક્ટરની વાત થાય છે અમે એક નવા સેક્ટર પર્સનલ સેક્ટર પર અભ્યાસ શરૂ કર્યો છે. પર્સનલ સેક્ટરનો અર્થ વ્યક્તિગત વિકાસ છે. તમામને આવાસ, સ્વાસ્થ્ય, રોજગારી વગેરે પૂરાં પાડવાં એ અમારી પ્રાથમિકતા છે.'
'બેટી બચાવો, બેટી પઢાઓ'
વડા પ્રધાને જણાવ્યું હતું કે, 'અમે બેટી બચાવો અને બેટી પઢાઓના મંત્રને ઘર-ઘર સુધી પહોંચાડયો છે. ભારતીય સંસ્કૃતિમાં સમગ્ર વિશ્વને એક કુટુંબ તરીકે જોવામાં આવે છે. આજે અમે અહીં યુએનમાં છીએ કારણ કે, આંતરરાષ્ટ્રીય ભાગીદારી અમારા તમામ પ્રયાસોમાં નિહિત છે.' સમિટને સંબોધતાં વડા પ્રધાને મોદીએ ક્લાયમેટ ચેન્જને સ્થાને ક્લાયમેટ જસ્ટિસ પર ભાર મૂક્યો હતો, તેમણે જણાવ્યું કે, 'સ્વચ્છ પર્યાવરણ માટે આપણે આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવવાની જરૂર છે. હું બ્લૂ રિવોલ્યૂશનના પક્ષમાં છું.'
બાન કી મૂન સાથે મંત્રણા
વડા પ્રધાન મોદીએ યુએનના સેક્રેટરી જનરલ બાન કી મૂન સાથેની મુલાકાત દરમિયાન શાંતિસેના અને સિક્યુરિટી કાઉન્સિલના વિસ્તરણ સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ભારત યુએનના અભિયાનો માટે સૌથી વધુ શાંતિ સૈનિકો મોકલે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું કે યુએનના સેક્રેટરી બાન-કી મૂન સાથેની વાતચીતમાં મોદીએ સતત વિકાસ અને જળવાયુના પરિવર્તનના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
મોદીએ મૂનને એક વિશેષ પુસ્તક પણ ભેટમાં આપ્યું હતું. તેનું મથાળું હતું, 'ઈન્ડિયા એન્ડ યુએન: ૭૦ યર્સ'. પુસ્તકમાં ભારત અને યુનાઇટેડ નેશન્સના ૧૯૪૫થી ચાલતા સંબંધોનો ઉલ્લેખ છે. તેમાં મોદી દ્વારા ૪ જુલાઈએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને લખેલા પત્રનો પણ સમાવેશ થાય છે.
શીખ જૂથના ધરણાં
શીખ ફોર જસ્ટિસ બેનર હેઠળ આશરે ૨૦૦ લોકોએ યુએનના વડા મથકની બહાર વડા પ્રધાન મોદી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. તેઓ પંજાબમાં માનવ અધિકારના ભંગનો આરોપ કરી રહ્યા હતા. ૨૦૨૦માં અલગ ખાલિસ્તાન માટે રેફરન્ડમ કરાવવાની માંગ કરી રહ્યા હતા. પ્રદર્શનકારોના નેતા બખશીશ સિંહ સંધુએ જણાવ્યું કે ખ્રિસ્તી, શીખો અને મુસ્લિમો વિરુદ્ધ સતત માનવ અધિકારનું ઉલ્લંઘન થઇ રહ્યું છે.
‘મોદી આઝાદ ભારતના સૌથી શ્રેષ્ઠ વડા પ્રધાન’
વિશ્વના મીડિયા જગતના દિગ્ગજ રુપર્ટ મર્ડોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આઝાદી બાદ ભારતને મળેલા સૌથી શ્રેષ્ઠ વડા પ્રધાન ગણાવ્યા હતા. મર્ડોકે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી સાથે સરસ સમય વીતાવવાની તક મળી. મોદીના રૂપમાં ભારતને આઝાદી પછી સૌથી સારી નીતિઓ સાથેના શ્રેષ્ઠ વડા પ્રધાન મળ્યાં છે, પરંતુ આ જટિલ દેશમાં હજુ ઘણું કરવાની જરૂર છે.
માતાના ઉલ્લેખથી મોદી ભાવુક
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાન જોસમાં એક જાહેર સમારંભમાં તેમના માતા-પિતા સંદર્ભે પ્રશ્ન પૂછાતાં ભાવુક થઇને રડી પડ્યા હતા. મોદીએ ફેસબુકના વડા માર્ક ઝૂકરબર્ગના એક સવાલના જવાબમાં તેમની માતાએ કરેલા સંઘર્ષ, આપેલા સંસ્કાર અને ઉછેરનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ જણાવ્યું કે, 'મારા બાળપણમાં મેં ખૂબ જ કપરા દિવસો જોયા છે. મારી માતા અમારો ઉછેર કરવા માટે આસપાસના મકાનોમાં વાસણ ઘસવા અને પાણી ભરવા જેવા કામ કરતાં હતાં. તેમણે આખી જિંદગી અમારા ઉછેર પાછળ ખર્ચી નાખી છે. મારાં માતા નિરક્ષર છે, પરંતુ આજના સમયમાં ટીવીના માધ્યમથી તે દુનિયાભરના સમાચાર મેળવે છે. તમે જાણો જ છે કે કોઇ પણ માતા પોતાના સંતાનોના ઉછેર માટે કેટલું બલિદાન આપતી હોય છે. આ વાત પૂરી થતાં હાજર લોકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
ટેકનોલોજીને આગળ ધપાવવામાં ભારતની ભૂમિકા મોટી હશેઃ પિચાઈ
ભવિષ્યમાં ટેકનોલોજીના વિકાસમાં ભારત મોટી ભૂમિકા ભજવશે, તેમ ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ વડા પ્રધાન મોદીના માનમાં સિલિકોન વેલીની ટોચની કંપનીઓના સીઈઓએ યોજેલી ડિનર બેઠકને સંબોધતા જણાવ્યું હતું. ભારતને ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકતાના કેન્દ્ર તરીકે ઉભારવાના પ્રયાસોને વેગવાન બનાવવા બદલ પિચાઈએ મોદીની પ્રશંસા પણ કરી હતી. ૪૩ વર્ષીય પિચાઈએ કહ્યું હતું કે, ‘ટેકનોલોજી આગળ વધવાથી ભારત સહિત દુનિયાભરમાં લોકોનું જીવનધોરણ સુધરશે.’