નવી દિલ્હીઃ ભારત સરકારે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ સાથે જોડાયેલી કર્મ સબરંગ ક્મ્યુનિકેશન એન્ડ પબ્લિશિંગ પ્રા. લિમિટેડ (SCPPL)ને અમેરિકાસ્થિત ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા કથિત રીતે નિયમોનો ભંગ કરીને ભંડોળ ટ્રાન્સફર કરવાના કેસની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત તે ફર્મના બેન્ક એકાઉન્ટને સીલ કર્યું હતું. સૂત્રોના કહે છે કે, SCPPLએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી લીધા વગર જ ફોર્ડ ફાઉન્ડેશન પાસેથી ૨.૯ લાખ ડોલરની રકમ સ્વીકારીને ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ)નો ભંગ કર્યો હતો.
૧૧૧ વર્ષના બ્રિટિશ નાઝર સિંહના પંજાબમાં વ્હિસ્કીથી અંતિમ સંસ્કારઃ પંજાબના જલંધર-નકોદરના ફાજિલપુર ગામથી પચાસ વર્ષ પહેલાં બ્રિટન સ્થાયી થયેલા નાઝરસિંહનું તાજેતરમાં અવસાન થયું છે. સદ્ગતના અંતિમ સંસ્કાર તેમના વતનમાં અનોખી રીતે કરવામાં આવ્યા હતા. યુરોપના સૌથી બુઝુર્ગે ૧૧૧ વર્ષના નાઝરસિંહ વ્હિસ્કીના શોખીન હતા. તેથી તેમના પરિજનોએ અંતિમ સમયમાં પણ તેમણે વ્હિસ્કીથી દૂર ન રાખ્યા, જે રીતે તેમણે આખું જીવન પસાર કર્યું તે રીતે જ વિદાય આપવામાં આવી. આખું જીવન કોઈ પણ અફસોસ અને આંસુ વગર પસાર કર્યું. નાઝર રોજ વ્હિસ્કીનો એક પેગ પીતા હતા. તેના કારણે જ તેના બાળકોએ તેમના શબ પર દારૂ રેડ્યો. નાઝર થોડા દિવસથી વતન આવ્યા હતા. જ્યાં ૨૦ જૂને તેમણે અંતિમ શ્વાસ લીધો. નાઝર ખેડૂત હતા. ૧૯૬૫માં પત્ની સાથે તે બ્રિટન જઈ વસ્યા. જ્યાં તેમના બાળકો છે. પરિવારમાં નવ બાળકો, ૩૪ પૌત્ર-પૌત્રીઓ અને ૬૪ પરપૌત્ર-પૌત્રીઓ છે. નાઝર દુનિયાના ત્રીજા સૌથી વૃદ્ધ વ્યક્તિ છે અન્ય બે વ્યક્તિ જપાનના છે. તેમના પુત્ર મોહનસિંહ અંતિમ સંસ્કાર આપવા પહેલા તેના પિતાની છેલ્લી બોટલથી વ્હિસ્કી અર્પણ કરી હતી.
મુંબઈ બોંબ બ્લાસ્ટમાં શરીફનો હાથ હતોઃ મુંબઈમાં ૧૯૯૩માં થયેલા બોમ્બ બ્લાસ્ટ અંગે ભારતના એક ભૂતપૂર્વ રાજદ્વારી રાજીવ ડોગરાએ તેમનાં પુસ્તકમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાનના અત્યારના વડા પ્રધાન નવાઝ શરીફનો આ વિસ્ફોટમાં હાથ હતો. તેઓ આ ઘટના અંગે અગાઉથી જાણતા હતા અને તેમણે જ આતંકીઓને વિસ્ફોટ કરવાની મંજૂરી આપી હતી. રાજીવ ડોગરા ૧૯૯૨થી ૧૯૯૪ સુધી પાકિસ્તાનમાં રહ્યા હતા. તેમનાં પુસ્તક ‘વ્હેર બોર્ડર બ્લીડ...’માં તેમણે આવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
ટાઇટલર સામે નવી કોઈ ફરિયાદ નથીઃ કોંગ્રેસના નેતા જગદીશ ટાઈટલર સામે નવી કોઈ એફઆઈઆર નોંધવામાં નહીં આવી હોવાનું સીબીઆઈએ દિલ્હીની કોર્ટને જણાવ્યું છે. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના કેસમાં સાક્ષીઓને ધમકાવવા અને મની લોન્ડરિંગના આરોપો અંગે ટાઈટલરને પહેલા જ ક્લીન ચીટ આપવામાં આવી છે. વધારાના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સૌરભ પ્રતાપસિંહે જણાવ્યું કે પીડિતની અરજીને આધારે કોર્ટે સરકારી વકીલને પ્રશ્નો પૂછ્યા હતા.