સૂરજકુંડઃ માનવસંસાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીનાં વડપણ હેઠળ ૧૮મી ફેબ્રુઆરીએ યોજાયેલી એક બેઠકમાં એવો નિર્ણય જાહેર કરાયો છે કે, દેશની તમામ ૪૬ કેન્દ્રિય યુનિવર્સિટીઓના મધ્ય ભાગમાં ૨૦૭ ફૂટની ઊંચાઈએ ભારતીય ધ્વજ ગર્વભેર લહેરાવવાનો રહેશે. સૌથી પહેલાં જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી કેમ્પસમાં તિરંગો ફરકાવીને ધ્વજવંદન થશે. તમામ કેન્દ્રિય યુનિવર્સિટીના કુલપતિઓ સાથે યોજાયેલી બેઠકમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણય એટલા માટે લેવાયો છે કે તિરંગો મજબૂત ભારતનો સંદેશ આપે છે.
જોકે, આ ઠરાવનો કોંગ્રેસે આકરો પ્રત્યાઘાત આપતાં જણાવ્યું છે કે, ધ્વજ લહેરાવી દેવાથી કે વંદે માતરમ્ ગાવાથી રાષ્ટ્રભક્તિ પેદા થતી નથી. કોઈ વ્યક્તિ બંધારણમાં માને અને તેને બંધારણમાં વિશ્વાસ હોય તેને રાષ્ટ્રભક્તિ કહેવાય. સીપીએમના નેતા બ્રિન્દા કરાતે પણ નિર્ણય અંગે સરકારની ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે કે જ્યારે જેએનયુમાં વિદ્યાર્થી સંગઠનના નેતા કન્હૈયાકુમારની રાષ્ટ્રદ્રોહના ગુના હેઠળ ધરપકડ બાદ આવો નિર્ણય લેવાયો તેથી ઠરાવ પર વિચાર કરવા જેવો છે.