ડો. કલામ સુપુર્દ-એ-ખાક

Wednesday 05th August 2015 09:09 EDT
 
 

રામેશ્વરમઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના પાર્થિવ દેહની અંતિમવિધિ તેમના વતન રામેશ્વરમાં ૩૦ જુલાઇએ થઇ છે. સદ્ગતના પાર્થિવદેહને આગલા દિવસે દિલ્હીથી રામેશ્વરમ્ લાવવામાં આવ્યો હતો. ત્યાં સાંજે આઠ વાગ્યા સુધી હજ્જારો લોકોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. માનવમેદની વચ્ચે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સદ્ગતના અંતિમ સંસ્કાર થયા હતા. સવારે ૧૧ કલાકે દોઢ એકર જમીનમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા, જ્યાં હવે ડો. કલામની સમાધિ બનાવાશે.
પારંપરિક લીલા રંગની ચાદરમાં લપેટાયેલા તાબૂતમાં ડો. કલામના મૃતદેહને ત્રણેય સેનાઓના જવાનો દ્વારા સવારે સાડા નવ વાગ્યે તેમના પૈતૃક નિવાસસ્થાનથી મસ્જિદ લઈ જવામાં આવ્યો હતો. મસ્જિદમાં મુખ્ય ઇમામે નમાઝ-એ-જનાઝા અદા કરાવી હતી, પછી તેમના મૃતદેહને દફનવિધિ માટેની જગ્યાએ લઈ જવાયો હતો. જ્યાં તેમના માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી. દફનવિધિનાં સ્થળે રાષ્ટ્રપતિને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં અબાલવૃદ્ધ હાજર રહ્યાં હતાં. શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડો. કલામના સૌથી મોટા ભાઈ મોહમ્મદ મુત્તુ મીરન લેબ્બે મરાઇકરને સાંત્વના આપવા તેમની પાસે ગયા હતા. ભારત માતા કી જય...ના સૂત્રોચ્ચાર સાથે લોકલાડીલા રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક સુપુર્દ-એ-ખાક થયા હતા. પૂર્વ રાષ્ટ્રપતિને આખરી વિદાય આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર હતા. નાદુરસ્ત તબિયતના કારણે તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતા હાજર રહી શક્યાં નહોતા. ભાજપના નેતા શાહનવાઝ હુસેને બુધવારે રામેશ્વરમ્ પહોંચીને કલામના અંતિમ સંસ્કારની બધી જ વ્યવસ્થા કરી હતી. ઉલ્લેખનીય છે કે ૮૩ વર્ષીય ડો. કલામ ૨૭ જુલાઈએ શિલોંગમાં આઈઆઈએમ ખાતે લેકચર આપતી વખતે હાર્ટએટેક આવવાથી અચાનક ઢળી પડ્યા હતા અને તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રાત્રે ૭.૪૫ કલાકે તેમનું નિધન થયું હતું.
બીએપીએસના કેન્દ્રોમાં શ્રદ્ધાંજલિ
પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખર વિજ્ઞાની ડો. એપીજે અબ્દુલ કલામને તેમના પરમ મિત્ર અને પરમ શિક્ષક પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં રવિવારે બીએપીએસના ૧૭ હજાર કરતાં પણ વધુ સત્સંગ કેન્દ્રોમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. અમદાવાદનાં મંદિર ખાતે તો ૧૦ હજાર કરતાં પણ વધુ હરિભક્તો આ શ્રદ્ધાંજલિ સભામાં ઊમટ્યા હતા.
કચ્છના રણ માટે કલામનું સૂચન
કચ્છના સફેદ રણને વિશ્વ સમક્ષ મૂકવાનું સૂચન તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તે વખતના રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામનું હતું. તેમની વિદાયથી કચ્છે એક સાચા હમદર્દ ગુમાવ્યા છે, તેવું કચ્છી સંસદીય સચિવ વાસણભાઈ આહિરે અંજલિ આપતાં કહ્યું હતું. આહિરે વધુમાં કહ્યું હતું કે ડો. કલામને કચ્છ માટે ખૂબ જ લાગણી હતી. ભૂકંપ બાદ ભૂજમાં તેમના માધ્યમથી ૩૦૦ મકાનોની સહાય મળી હતી. આ વેળા તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ સાથે કચ્છનું હવાઇ નિરીક્ષણ કર્યું જેમાં રણ નિહાળ્યા બાદ તુરત જ બોલ્યા હતા કે, આ રણ કચ્છું ઘરેણું બની શકે તેમ છે તેનું માર્કેટિંગ કરો અને આજે તેનું પરિણામ સૌની સામે છે. ગરીબીમાંથી સ્વબળે આગળ વધીને અણુ વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ પદે પહોંચ્યા આમ તેમનું જીવન યુવાનો માટે પ્રેરક રહ્યું છે. તેમના નિધનથી કચ્છ અને હિન્દુસ્તાનને ખોટ પડી છે.
