દાઉદ બકરીનું બચ્ચું નથી

Monday 06th July 2015 10:50 EDT
 

મુંબઇઃ ભારત માટે અતિ મહત્ત્વના આરોપી દાઉદ ઇબ્રાહીમને દેશમાં પરત લાવવાના સરકારના પ્રયાસોની મજાક ઉડાવતાં દાઉદના સાથી છોટા શકીલે શેખી મારી હતી. તેણે જણાવ્યું હતું કે ભારતમાં નવી સરકાર રચાય છે ત્યારે પહેલો દાવો કરે છે કે, અમે ઘૂસીને દાઉદને ભારત લાવીશું. શું દાઉદને તમે હલવો કે બકરીનું બચ્ચું સમજી લીધો છે? ૧૯૯૩માં મુંબઇના બોંબ વિસ્ફોટો બાદ ભારત પરત ફરવાના અમારા પ્રસ્તાવને સરકારે નકારી કાઢયો હતો. તે વખતે દાઉદે જાતે રામ જેઠમલાણી સાથે લંડનમાં વાત કરી હતી. દાઉદે તેમને જણાવ્યું હતું કે, વિસ્ફોટમાં મારો કોઇ હાથ નથી પરંતુ અડવાણીએ બધો ખેલ બગાડ્યો હતો, હવે અમે પોતે જ ભારત પરત ફરવા ઇચ્છતા નથી. બીજી તરફ શકીલના દાવાને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ સ્વીકાર્યો હતો કે હા, હું દાઉદને લંડનમાં મળ્યો હતો. દાઉદની ઓફર ફગાવી દેનારા મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન શરદ પવારે ગત સપ્તાહે જણાવ્યું હતું કે, દાઉદે મુકેલી શરતો અસ્વીકાર્ય હોવાથી તેને ફગાવાઇ હતી. ગૃહપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું કે હું અન્ય લોકોની ટિપ્પણી પર કોઇ પ્રતિભાવ આપીશ નહીં ભારત સરકારે જે કરવાની જરૂર છે તે કરી જ રહી છે.

એનસીપીના નેતા શરદ પવારે સ્વીકાર્યું હતું કે રામ જેઠમલાણીએ મને દાઉદના પાછા ફરવાની ઇચ્છા વિશે જણાવ્યું હતું પણ દાઉદે શરત મૂકી હતી કે તેને જેલમાં નહીં પરંતુ ઘરમાં રહેવાની મંજૂરી મળે. સરકારને આ શરત સ્વીકાર્ય નહોતી, જેની સામે ગંભીર આરોપો હોય તેને જેલની બહાર રહેવાની પરવાનગી કેવી રીતે આપી શકાય.

લંડનમાં દાઉદ-જેઠમલાણીની મુલાકાત

રામ જેઠમલાણીએ દાવો કર્યો હતો કે હું લંડનમાં ડોન દાઉદને લંડનમાં મળ્યો હતો, દાઉદે પ્રસ્તાવ મૂક્યો હતો કે હું ભારત પરત ફરવા માગું છું, પરંતુ તત્કાલીન સીએમ શરદ પવારે દાઉદનો પ્રસ્તાવ નકારી કાઢયો હતો, કેન્દ્ર સરકાર દાઉદનો પ્રસ્તાવ સ્વીકારવા રાજી નહોતી. દાઉદને ભય હતો કે જેલમાં તેના પર હુમલો થઇ શકે છે તેથી તેણે શરત મૂકી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter