કોલકતાઃ ગોરખા જનમુક્તિ મોરચા (જીજેએમ) દ્વારા અલગ ગોરખાલેન્ડની માગણી સાથે આંદોલન ચાલતું હોવાથી દાર્જિલિંગમાં લગભગ એક પખવાડિયાથી ટી એસ્ટેટની કામગીરી બંધ પડી છે. પરિણામે અહીંના સુપ્રસિદ્ધ ચા ઉદ્યોગને રૂ. ૧૦૦ કરોડથી વધુના નુકસાનનો ફટકો પડશે.
આંદોલનથી દાર્જિલિંગના ૮૭ ટી એસ્ટેટમાંથી સેકન્ડ ફ્લશ ચાની હેરફેરને અસર થઈ છે અને દાર્જિલિંગથી કોલકતાના ઓકશન સેન્ટર ખાતે ચાની આવક પણ ઠપ્પ થઇ ગઇ છે. એપ્રિલ મહિનામાં સિઝનની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં દાર્જિલિંગ ચાની કિંમતમાં ૧૨ ટકાનો વધારો થયો છે અને ઘરઆંગણાની તથા વિદેશી બજારની મજબૂત માંગના કારણે પ્લાન્ટર્સને કિંમતમાં વધારે સુધારો થવાની અપેક્ષા છે.
જોકે પ્લાન્ટર્સને એવો ભય છે કે દાર્જિલિંગ ચાની ગેરહાજરીમાં નેપાળી ચા ઘરઆંગણાના અને વિદેશના બજારમાં પગપેસારો કરશે અને તેના કારણે દાર્જિલિંગ ચાને બજારહિસ્સાનું નુકસાન થઈ શકે છે. યુકે, જર્મની, જાપાનમાં દાર્જિલિંગ ચાની નિકાસ મોટા પાયે કરવામાં આવે છે.
દાર્જિલિંગ સ્થિત પ્લાન્ટર તથા કોલકાતા ટી ટ્રેડર્સ એસોસિએશનના ચેરમેન અંશુમાન કનોરિયાને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે, ‘અમારો અંદાજ છે કે દાર્જિલિંગ ગાર્ડન્સને આ વીકએન્ડ સુધીમાં આશરે રૂ. ૧૦૦ કરોડ સુધીનું નુકસાન થઈ ચૂક્યું છે. દરેક દિવસ વીતવાની સાથે રૂ. પાંચ કરોડનું નુકસાન તેમાં ઉમેરાશે. દાર્જિલિંગના ગાર્ડન્સ, તેના પર આધારિત અમારા કર્મચારી તથા દાર્જિલિંગની ઓળખને આ એક આર્થિક ફટકો છે. અન્ય પડોશી બજારોને તે દાર્જિલિંગ પાસેથી બજાર હિસ્સો ઝૂંટવી લેવાની તક પણ આપી રહ્યું છે કેમ કે અમે નિકાસના કોન્ટ્રાક્ટસ પૂર્ણ કરવામાં તથા વિશ્વ બજારમાં અમારી ટોચની ગુણવત્તા ધરાવતી ચા સપ્લાય કરી શકીએ તેમ નથી.’
ટી પ્લાન્ટર્સ માટે વધુ ચિંતાની બાબત એ છે કે પ્રવર્તમાન અશાંતિની અસર ચાની ગુણવત્તા પર અસર થશે કેમ કે ચાની પત્તી નિર્ધારિત સમયે ચૂંટી શકાતી નથી. આથી તેની ક્વોલિટી નબળી પડશે. ગૂડરિક ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર એ. એન. સિંઘે જણાવ્યું હતું કે, ‘આ વર્ષે દાર્જિલિંગમાં સીઝનની શરૂઆત મોડી થઈ છે અને તેથી સેકન્ડ ફ્લશ પણ વિલંબમાં છે.’