મુંબઇઃ સ્ટીલઉદ્યોગના માંધાતા અને JSW ગ્રૂપના 64 વર્ષીય મેનેજિંગ ડાયરેક્ટર સજ્જન જિંદાલ સામે 30 વર્ષની એક મહિલાએ બળાત્કારની ફરિયાદ દાખલ કરતાં કોર્પોરેટ જગતમાં ચકચાર મચી હતી. બોમ્બે હાઇ કોર્ટના આદેશ પછી મુંબઈ પોલીસે 13 ડિસેમ્બરે ફરિયાદ દાખલ કરી હતી. આ મહિલાનો સોશિયલ મીડિયા પ્રોફાઇલ પોતાને અભિનેત્રી ગણાવે છે.
પોલીસે જિન્દાલ સામે આઇપીસીની વિવિધ કલમ હેઠળ બળાત્કાર, ગુનાહિત ધાકધમકી અને એક મહિલા પર હુમલો એમ વિવિધ કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. એફઆઇઆરમાં જણાવ્યા મુજબ આ ઘટના કથિત રીતે જાન્યુઆરી 2022માં જિંદાલની મુંબઈ ઓફિસમાં બની હતી. જિંદાલે કથિત રીતે મહિલાને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ઓફિસમાં બોલાવી હતી.
મહિલાએ ફરિયાદમાં દાવો કર્યો હતો કે તે જિંદાલને તેમની ઓફિસમાં સાંજે 7 વાગે મળવા ગઈ હતી, જ્યાં તેમણે બિલ્ડિંગના પેન્ટહાઉસમાં તેના પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો અને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જિંદાલે તેને બૂમો ન પાડવા કહ્યું હતું. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ટેક્સ્ટ મેસેજ મારફત વાતચીત દરમિયાન જિંદાલે તેની સાથે વધુ પડતો મૈત્રીપૂર્ણ વ્યવહાર કર્યો હતો અને પરિણીત હોવા છતાં રોમેન્ટિક લાગણીઓ પણ વ્યક્ત કરી હતી. મહિલાએ દાવો કર્યો હતો કે તેને આ વર્ષના ફેબ્રુઆરીમાં એફઆઈઆર દાખલ કરી ત્યારે પોલીસે કોઈ ધ્યાન આપ્યું ન હતું. જિંદાલના માણસોએ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકી આપી હતી. તેનાથી તેને બોમ્બે હાઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
પીડિતાનું ગુજરાત કનેક્શન
સજ્જન જિંદાલ પર આરોપ મુકનાર યુવતી ગુજરાત કનેક્શન ધરાવે છે. અહેવાલ મુજબ તે અમદાવાદની વતની છે અને શહેરની એક પ્રતિષ્ઠિત કોન્વેન્ટ સ્કૂલ અને કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. યુવતીના દાદા શહેરના એક સામાજિક અગ્રણી તરીકે ઓળખ ધરાવતા હતા. આ યુવતીનું કચ્છ કનેક્શન હોવાનું પણ કહેવાય છે. તેના મામા કચ્છના છે. યુવતીના માતા રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયામાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતાં હતાં. તેમની બદલી મુંબઇ થઇ હતી. પુત્રી ફિલ્મ ઉદ્યોગમાં કારકીર્દિ ઘડવા માગતી હોવાથી તેમનો સમગ્ર પરિવાર મુંબઇ શિફ્ટ થઇ ગયો હતો. મુંબઇમાં સ્થાયી થયેલી આ યુવતી પાસે પ્રોફેશનલ ડિગ્રી છે અને તેણે મોડેલિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. યુવતીએ બોલિવૂડ ફિલ્મો ઉપરાંત કન્નડ, મલયાલમ, તેલુગુ અને પંજાબી ફિલ્મોમાં ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
સજ્જન જિંદાલઃ સ્ટીલ ઉદ્યોગના દિગ્ગજ
સજ્જન જિંદાલ દેશની બીજી સૌથી મોટી સ્ટીલ કંપની જિંદાલ સ્ટીલ વર્ક્સ (જેએસડબ્લ્યુ)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. ભારતના ટોપ ટેનમાં સામેલ હોય તેવા 1,80,000કરોડની નેટવર્થ ધરાવતા ગ્રૂપના મોભી પર આ પ્રકારનો આરોપ લાગ્યાની આ સંભવતઃ પહેલી ઘટના છે. સજ્જન જિંદાલના પિતા ઓમપ્રકાશ જિંદાલ સમગ્ર ગ્રૂપના સંચાલક હતા. હાલ તેમના માતા સાવિત્રી દેવી જિંદાલ ગ્રૂપના ચેરમેન એમેરિટસ છે. ‘ફોર્બ્સ’ની યાદી અનુસાર સાવિત્ર જિંદાલ ભારતનાં ચોથા ક્રમના સૌથી ધનાઢ્ય છે. 28 બિલિયન ડોલરની સંપત્તિ સાથે તો ભારતનાં સૌથી ધનાઢ્ય મહિલા છે.
આરોપો પાયાવિહોણાઃ જિંદાલ
આ ફરિયાદ બાદ સજ્જન જિંદાલે રવિવારે મોડેથી એક જાહેર ખુલાસો કરીને પોતાની સામે થયેલી બળાત્કારના આરોપોની ફરિયાદને ખોટી ગણાવી હતી. સજ્જન જિંદાલે કહ્યું હતું કે પોતે વ્યક્તિગત ક્ષમતાથી આ ખુલાસો કરી રહ્યા છે. મારી સામે થયેલા આરોપો તથ્યહિન તથા પાયાવિહોણા છે. તેમણે કહ્યું હતું કે પોતે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે. તપાસ ચાલુ હોવાથી પોતે હવે આ તબક્કે વધુ કોઈ નિવેદન કરવાનું ટાળી રહ્યા છે. તેમણે પોતાના પરિવારની પ્રાઈવસીમાં દખલ નહીં દેવા માટે પણ વિનંતી કરી છે.
ભારતમાં લગ્ન શક્ય નથી પરદેશમાં વસવાટની ઓફર આપી
ફરિયાદમાં પીડિતાએ કરેલા આરોપો મુજબ સજ્જન જિંદાલે તેને કહ્યું હતું કે ભારતમાં રહીને પોતે તેની સાથે લગ્ન કરી શકે તેમ નથી. આથી તેમણે યુવતીને પરદેશમાં વસવાટની ઓફર આપી હતી. જોકે, પીડિતાએ ભારતમાં રહીને જ લગ્ન કરવાનો અને કાયદેસર પત્ની તરીકેનો દરજ્જો આપવાની માગણી કરી હતી.
પીડિતાના આરોપ અનુસાર 64 વર્ષીય ઉદ્યોગપતિ જિંદાલ 30 વર્ષની પીડિતાને બેબે, બેબ્સ... સંબોધન સાથેના મેસેજીસ મોકલતા હતા. તેમણે પીડિતા પાસે તેના હોટ ફોટા પણ મંગાવ્યા હતા. પોતાને પ્રેમસંબંધમાં રસ છે તેવું દર્શાવ્યું હતું અને એકથી વધુ વખત શારીરિક સંબંધના પ્રયાસ કર્યા હતા.