પાકિસ્તાનના જનરલ મુશર્રફ પણ ડો. કલામ પર આફરીન
ડો. કલામના મૃત્યુ પછી તેમની અનેક વાતો અને સફળતાને યાદ કરવામાં આવી રહી છે. તેઓ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમની પાકિસ્તાનના જનરલ મુશર્રફ સાથે થયેલી ખૂબ જ રસપ્રદ મુલાકાતને યાદ કરવા જેવી છે. જ્યારે વર્ષ ૨૦૦૫માં મુશર્રફ ભારતમાં આવ્યા ત્યારે તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહ સાથે રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામ પણ મુશર્રફને મળ્યા હતા. મુલાકાતના એક દિવસ પહેલાં કલામના સચિવ પી. કે. નાયર તેમની પાસે બ્રિફિંગ માટે ગયા હતા. તેમણે કલામને જણાવ્યું કે, ‘સર આવતી કાલે મુશર્રફ તમને મળવા આવી રહ્યા છે. કલામે કહ્યું હા, મને ખબર છે. નાયરે કહ્યું, ‘તેઓ જરૂર કાશ્મીરનો મુદ્દો ઊઠાવશે. તમારે આ માટે તૈયાર રહેવું જોઈએ. કલામ એક ક્ષણ ખચકાયા અને તેની તરફ જોઈને કહ્યું, તેની ચિંતા તમે ન કરશો. હું બધું સંભાળી લઈશ.
બીજા દિવસે મુશર્રફ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને કલામે તેમનું સ્વાગત કર્યું. કલામે બોલવાનું કરતાં કહ્યું, ‘રાષ્ટ્રપતિ મહોદય, ભારતની જેમ તમારે ત્યાં પણ ઘણા ગ્રામીણ વિસ્તારો હશે. તમને નથી લાગતું કે, તેના વિકાસ માટે દરેક સંભવ પ્રયત્નો કરવા જોઈએ.’ મુશર્રફ હા સિવાય બીજું શું કહેવાના હતા. કલામે આગળ ચલાવ્યું, હું તમને પૂરા (PURA) વિશે જણાવીશ. પૂરાનો અર્થ છે, પ્રોવાઈડિંગ અર્બન ફેસિલિટિઝ ટુ રૂરલ એરિયાઝ.’ કલામે ૨૬ મિનિટ સુધી મુશર્રફને લેક્ચર આપ્યું. ત્રીસ મિનિટ બાદ મુશર્રફે કહ્યું, ‘ધન્યવાદ, રાષ્ટ્રપતિ મહોદય, ભારત ભાગ્યશાળી છે કે તેમની પાસે તમારા જેવા વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ છે. મુલાકાત બાદ કલામના સચિવ નાયરે પોતાની ડાયરીમાં લખ્યું, ‘કલામે આજે સાબિત કર્યું કે, એક વૈજ્ઞાનિક કૂટનીતિજ્ઞ પણ હોઈ શકે છે.’
રાષ્ટ્રપતિ બનાવવા કલામને શોધવા પડ્યા
ભારતના રાષ્ટ્રપતિ બનવું એ સન્માનની વાત છે અને કેટલાકે આ પદ પ્રાપ્ત કરવા માટે બહુ પડાપડી પણ કરી હતી. જોકે ડો. અબ્દુલ કલામ અલગ જ પ્રકારનું વ્યક્તિત્વ હતું અને જ્યારે તેમને રાષ્ટ્રપતિ બનાવવાનો નિર્ણય લેવાયો ત્યારે તેમને શોધવા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૨માં કલામને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા ત્યારે તેઓ ચેન્નાઈ યુનિવર્સિટીની હોસ્ટેલના એક નાના રૂમમાં રહેતા હતા. તે સમયે એનડીએની સરકાર હતી અને અટલબિહારી વાજપેઇ વડા પ્રધાન હતા. કલામને રાષ્ટ્રપતિ બનાવવાનો એનડીએ સરકારે નિર્ણય કર્યો ત્યારે કલામને સંદેશો આપવા માટે તેઓ ક્યાં છે તેની શોધખોળ કરવી પડી હતી, આ માહિતી કલામે પોતાનાં પુસ્તક ‘ટર્નિંગ પોઇન્ટ’માં આપી છે. તેમણે રાષ્ટ્રપતિ તરીકે અનેક પરંપરાઓને તોડી હતી.
