ચેન્નઈઃ તામિલનાડુનાં ‘આયર્ન લેડી’ તરીકે ઓળખાતાં જયલલિતાના એઆઇએડીએમકેએ ફરી એક વાર સત્તા હાંસલ કરી છે. પાંચ વાર મુખ્ય પ્રધાન પદના શપથ ગ્રહણ કરી ચૂકેલાં ‘અમ્મા’ હવે છઠ્ઠી વાર રાજ્યની કમાન સંભાળશે. તામિલનાડુમાં ૨૭ વર્ષ જૂનો ઇતિહાસ છે કે, એક સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરે તે પછી ફરીથી સત્તા મેળવી શકતી નથી. જોકે, અમ્માએ આ વખતે આ રેકોર્ડ તોડી નાંખ્યો છે.
જયલલિતાએ જણાવ્યું હતું કે, ડીએમકે પરિવારના રાજકારણનો અંત આવી ગયો છે. લોકોએ ડીએમકેના મિથ્યાભિમાનને ફગાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે, અમ્માની જીત બાદ વડા પ્રધાન મોદીએ તેમને ફોન કરીને જીતના અભિનંદન પાઠવ્યા હતા.
તદ્દન વિપરીત પરિણામ
તામિલનાડુમાં મતદાન સમયે હાથ ધરાયેલા એક્ઝિટ પોલમાં તમામ એજન્સીઓએ ડીએમકે સુપ્રીમો કરુણાનિધિની સત્તાવાપસીનો સંકેત આપ્યો હતો અને જયલલિતાની હાર થતી હોવાનું દર્શાવ્યું હતું. જોકે, ચૂંટણીના પરિણામો તેનાથી તદ્દન વિપરીત આવ્યા છે. રાજ્યની જનતાએ તમામ અનુમાનોને ખોટા સાબિત કરી ફરી એક વાર રાજ્યની કમાન અમ્માના હાથમાં સોંપી દીધી છે. ૧૯૮૯માં ગૃહમાં થયેલી ધક્કામુક્કીમાં જયલલિતાની સાડી ખેંચાયા બાદ તેમણે મુખ્ય પ્રધાન બનીને જ વિધાનસભા ગૃહમાં પ્રવેશવાના લીધેલા શપથ યાદ આવે છે.