કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં ૪થી એપ્રિલથી વિધાનસભાની ચૂંટણી શરૂ થાય તે પહેલાં બે વર્ષ પહેલાં કરાયેલાં સ્ટિંગ ઓપરેશનની ક્લિપ ૧૪મી માર્ચે જાહેર થતાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો. નારદ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં પશ્ચિમ બંગાળની સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસના ટોચના ૧૨ નેતાઓ કેમેરામાં લાંચ પેટે રોકડ લેતાં ઝડપાઈ ગયા હતા. સ્ટિંગમાં સંડોવાયેલા મહત્ત્વના નેતાઓમાં પૂર્વ રેલવે પ્રધાન અને રાજ્યસભાના સાંસદ મકુલ રોય, પૂર્વ કેન્દ્રીય મંત્રી સૌગત રોય, પાર્ટીના યુવા નેતા સુવેન્દુ અધિકારી, સાંસદ કાકોલી ઘોષ, રાજ્યના શહેરી વિકાસપ્રધાન ફિરહદ હકીમ, ધારાસભ્ય ઇકબાલ અહમદ, સાંસદ પ્રસૂન્ન બેનરજી, કોલકાતાના મેયર સોવાન ચેટરજી, પૂર્વ પ્રધાન મદન મિત્રા અને યુવા પાંખના અધ્યક્ષ કરણ શર્માનો સમાવેશ થાય છે.
મંગળવારે સ્ટિંગ ઓપરેશનના પડઘા દિલ્હીની સંસદમાં પડયા હતા. લોકસભામાં ભાજપ, કોંગ્રેસ અને ડાબેરી મોરચા અને તૃણમૂલના સાંસદો વચ્ચે ઉગ્ર ચકમક ઝરી હતી. વિવિધ પાર્ટીઓે તપાસની માગ કરતાં કેન્દ્રીય પ્રધાન વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, સંસદની શાખ દાવ પર છે. આ મામલામાં ક્યાં તો સરકાર અથવા લોકસભાના સ્પીકર તપાસના આદેશ આપી શકે છે.
મમતા બેનરજીના રાજીનામાની માગ
સ્ટિંગ સામે આવ્યા બાદ ભાજપના નેતા સિદ્ધાર્થ સિંહે જણાવ્યું હતું કે, મમતા બેનરજીએ તાત્કાલિક મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દેવું જોઇએ. ચૂંટણીના થોડા દિવસ પહેલાંથી જ તેઓ સીએમ પદે રહેવાને લાયક નથી. ભાજપ સીબીઆઇ તપાસ માટે માગ કરશે. સીપીએમે આરોપ મૂક્યો હતો કે એક એવી પાર્ટી રાજ્યમાં સત્તા પર છે કે, જેણે જનતાના હજારો કરોડ રૂપિયાની લૂંટ ચલાવી છે. સીપીએમે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી છે.
પાર્ટીને બદનામ કરવા રાજકીય કાવતરું: તૃણમૂલ
ટીએમસીએ સ્ટિંગ ઓપરેશનની ક્લિપને છેડછાડવાળી ગણાવી છે. પાર્ટીના સાંસદ ડેરેક ઓબ્રાયને જણાવ્યું હતું કે, રાજકીય વિરોધીઓ અમારી પાર્ટીને બદનામ કરવા હલકી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. ટીએમસીએ નારદ ન્યૂઝ પોર્ટલ વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે.
તૃણમૂલ સાંસદ માટે કામ કરનાર પત્રકારે સ્ટિંગ કરાવ્યું
તૃણમૂલના રાજ્યસભાના સાંસદ કે. ડી. સિંહ માટે કામ કરનાર મેથ્યુ સેમ્યુલે આ સ્ટિંગ કરાવ્યું હતું. મેથ્યુ સેમ્યુલે જાન્યુઆરી ૨૦૧૬માં તહેલકા છોડી નારદ ન્યૂઝનો પ્રારંભ કર્યો હતો. સેમ્યુલે એવું જાહેર કર્યું છે કે, હું આ સ્ટિંગ પર કામ કરી રહ્યો હતો તેની જાણ કે. ડી. સિંહને પણ નહોતી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં મેં આ સ્ટિંગ પર કામ શરૂ કર્યું હતું. તહેલકામાં સુધારો લાવવા માટે કે. ડી. સિંહે મને આમંત્રણ આપ્યું હતું, પરંતુ જાન્યુઆરી ૨૦૧૬માં મેં નોકરી છોડી દીધી હતી. હું તહેલકા માટે કામ કરતો હતો છતાં મારા બોસ કે. ડી. સિંહને મેં જાણ થવા દીધી નહોતી કે હું આ સ્ટિંગ પર કામ કરી રહ્યો છું.
સ્ટિંગમાં કોણ કેટલા રૂપિયા લેતા પકડાયા
- એમ એચ અહમદ મિર્ઝા રૂ. ૫૦ લાખ
- મુકુલ રોય રૂ. ૨૦ લાખ
- સુબ્રત મુખરજી રૂ. ૫ લાખ
- સૌગત રોય રૂ. ૫ લાખ
- સુલતાન અહમદ રૂ. ૫ લાખ
- સુવેન્દુ અધિકારી રૂ. ૫ લાખ
- કાકોલી ઘોષ રૂ. ૪ લાખ
- પ્રસૂન્ન બેનરજી રૂ. ૪ લાખ
- સુવોન ચેટરજી રૂ. ૫ લાખ
- મદન મિત્રા રૂ. ૫ લાખ
- ઇકબાલ એહમદ રૂ. ૫ લાખ
- ફરહાદ હકીમ રૂ. ૫ લાખ