કલામ પોતાનાં પુસ્તકમાં વધુ જણાવ્યું હતું કે, હું મારું લેક્ચર પૂરું કરીને પરત ફરી રહ્યો હતો, તે સમયે મારી સાથે યુનિ.ના વીસી પ્રોફેસર એ. કલાનિધિ પણ હતા, તેમણે મને માહિતી આપી કે આજે સવારથી જ મારા કાર્યલયમાં તમારા માટે અનેક ફોન આવી રહ્યા છે, કોઇ છે કે જે તમારી સાથે વાતચીત કરવા માગે છે. કલામ આગળ કહે છે કે હું જેવો મારા રૂમમાં ગયો કે મારા ફોનની રિંગ વાગવા લાગી, મેં ફોન ઉઠાવ્યો તો ફોન પર અવાજ આવ્યો કે તમારી સાથે વડા પ્રધાન વાત કરવા માગે છે. બાદમાં વડા પ્રધાન અટલબિહારી વાજપેયીએ મારી સાથે ફોન પર વાત કરી. વાજપેયીએ ઔપચારિક વાત બાદ કહ્યું કે મારી પાસે તમારા માટે એક જરૂરી સમાચાર છે, હું અત્યારે દરેક રાજનૈતિક પાર્ટીઓની બેઠકમાંથી પરત આવ્યો છું, અમે નિર્ણય કર્યો છે કે દેશને રાષ્ટ્રપતિ તરીકે તમારી જરૂર છે. મારે તમારી સહમતીરૂપે માત્ર હા જોઇએ છે.
કેમ છો ગોરધનભાઇ
ડો. કલામ સાથે અમદાવાદની યાદો પણ જોડાયેલી છે. અબ્દુલ કલામ ૧૯૬૫માં અમદાવાદના પીઆરએલમાં નોકરી કરતા હતા ત્યારે તેમના કપડા ધોઇને ઇસ્ત્રી કરવાનું કામ કરતા ૬૮ વર્ષના ગોરધનભાઇ ધોબીએ પણ તેમને સ્મરણાંજલી આપી છે.
ગોરધનભાઇ કહે છે કે, ‘ડો. અબ્દુલ કલામ અમદાવાદમાં રહેતા ત્યારે તેઓ મારી પાસે કપડા ધોવા અને ઇસ્ત્રી કરાવવા માટે જાતે જ આવતા હતા. તેઓ મને શરુઆતમાં ખૂબ જ કહેતા હતા કે આ ઉંમરમાં તેં ભણવાનું છોડીને કેમ કામ કરવાનું શરુ કર્યુ છે ? જો તારે ભણવું હોય તો હું તારો ખર્ચ ઉપાડવા માટે પણ તૈયાર છું.’ ગોરધનભાઇ કહે છે, કલામના કહેવા છતાં મારા પિતા ન હોવાથી મારા માથે ઘરની જવાબદારી હતી જેથી હું ભણી શક્યો નહી.
ડો. કલામ સાહેબની વિનમ્રતાનો પ્રસંગ યાદ કરતા ગોરધનભાઇ કહે છે કે, એકવાર તેમણે કલામના કપડા ભૂલથી બીજાને આપી દિધા હતા. આથી તેઓ કપડા લેવા આવ્યા ત્યારે શું જવાબ આપીશ તેનો ડર લાગ્યો પરંતુ વાત જાણીને કલામ સાહેબે વિનમ્રતાથી કહ્યું, કે કંઇ જ વાંધો નહી ભૂલ તો માણસથી જ થાય. ભલે કપડા ન મળે ચિંતા ન કરતા. હું બીજા લઇશ એ બહાને મારે નવા કપડા આવશે. અબ્દુલ કલામ કોઇક વાર રસ્તામાં મળી જાય તો બુમ પાડીને કેમ છો ગોરધનભાઇ જરૂર પૂછતા હતા. ગોરધનભાઇ ૫૦ વર્ષથી ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં લોન્ડ્રીનું કામ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter