ચેન્નઈઃ તામિલનાડુમાં મુખ્ય પ્રધાન પદ માટેની ખેંચતાણ દિન-પ્રતિદિન તીવ્ર બની રહી છે. મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપનાર પનીરસેલ્વમે પોતાનો નિર્ણય બદલવા તૈયારી દર્શાવી છે તો બીજી તરફ શશિકલા પણ નમતું જોખવા તૈયાર નથી. નવ ફેબ્રુઆરીએ એક નાટ્યાત્મક ઘટનાક્રમમાં મુખ્ય પ્રધાન પદ સંભાળવા થનગની રહેલાં શશિકલાએ પાર્ટીના ધારાસભ્યોની મીટિંગ યોજ્યા બાદ તમામ ૧૩૧ ટેકેદાર ધારાસભ્યોને બસમાં ભરી અજ્ઞાત સ્થળે મોકલી આપ્યા હતા. જરૂર પડ્યે તેઓ દિલ્હીમાં રાષ્ટ્રપતિ સમક્ષ પણ ધારાસભ્યોની પરેડ કરાવવા તૈયાર છે. બીજી બાજુ, શશિકલા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત મામલે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવવાનો બાકી છે ત્યારે ગવર્નરના વલણ પર બધાની નજર ટકેલી છે.
હાલના કાર્યકારી મુખ્ય પ્રધાન પનીરસેલ્વમે સાત ફેબ્રુઆરીએ શશિકલા સામે બળવો પોકારતા એઆઇએડીએમકેમાં રહેલા મતભેદો બહાર આવ્યા હતા. પનીરસેલ્વમે આક્ષેપો કર્યા હતા કે શશિકલા દ્વારા તેમના પર રાજીનામું આપવા દબાણ કરાયું હતું. આ પછી તેમણે રાજીનામું પાછું ખેંચવા તૈયારી દર્શાવી હતી. જયલલિતાનાં શકમંદ મૃત્યુની તપાસ કરવાનો પણ તેમણે આદેશો આપ્યો છે. રાજ્ય વિધાનસભામાં બહુમતી પુરવાર કરવા તૈયારી દર્શાવીને તેમણે ૫૦થી વધુ ધારાસભ્યોનો ટેકો હોવાનો દાવો કર્યો હતો.
દ્રમુક સાથે સાઠગાંઠની સજાઃ શશિકલા
આઠ ફેબ્રુઆરીએ પક્ષના કાર્યકરો સાથે મિટિંગ પછી શશિકલાએ કહ્યું હતું કે પનીરસેલ્વમને ગદ્દારીની સજા કરાશે. શશિકલાએ આક્ષેપો કર્યા હતા કે તેઓ દ્રમુક નેતા સ્ટાલિનના ઈશારે બળવો કરી રહ્યા છે. શશિકલાએ કહ્યું કે અમને તોડવાની કે પક્ષમાં ભાગલા પડાવવાની તાકાત કોઈનામાં નથી. અમ્મા આખી જિંદગી જેની સામે લડતાં રહ્યાં તે દ્રમુક સાથે સાઠગાંઠ કરવાની સજા પનીરસેલ્વમને કરાઈ હોવાનું શશિકલાએ કહ્યું હતું. આ પછી શશિકલાએ મોડી રાત્રે પનીરસેલ્વમને પાર્ટીના ખજાનચીપદેથી હાંકી કાઢ્યા હતા. હવે તેમને પક્ષમાંથી પણ હાંકી કઢાય તેવી શક્યતા છે.
ઘટનાક્રમ આંચકાજનક: દીપા
જયલલિતાની ભત્રીજી દીપા જયકુમારે કહ્યું હતું કે તામિલનાડુમાં જે કંઈ નાટકીય વળાંક આવ્યો છે તે આંચકાજનક છે. મને અન્નાદ્રમુકના સાથ અંગે સત્તાવાર આમંત્રણ મળ્યું નથી, પરંતુ હું પનીરસેલ્વમને જ ટેકો આપીશ.
કેન્દ્રને અન્નાદ્રમુકના ટેકાની જરૂર
રાજકીય નિષ્ણાતોના મતે છ મહિના પછી રાષ્ટ્રપતિની ચૂંટણી છે તેમાં કેન્દ્ર સરકારને અન્નાદ્રમુકના બાવન સાંસદ અને ૧૩૪ ધારાસભ્યોના ટેકાની જરૂર છે. આથી કેન્દ્ર સરકાર ત્યાં થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવી રહી છે. જોકે પનીરસેલ્વમે કહી દીધું છે કે તેને વડા પ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનો ટેકો છે.
વિધાનસભાનું ગણિત
તામિલનાડુ વિધાનસભામાં હાલ ૨૩૪ બેઠકનો છે, જેમાં અન્નાદ્રમુકના ૧૩૪ ધારાસભ્યો છે. બહુમતી માટે ૧૧૮ ધારાસભ્યોના ટેકાની જરૂર છે. પનીરસેલ્વમ ૫૦ ટેકેદારોનો ટેકો હોવાનો દાવો કરે છે. તે સરકાર ટકાવી રાખવા કરુણાનિધિની દ્રમુક પાર્ટીના ૮૯ ધારાસભ્યોનો ટેકો મેળવે તો તેનું સંખ્યાબળ ૧૩૯ ધારાસભ્યોનું થાય છે, આમ તેઓ સરકારને દ્રમુકના ટેકાથી ટકાવી શકે.
આ તો ભાજપનું કાવતરું: કોંગ્રેસ
કોંગ્રેસના પ્રવક્તા સૂરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે, તામિલનાડુમાં સરકારને ઊથલાવવા અને રાજકીય અસ્થિરતા સર્જવા માટે ભાજપ દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું છે. ભાજપે જેમ આસામ અને અરુણાચલ પ્રદેશમાં સત્તા કબજે કરવાના પ્રયાસો કર્યા હતા તેમ હવે તેની નજર તામિલનાડુ પર છે. આ આ માટે ગવર્નરનો ઉપયોગ કરી રહી છે. બીજી બાજુ ભાજપ પ્રવકતા વેંકૈયા નાયડુએ કોંગ્રેસના આક્ષેપો ફગાવ્યા હતા.
રાજ્યના ભાગલા ના પાડોઃ કમલ હસન
લોકપ્રિય ફિલ્મ અભિનેતા કમલ હસને ટ્વિટ કરીને કહ્યું હતું કે તામિલનાડુના ભાગલા પડાવવાનું બંધ કરો. અહિંસાની આ લડાઈમાં આખું ભારત તામિલનાડુની સાથે છે અને રહેશે. દક્ષિણની અભિનેત્રી ગૌતમીએ દાવો કર્યો હતો કે તામિલનાડુના સાચા મુખ્ય પ્રધાન બનવાનો હક પનીરસેલ્વમને જ છે, શશિકલાને નહીં.