લંડનઃ ભારતનો મોસ્ટ વોન્ટેડ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં છુપાયો હોવાનો વધુ એક અહેવાલ આવ્યો છે. એક અહેવાલમાં અમેરિકાના ત્રાસવાદવિરોધી નિષ્ણાતોને ટાંકીને કહેવાયું છે કે જેવી રીતે અલ-કાયદાનો વડો ઓસામા બિન લાદેન તેના મોત પહેલાં પાકિસ્તાનમાં રહેતો હતો તેવી જ રીતે દાઉદ ઇબ્રાહીમ પણ બિન્દાસ્ત ત્યાં રહે છે.
બ્રિટિશ અખબાર ‘સન્ડે ગાર્ડિયન’ના સનસનાટીભર્યા અહેવાલ મુજબ દાઉદ પેશાવર, હૈદરાબાદ (સિંધ) અને લાહોરની વચ્ચે આવ-જા કરતો રહે છે. આ માફિયા ડોન પાકિસ્તાન અને ભારતમાં રહેતા તેના કુટુંબી સભ્યોના નિયમિત સંપર્કમાં છે. અહેવાલ અનુસાર, દાઉદ યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)થી સાઉથ આફ્રિકા પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે તેની બાજુમાં જ એક સીનિયર રાજકારણી પણ બેઠા હતા અને તેની સાથે દાઉદે ખાસ્સી વાતો કરી હતી. તેમાં એવો ચોંકાવનારો દાવો પણ કરાયો છે કે વર્ષ ૨૦૦૮ સુધી એનડીએના બે ટોચના નેતાઓ અને યુપીએના ચાર ટોચના નેતા દાઉદના પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્કમાં હતા. જોકે ૨૦૦૮માં મુંબઈમાં ત્રાસવાદી હુમલો થયો તે પછીથી આ છમાંથી નેતાઓએ તેની સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો. છઠ્ઠા નેતાએ ૨૦૧૧માં દાઉદ સાથેનો સંપર્ક બંધ કર્યો હતો.
મુંબઈ પોલીસમાં અને મહારાષ્ટ્રના રાજકીય વર્તુળમાં દાઉદનું વર્ષોથી નેટવર્ક હતું તેને કારણે જ મુંબઈમાં ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ ત્રાસવાદી હુમલો શક્ય બન્યો હતો, એમ પણ અહેવાલમાં જણાવાયું હતું. દાઉદ સાથે ઘરોબો ધરાવનારા ટોચના નેતાઓએ જ એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે એ હુમલાના સ્થાનિક પાસાની પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ જ ન થાય અને બધું જ ધ્યાન અજમલ કસાબ અને પાકિસ્તાનમાં તેના સંપર્ક પર જ કેન્દ્રીત રહે. અહીંથી જ મુંબઈ અને તાજ મહેલ હોટેલ અને ઓબેરોય ટ્રાઈડેન્ટ હોટેલ સહિતના લોકેશન્સની માહિતી અપાઈ હતી.