આંધ્રપ્રદેશ, તેલાંગણ અને પશ્ચિમ બંગાળમાં તીવ્ર ગરમીને કારણે અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને ૪૩૨ સુધી પહોંચી છે. ગત સપ્તાહે આંધ્રમાં ૮૭, તેલંગાણામાં ૫૮ અને પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિનાં મોત થયાં હતાં. તેની સાથે આંધ્રમાં મોતનો આંકડો વધીને ૧૮૨, તેલંગણમાં ૧૮૬ અને પશ્ચિમ બંગાળમાં ૧૧ પર પહોંચ્યો છે. ઓડિશામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં સૌથી વધુ તાપમાન ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં ૪૭.૭ ડિગ્રી નોંધાયું હતું. ઓડિશામાં ૪૬.૭ ડિગ્રી સાથે ઔદ્યોગિક શહેર અંગુલ સૌથી વધારે ગરમ રહ્યું હતું. મહારાષ્ટ્રના ચંદ્રપુર નૌગાવ ખાતે પારો ૪૭ ડિગ્રી રહ્યો હતો. રાજસ્થાન પણ ભીષણ ગરમીની લપેટમાં છે. અહીં સૌથી વધારે તાપમાન જેસલમેર અને શ્રીગંગાનગરમાં ૪૫.૬ ડિગ્રી નોંધાયું હતું.
જાતીય સતામણી બદલ આર. કે. પચૌરી દોષિતઃ નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત અને જાણીતા પર્યાવરણવિદ્ આર.કે. પચૌરીને જાતીય સતામણીના આરોપમાં દોષિત ઠરાવવામાં આવ્યા છે. ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (ટેરી)ની આંતરિક તપાસમાં જેમણે પચૌરી પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે તે રિસર્ચ એનાલિસ્ટને દોષમુક્ત ઠરાવાઈ છે જ્યારે ૭૪ વર્ષના પચૌરીને દોષિત ઠર્યા છે. આંતરિક ફરિયાદ સમિતિની તપાસમાં એવું જણાયું હતું કે, પચૌરીએ તેમના હોદ્દાનો દુરુપયોગ કરીને ખોટો ફાયદો ઉઠાવ્યો હતો અને સંસ્થાની નીતિની ભંગ કર્યો હતો. તપાસ અહેવાલમાં ૨૯ વર્ષના રિસર્ચ એનાલિસ્ટ દ્વારા કરવામાં આવેલા આરોપોને સાચા ઠરાવવામાં આવ્યા હતા. પેનલ દ્વારા આ કિસ્સામાં પચૌરી સામે શિસ્તભંગનાં પગલાં લેવા ભલામણ કરવામાં આવી છે.
રાજસ્થાનમાં ગુર્જર અને સૈની સમુદાય વચ્ચે અથડામણઃ રાજસ્થાનમાં આરક્ષણ માટે ગુર્જરોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. સોમવારે ગુર્જર સમુદાયના પ્રદર્શનકારીઓ અને સૈની સમુદાયનાં લોકો વચ્ચેનો વિવાદ હિંસક બની ગયો હતો. જેથી કેન્દ્ર સરકારે સ્થિતિને નિયંત્રણમાં રાખવા રાજસ્થાનમાં પેરામિલિટરી ફોર્સની ૧૪ કંપનીઓ તૈનાત કરી હતી. ગુર્જર સમુદાયના પ્રદર્શનકારીઓ હાલમાં ટ્રેનના પાટા પર પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે ૪૫ જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે. તે ઉપરાંત માર્ગ વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
મોદી હું, હું અને ફક્ત હું સિન્ડ્રોમનો શિકાર: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે, તેઓ માત્ર હું, હું અને હું સિન્ડ્રોમનો શિકાર છે. તેઓ આપખુદશાહી વધારે પસંદ કરે છે.