લખનઉ: ફૈઝાબાદ ખાતે બજરંગદળ દ્વારા યોજાયેલી સેલ્ફ ડિફેન્સની તાલીમ દરમિયાન હથિયારોના ઉપયોગ અને એક સમુદાયને આતંકવાદી દર્શાવવાના મુદ્દે વિવાદ વકર્યો છે. કેટલાંક સંગઠનો દ્વારા તાલીમનો વિરોધ કરાતાં પોલીસફરિયાદ કરવામાં આવી છે. બુધવારે અયોધ્યા કોટવાલી પોલીસે પરવાનગી વગર હથિયારો રાખવા અને તેનો ઉપયોગ કરવા મુદ્દે બજરંગદળના ૫૦ કાર્યકરો સામે ૧૫૩ની કલમ હેઠળ ૨૫મી મેએ કેસ દાખલ કર્યો છે અને બજરંગદળ અયોધ્યા પ્રમુખ મહેશ મિશ્રાની ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યાના રામસેવકપુરમમાં આ તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમ દરમિયાન સ્વયંસેવકો અને કાર્યકર્તાઓને લાઠીદાવ અને હથિયારો ચલાવવાનું શિક્ષણ અપાતું હતું, તે ઉપરાંત તાલીમ દરમિયાન સ્વયંસેવકોને ચોક્કસ સમુદાયના દર્શાવાયા હતા, આ કારણે રાજકારણ ગરમાયું છે.
અમને પણ પરવાનગી આપો: મુસ્લિમ ધર્મગુરુઓ
બજરંગદળની તાલીમ જોયા બાદ અને તેના વિવાદ બાદ મુસ્લિમ ધર્મગુરુઓ પણ મેદાને પડયા છે. તેમણે મુસ્લિમ સમુદાયનાં લોકોને આત્મરક્ષણની તાલીમની પરવાનગી આપવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, મુસ્લિમોને પણ હથિયારો ચલાવીને આત્મરક્ષણ માટે તૈયાર કરવા અનુમતિ આપવામાં આવે. રમખાણો દરમિયાન મુસ્લિમોને જ સૌથી વધારે ભોગવવું પડે છે અને તેને કારણે તેમને હથિયાર ચલાવવાની તાલીમ આપવામાં આવે તો યોગ્ય રહેશે.