એક સમયે ગાંધીવાદી અણ્ણા હઝારેના ખાસ સાથીદારો એવા અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદી આ ચૂંટણી જંગમાં આમનેસામને ટકરાશે. કેજરીવાલ આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર છે તો ભાજપે પણ દેશના પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી કિરણ બેદીને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરીને ચૂંટણી જંગને તીવ્ર રસાકસીભર્યો બનાવ્યો છે.
સોમવારે મોડી રાત્રે ભાજપ સંસદીય બોર્ડની બેઠક બાદ પ્રમુખ અમિત શાહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પક્ષનાં સંસદીય બોર્ડે નિર્ણય લીધો છે કે ભાજપ કિરણ બેદીનાં નેતૃત્વમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે. તેઓ પક્ષનાં મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર પણ રહેશે.
પક્ષમાં કિરણ બેદીના મામલે કોઇ પણ અસંતોષ હોવાનો ઇનકાર કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે સભ્યોમાં કિરણ બેદી અંગે કોઇ મતભેદ નથી, આ કેવળ મીડિયા દ્વારા કરાયેલો પ્રચાર છે. કિરણ બેદીનાં નામ પર બધાની સહમતી છે.
ઉલ્લેખનીય છે કે કિરણ બેદી ૧૬ જાન્યુઆરીએ જ ભાજપમાં જોડાયાં છે. પોતાની પસંદગીની જાહેરાત બાદ કિરણ બેદીએ જણાવ્યું હતું કે હું પાર્ટીનો આદેશ માથે ચડાવીશ. દિલ્હીને એક નવાં શિખર પર લઈ જઈશ.
કિરણ બેદી તો પેરાશૂટ ઉમેદવાર છે: કેજરીવાલ
દિલ્હીનાં ઉત્તમનગરમાં ચૂંટણી સભાને સંબોધતાં કેજરીવાલે કહ્યું હતું કે ભાજપે ચૂંટણીમાં ઉતારેલા કિરણ બેદી તો પેરાશૂટ ઉમેદવાર છે. ભાજપે હારનું ઠીકરું ફોડવા જ કિરણ બેદીને પક્ષમાં સામેલ કર્યા છે.
તેમણે મતદારોને કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આવશે અને મતના બદલામાં લાંચ આપવા પ્રયાસ પણ કરશે, તમે પૈસા લેવાનો ઇનકાર કરતા નહીં, પરંતુ મત ‘આપ’ને જ આપજો. જો કોઇ પક્ષ તમારી પાસે લાંચની ઓફર લઇને ન આવે તો તમે તેમની ઓફિસે જઇને પૈસા માગજો એવું પણ કેજરીવાલે લોકોને કહ્યું હતું.
કેજરીવાલના આ નિવેદનની ભાજપ અને કોંગ્રેસે ટીકા કરી છે. કોંગ્રેસે તો કેજરીવાલના આ નિવેદન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવીને રજૂઆત કરી છે કે મતદારોને નાણાં લેવા માટે ઉશ્કેરીને કેજરીવાલે આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે.
આ ઉપરાંત દિલ્હી ભાજપના પ્રમુખ સતીષ ઉપાધ્યાયની ફરિયાદ પરથી પંચે કેજરીવાલને નોટિસ ફટકારી છે. દિલ્હીમાં ભાજપ કોમી હિંસા ભડકાવવા પ્રયાસ કરી રહ્યો હોવાનો આક્ષેપ કેજરીવાલે કર્યો હતો.
ભાજપે પરંપરા તોડી
મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે કિરણ બેદીનું નામ જાહેર કરીને ભાજપે વિધાનસભાઓની ચૂંટણીઓમાં મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર નહીં કરવાની પરંપરા તોડી છે. દિલ્હીમાં કેજરીવાલની લોકપ્રિયતા ધ્યાનમાં રાખી ભાજપને પોતાની વ્યૂહરચનામાં બદલાવ કરવાની ફરજ પડી છે.
કિરણ બેદીને સલામત બેઠક
ભાજપે કિરણ બેદીને ‘આપ’ના સંયોજક કેજરીવાલની સામે સીધી સ્પર્ધામાં નહીં ઉતારવાનો નિર્ણય લીધો છે. બેદી દિલ્હીની ક્રિષ્નાનગર બેઠક પરથી ચૂંટણી લડશે. આ બેઠક ભાજપનો ગઢ મનાય છે. ૧૯૯૩માં આ બેઠક જાહેર થઇ ત્યારથી તે ભાજપના કબ્જામાં છે. દેશનાં પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદીએ ૧૯૭૨માં ભારતીય પોલીસસેવામાં પ્રવેશ કર્યો અને ૨૦૦૭માં સેવાનિવૃત્ત થયા. આ પછી સામાજિક કાર્યકર્તા તરીકે સક્રિય છે. નવજ્યોતિ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ઇન્ડિયા વિઝન ફાઉન્ડેશન નામથી બે સ્વૈચ્છિક સંસ્થાઓ ચલાવે છે. ૧૯૯૪માં રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કિરણ બેદી 'આપ કી કચહરી' નામનો એક ટીવી શો પણ હોસ્ટ કરી ચૂક્યા છે.
ભાજપના ઉમેદવારો જાહેર
ભાજપે વિધાનસભાની કુલ ૭૦ બેઠકોમાંથી ૬૨ ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. કેજરીવાલને ભાજપના નૂપુર શર્મા નવી દિલ્હી બેઠક પર ટક્કર આપશે. અન્ય મહત્ત્વના ઉમેદવારોમાં જગદીશ મુખી (જનકપુરી), વિનોદકુમાર બિન્ની (પટપડગંજ), વિજેન્દ્ર ગુપ્તા (રોહિણી), રજની અબ્બી (તિમારપુર), નૂપુર શર્મા (નવી દિલ્હી) અને સુમન ગુપ્તા (ચાંદની ચોક) સામેલ છે.
ભાજપ અકાલી દળની સાથે મળીને આ ચૂંટણી લડશે. અકાલી દળને બે બેઠક ફાળવાશે જ્યારે ભાજપ કુલ ૬૮ બેઠકો પર ઉમેદવારો ઉતારશે.
ભાજપમાં અસંતોષ
કિરણ બેદી, શાઝિયા ઇલ્મી, વિનોદ કુમાર બિન્ની જેવા નેતાઓના પક્ષપ્રવેશથી દિલ્હીનાં ભાજપ એકમમાં અસંતોષનો ચરુ ઉકળે છે. આ નેતાઓના આગમનથી ભાજપના કેટલાક નેતાઓને પોતાનું કદ ઘટવાનો અને ટિકિટ કપાઇ જવાનો ભય સતાવે છે. એક આશંકા એવી પણ છે કે ‘આપ’ અને અણ્ણા હઝારેનાં આંદોલન સાથે સંકળાયેલા નેતાઓને વધુ મહત્ત્વ અપાશે તો ભાજપમાં બળવો થઇ શકે છે. કિરણ બેદીની એન્ટ્રીથી પ્રદેશસ્તરના ઘણા નેતાઓને આશંકા હતી કે બેદી જ મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર થશે. અને એવું જ થયું છે. ભાજપમાં મીનાક્ષી લેખી, સતીષ ઉપાધ્યાય, જગદીશ મુખી, વિજય ગોયેલ, વિજય મલ્હોત્રા જેવા નેતાઓ મુખ્ય પ્રધાન પદના દાવેદાર તરીકે રેસમાં હતા.
‘કેજરીવાલ-બેદી તકસાધુ’
કોંગ્રેસ મહામંત્રી અને પક્ષનું પ્રચારસુકાન સંભાળતા અજય માકને 'આપ'ના વડા કેજરીવાલ અને ભાજપમાં જોડાયેલાં કિરણ બેદીને 'પ્રથમ હરોળના તકસાધુ' ગણાવતાં કહ્યું હતું કે બન્ને નેતા અગાઉ એવું રટણ કરતા હતા કે તેઓ રાજકારણમાં આવશે નહીં, પરંતુ બન્નેએ અણ્ણાના ભ્રષ્ટાચાર-વિરોધી આંદોલનનો સત્તા ખાતર ઉપયોગ કર્યો છે. બન્નેએ અણ્ણાના આંદોલન થકી પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષાને આગળ ધપાવી છે. દિલ્હીની જનતા આવા તકસાધુઓનો વિશ્વાસ કેવી રીતે કરશે?
યુ-ટર્નનો જંગ
ભાજપ બાદ કોંગ્રેસે ‘આપ’ વિરુદ્ધ આરોપનામું જાહેર કર્યું છે. કોંગ્રેસે ‘આપ’ સામે ૧૦ આરોપો મૂકીને ૨૦૧૩માં આપેલાં તમામ વચનો પર યુ-ટર્ન લેવાનો આરોપ મુકાયો છે. ‘આપ’ના નેતા યોગેન્દ્ર યાદવે ભાજપ પર એક-એક કરીને તમામ નીતિવિષયક મુદ્દા પર યુ-ટર્ન લીધો હોવાનો આરોપ મૂક્યો હતો.
શિવ સેના પણ ઝંપલાવશે?
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવા શિવ સેના પણ વિચારણા કરી રહી છે. શિવ સેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે અમે દિલ્હીની ચૂંટણી લડવા વિચારી રહ્યા છીએ. ચૂંટણીમાં ગઠબંધન અંગે હજી સુધી કોઇ પાર્ટી સાથે ચર્ચા થઇ નથી.
‘દિલ્હીમાં ભાજપની જ સરકાર’
ભાજપ પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે હું કેજરીવાલની પોલ ઉઘાડી પાડીશ, રોજ જુઠ્ઠું બોલવાની ટેવ હોય તે અમારી સામે ટકી શકશે નહીં. દિલ્હીમાં ભાજપની જ સરકાર બનશે. પહેલીવાર વડા પ્રધાન બન્યા પછી કોઇ નેતાની લોકપ્રિયતા ઘટવાને બદલે વધી છે.
કોંગ્રેસમાંથી ક્રિષ્ણા તીરથ પણ ભાજપમાં
ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસને ફટકો પડ્યો છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન ક્રિષ્ણા તીરથ સોમવારે ભાજપમાં જોડાયા છે. તીરથ યુપીએ સરકારમાં મહિલા અને બાળ વિકાસ પ્રધાન હતાં. તીરથે કહ્યું હતું કે હું લોકોની સેવા માટે ભાજપમાં જોડાઈ છું. તીરથ ૧૯૮૪થી ૨૦૦૪ સુધી દિલ્હી વિધાનસભા સભ્ય રહી ચૂક્યાં છે. આ પછી ૨૦૦૪થી ૨૦૧૪ સુધી ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી સાંસદ રહ્યાં હતાં. કોંગ્રેસ નેતા અજય માકને જણાવ્યું હતું કે, ભાજપને પોતાના નેતાઓ પર ભરોસો ન હોવાથી તેઓ બહારથી નેતાઓની આયાત કરી રહ્યા છે.
આશુતોષને બંધક બનાવાતા ભાગ્યા
રોહિણી ખાતે ડાયલોગ મીટિંગમાં પહોંચેલા ‘આપ’ના નેતા આશુતોષ મુશ્કેલીમાં મુકાયા હતા. તેમના જ પક્ષના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજેશ ગર્ગે ટેકેદારો સાથે આશુતોષને ઘેરી લીધા હતા. આખરે તેમને પાછલા દરવાજેથી દીવાલ કૂદીને ભાગવાની ફરજ પડી હતી. રોહિણીમાં પક્ષે ગર્ગની ટિકિટ કાપીને સી. એલ. ગુપ્તાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ગર્ગે પોતાને ટિકિટ નહીં આપવા અંગે આશુતોષ પાસે જવાબ માગ્યો હતો. જોકે આશુતોષે જણાવ્યું હતું કે ટિકિટ ન મળવાને કારણે ગર્ગ નારાજ થયા છે.