ત્રીજા તબક્કોઃ 10 રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠક પર 61.45 ટકા મતદાન

Wednesday 08th May 2024 05:17 EDT
 
 

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે ગુજરાત સહિત 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા-નગર હવેલી તથા દીવ-દમણની કુલ 93 બેઠકો પર સરેરાશ 61.45 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ 75. 26 મતદાન આસામમાં જ્યારે સૌથી ઓછું 54.77 ટકા મતદાન મહારાષ્ટ્રમાં થયું હતું. આ તબક્કામાં કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, જ્યોતિરાદિત્ય સિંધિયા તથા પ્રહલાદ જોશી, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ડિમ્પલ યાદવ, દિગ્વિજયસિંહ, સુપ્રિયા સુલે અને અધીર રંજન ચૌધરી સહિત કુલ 1,351 ઉમેદવારો મેદાનમાં હતા. 93 બેઠકો પર 17.24 કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ત્રીજા તબક્કામાં ગુજરાતની 25, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11, ઉત્તરપ્રદેશની 10, મધ્યપ્રદેશની 9, છત્તીસગઢની 7, બિહારની 5, પશ્ચિમ બંગાળ અને આસામની 4-4, ગોવાની 2 તથા કેન્દ્રશાસિત દાદરા-નગર હવેલી અને દીવ-દમણ બેઠકો માટે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજોરી લોકસભા બેઠક માટે પણ મતદાન થવાનું હતું પરંતુ કનેક્ટિવિટીના કેટલાક પ્રશ્નોના કારણસર આ બેઠક માટે હવે 25 મેના રોજ મતદાન થશે. ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા તબક્કાનું મતદાન અનુક્રમે 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને થશે. ચોથી જૂને મતગણતરી હાથ ધરાશે.
બારામતીમાં પવાર વિ. પવાર
ત્રીજા તબક્કામાં ખરાખરીનો મુકાબલો મહારાષ્ટ્રની બારામતી બેઠક પર છે, જ્યાં એનસીપી (શરદચંદ્ર પવાર) તરફથી શરદ પવારનાં પુત્રી તથા વર્તમાન સાંસદ સુપ્રિયા સુલે સામે તેમના ભાભી, નાયબ મુખ્યપ્રધાન અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મેદાનમાં છે. આ બેઠક શરદ પવાર અને અજિત પવાર બંનેનો ગઢ ગણાય છે કેમ કે સુપ્રિયા બારામતીનાં સાંસદ છે જ્યારે અજિત પવાર અહીંથી ધારાસભ્ય છે.
દિગ્ગજો વચ્ચે ખરાખરીનો જંગ
ઉત્તરપ્રદેશમાં સ્વ. મુલાયમસિંહ યાદવ પરિવારનો ગઢ ગણાતી મૈનપુરી બેઠક પર પણ આ વખતે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ, ભાજપના જયવીરસિંહ અને બસપાના શિવપ્રસાદ યાદવ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. બીજી તરફ મધ્યપ્રદેશના ગુનામાં ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસના રાવ યાદવેન્દ્રસિંહ વચ્ચે ટક્કર થશે.
નોંધનીય છે કે ગત 19 એપ્રિલે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું અને 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 66.14 ટકા અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું હતું જ્યારે 2019ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 69.43 ટકા અને બીજા તબક્કામાં 69.17 ટકા મતદાન થયું હતું.
ફેક વીડિયો હટાવોઃ ચૂંટણી પંચનો આદેશ
ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને રવિવારે આદેશ આપ્યો હતો કે ત્રણ કલાકની અંદર સોશિયલ મીડિયા પરથી પોતાની તમામ ફેક માહિતીને હટાવી લેવામાં આવે. પ્રચાર પડઘમ શાંત થયા બાદ રાજકીય પક્ષો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવામાં આવતો હોય છે. જે દરમિયાન અનેક ફેક વીડિયો સહિતની કન્ટેન્ટ શેર કરવામાં આવતી હોય છે. ચૂંટણી પંચે આવી ફેક કે જુઠી માહિતીની નોંધ લઇને આ આદેશ આપ્યો હતો. તાજેતરમાં જ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી, અભિનેતા આમિર ખાન, રણવીરસિંહનો ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. જેને હટાવી લેવાયા છે અને સાથે જ શેર કરનારાઓની સામે ક્રિમિનલ ફરિયાદ પણ થઇ છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ની મદદથી ડીપફેક વીડિયો ના બનાવવા અને તેને રીલિઝ ના કરવાની ચેતવણી આપી હતી. જો કોઇ પણ નેતા કે પક્ષ દ્વારા આ આદેશનો ભંગ કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહી કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter