દલિતો પર નહીં, મારા પર હુમલો કરોઃ મોદી

Wednesday 10th August 2016 08:17 EDT
 
 

હૈદરાબાદ/નવી દિલ્હીઃ વડા પ્રધાન બન્યા પછી તેલંગણાની પ્રથમ મુલાકાત દરમિયાન છઠ્ઠી ઓગસ્ટે જાહેરસભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ દલિતો ઉપર થયેલા અત્યાચારો અને નકલી ગૌરક્ષકો અંગે આકરાં નિવેદનો આપ્યાં હતાં. મોદીએ હૈદરાબાદમાં જણાવ્યું હતું કે, દલિતો ઉપર અત્યાચાર ગુજારવાનો કોઈનેય હક્ક નથી. હુમલો કરવો હોય તો મારા ઉપર કરો, ગોળી ચલાવવી હોય તો મારી ઉપર ચલાવો મારા દલિત ભાઈઓ ઉપર નહીં. તેમણે જણાવ્યું હતું કે દલિતોના મુદ્દા અંગેનું રાજકારણ બંધ થવું જોઈએ. દલિતો અને વંચિતોનું રક્ષણ કરવું તે આપણી જવાબદારી છે.

દિલ્હીનાં ટાઉનહોલમાં માયજીઓવી ડોટકોમને બે વર્ષ પૂરાં થયાં તે સંદર્ભમાં રખાયેલા કાર્યક્રમમાં ૯ સવાલનાં જવાબ આપવા માટે મોદીએ સવા કલાક જેટલો સમય આપ્યો હતો. મોદીએ કહ્યું હતું કે ગૌરક્ષાનાં નામે ઘણાં લોકોએ દુકાનો ખોલી દીધી છે. ૮૦ ટકા ગૌરક્ષકો અસામાજિક તત્ત્વો છે. રાજ્ય સરકારોએ આવા લોકોનું ડોઝિયર બનાવવું જોઈએ. કેટલાક રાત્રે અસામાજિક પ્રવૃત્તિ કરે છે અને દિવસે ગૌરક્ષકનો અંચળો ઓઢીને ફરે છે. સાચા ગૌરક્ષકોએ પબ્લિક દ્વારા પ્લાસ્ટિક જાહેરમાં ન ફેંકાય તેનું અને ગાયો પ્લાસ્ટિક ન ખાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આ જ સાચી ગૌરક્ષા કહેવાશે. સૌથી વધુ ગાયો પ્લાસ્ટિક ખાવાથી મરે છે. તેલંગણાની મુલાકાત દરમિયાન એનટીપીસી થર્મલ પાવર યોજનાના પહેલા ચરણ અને ગામડાંઓને નળ વાટે પાણી પૂરું પાડવાની મહત્ત્વાકાંક્ષી યોજના સહિત સંખ્યાબંધ યોજનાઓના ઉદ્ઘાટન બાદ લોકોને સંબોધતાં પણ મોદીએ કહેવાતા ગૌરક્ષકો સામે પ્રહારો કર્યા હતા.

મોદીના નિવેદનથી વિહિપ ખફા

મોદીએ ગૌરક્ષા મામલે આપેલાં નિવેદનથી કેટલાક દક્ષિણપંથી સંગઠનો ખફા છે. વિશ્વ હિંદુ પરિષદના એક નેતાએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાને રાખીને આપવામાં આવેલું આ નિવેદન છે. તેમણે ચેતવણી આપી હતી કે વર્ષ ૨૦૧૯માં મોદી હિંદુઓના મત ખોઈ શકે છે. અલીગઢમાં અખિલ ભારત હિંદુ મહાસભાના સભ્યોએ મોદીનાં પોસ્ટરને દૂધ પિવડાવતાં કહ્યું હતું કે મોદીએ લોકોને છેતર્યા છે. વિહિપ ઉપાધ્યક્ષ (વ્રજ) સુનીલ પરાશરે કહ્યું કે મોદીજીને તેમનાં નિવેદન બદલ જનતા માફ નહીં કરે. વર્ષ ૨૦૧૯માં ભાજપ માટે સત્તાવાપસી મુશ્કેલ બનશે. વડા પ્રધાને ગૌરક્ષકોની લાગણીને ઠેસ પહોંચાડી છે. લોકસભાની ચૂંટણીમાં તેની કિંમત ચૂકવવી પડશે.

દલિત દમન મુદ્દે મોદીનું આક્રંદ બનાવટીઃ વિપક્ષ

મોદીના બે-બે નિવેદનો બાદ સોમવારે કોંગ્રેસે પૂરા દેશમાં થઈ રહેલા દલિતો પર દમનને મુદ્દે રાજ્યસભામાંથી સભાત્યાગ કર્યો હતો. વડા પ્રધાન મોદી આ મુદ્દે સંસદમાં નિવેદન આપે તેવી માગણી કરી હતી. બસપા સુપ્રીમો માયાવતી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે પણ કેન્દ્ર સરકારને ગાય અને દલિતોના મુદ્દે ઘેરી હતી. કોંગ્રેસ આક્ષેપ કર્યા કે ગૃહમાં જવાબ આપવાને બદલે વડા પ્રધાન ગૃહની બહાર બોલી રહ્યા છે. દિલ્હીની ટાઉનહોલ મિટિંગ અને પછી હૈદરાબાદમાં ઘટનાઓ અંગે દુઃખ ઠાલવ્યું.

શિવસેનાનું સમર્થન

 

મોદીના નિવેદનને વખાણતાં ઉદ્ધવ ઠાકરેએ સાતમીએ કહ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં આટલા બધા ગૌરક્ષકો ક્યાંથી ફૂટી નીકળ્યા છે? શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના તંત્રી લેખમાં જણાવ્યું છે કે ગૌમાંસ અને ગૌરક્ષાના પ્રશ્ને દેશના કેટલાક ભાગોમાં તંગદિલી ઊભી થઈ છે અને હિંસા પણ થઈ છે તેને લીધે વિશ્વમાં આપણા દેશની આબરૂને ધક્કો લાગ્યો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter