• ચૌટાલા ફરીથી તિહાર જેલમાંઃ હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન અને ઇન્ડિયન નેશનલ લોક દળના વડા ઓમપ્રકાશ ચૌટાલાના જામીન દિલ્હી કોર્ટે ગત સપ્તાહે રદ કર્યા બાદ તેમણે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું છે. શિક્ષકોની ભરતી કૌભાંડમાં ૧૦ વર્ષની જેલની સજા પામેલા ચૌટાલા તબિયતના બહાને મે-૨૦૧૩થી જામીન પર હતા. આ સમય દરમિયાન ચૂંટણી પ્રચાર કરતાં દિલ્હી હાઈ કોર્ટે નારાજ થઈને તેમના જામીન રદ કરી જેલમાં આત્મસમર્પણ કરવા આદેશ કર્યો હતો.
• મહારાષ્ટ્રમાં પાંચ પક્ષોના ૬૪૦ ઉમેદવારો સામે ક્રિમિનલ કેસઃ સત્તા મેળવવા માટે મસલ્સ અને મની પાવર જ ચાલે છે તે વાત ફરી એક વખત મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી રહી છે. સત્તામાંથી ગુનેગારોને દૂર રાખવા જોઇએ તેવી ગુલબાંગો પોકારતા પક્ષોએ જીતવા માટે આવા લોકોને જ મેદાનમાં લાવવા પડે છે. પાંચ મુખ્ય પક્ષોએ મેદાનમાં ઉતારેલાં ૧,૩૧૮ ઉમેદવારોમાં ૬૪૦ (૪૯ ટકા) સામે ક્રિમિનલ કેસ છે. ૪૨૫ ઉમેદવારો(૩૨ ટકા) સામે ગંભીર ગુના નોંધાયા છે. મહારાષ્ટ્ર ઇલેક્શન વોચ એન્ડ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે ૨,૩૩૬ ઉમેદવારોનું વિશ્લેષણ કરીને આ તારણ આપ્યું છે.
• ઇશા-આકાશ અંબાણી રિલાયન્સ ગ્રૂપમાં જોડાયાઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્તરાધિકારીના રૂપે મુકેશ અંબાણીના જોડકા યુવા વારસદારો ઇશા અને આકાશની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટેલિકોમ એન્ડ રીટેઇલ વેન્ચર્સના બોર્ડના ડાયરેક્ટરપદે નિમણૂક કરી છે. ૨૩ વર્ષના ઇશા અને આકાશની રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડ અને રિલાયન્સ રીટેઇલ વેન્ચર્સ લિમિટેડના બોર્ડમાં નિમણૂક કરાઈ છે.