નવી દિલ્હીઃ પ્રેમનું પ્રતીક ગણાતા તાજ મહલની મુલાકાત લેતાં ૭૦-૮૦ લાખ પ્રવાસીઓ હવે વિશ્વની આ અજાયબીના ફોટોગ્રાફ પાડીને તાત્કાલિક મિત્રોને કે પરિવારના સભ્યોને મોકલી શકશે અને સોશિયલ મીડિયા સાઇટ્સ પર પોસ્ટ પણ કરી શકશે. સરકારી ટેલિકોમ કંપની BSNLએ તાજ મહલમાં વાઇ-ફાઇની સુવિધા લોન્ચ કરી હતી, જેના પગલે આ શક્ય બનશે. આ વાઇ-ફાઇ સુવિધા પ્રથમ ૩૦ મિનિટ માટે મફતમાં મળશે. આ પછી યુઝરે ૩૦ મિનિટ માટે રૂ. ૨૦ અને એક કલાક માટે રૂ. ૩૦, બે કલાક માટે ૫૦ અને આખા દિવસ માટે રૂ. ૭૦ ચૂકવવાના રહેશે. પ્રવાસીઓ મહિને ત્રણ વાર ૩૦ મિનિટ ફ્રી વાઇ-ફાઈ એકસેસ કરી શકશે.
ભારત સરકારના ટેલિકોમ પ્રધાન રવિ શંકર પ્રસાદે કહ્યું હતું કે, BSNL માર્ચ સુધીમાં ખજૂરાહો અને પુરીના જગન્નાથ મંદિર જેવા અન્ય જાણીતા સ્થળોએ પણ આવી જ સુવિધા શરૂ કરવાની યોજના ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી અને મુંબઈને બાદ કરતાં સમગ્ર દેશમાં સર્વિસ આપતી BSNL ૫૯૬ નવા બેઝ સ્ટેશન્સ મારફત તેના 3G નેટવર્કનો વ્યાપ વધારશે. જેથી કંપનીને વર્તમાન શહેરો ઉપરાંત ૧૫ નવાં શહેરોમાં હાઈસ્પીડ બ્રોડબ્રેન્ડ સર્વિસીસમાં સુધારો કરવામાં મદદ મળશે.