દિલ્હીનું એરપોર્ટ વિશ્વમાં શ્રેષ્ઠ

Tuesday 05th May 2015 15:33 EDT
 

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (આઇજીઆઇએ) વર્ષ ૨૦૧૪ માટે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ વિમાની મથક તરીકે જાહેર થયું છે. વાર્ષિક ૨.૫ કરોડથી ૪ કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની કેટેગરી હેઠળ આ એરપોર્ટને સન્માન મળ્યું છે.

એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (એસીઆઇ)એ જોર્ડનમાં ૨૮ એપ્રિલે ACI એશિયા-પેસિફિક વર્લ્ડ એન્યુઅલ જનરલ એસેમ્બલીના એક સમારોહમાં એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (એએસક્યુ) એવોર્ડ એનાયત કર્યો હતો. આઇજીઆઇએના સંચાલક દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રા. લિ.ના સીઇઓ આઇ. પ્રભાકર રાવે જણાવ્યું હતું કે ‘ભારતીય એરપોર્ટને એસીઆઇ જેવા અત્યંત પ્રતિષ્ઠિત આતંરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરવાનું સન્માન મળ્યું છે. આ એરપોર્ટના ભાગીદારો અને કર્મચારીઓ અમારા ગ્રાહકોને સતત સ્મરણીય અને સારો અનુભવ આપ્યો છે, જેનાથી વિશ્વમાં નંબર વનનું સ્થાન મળ્યું છે.’

એસીઆઇ એએસક્યૂ બેન્ચ માર્કિંગ પ્રોગ્રામના ૩૦૦ સભ્યો દ્વારા નક્કી કરાયેલાં પાંચમાંથી દિલ્હી એરપોર્ટને ૪.૯૦ પોઇન્ટ મળ્યા છે. આઇજીઆઇએ વર્ષ ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૩ સુધી બીજા ક્રમે રહ્યું હતું. પરંતુ ૨૦૧૪માં તે પ્રથમ ક્રમે પહોંચી ગયું છે. તેની કામગીરી સતત સુધરી રહી છે. ૨૦૦૭માં આ એરપોર્ટને ૩.૦૨ પોઇન્ટ જ મળ્યા હતા.

આ એરપોર્ટ પર સરેરાશ દિવસમાં ૮૮૫ વિમાનો ઉડ્ડયન ભરે છે અને ૬,૬૯,૦૦૦ મેટ્રિક ટન કાર્ગોની હેરફેર થાય છે.

એસીઆઇની રચના ૧૯૯૧માં થઇ હતી અને તે વિશ્વના વિમાની મથકોનું એક ટ્રેડ એસોસિએશન છે. ઇન્દિરા ગાંધી એરપોર્ટ છ ઘરેલુ કેરિયર્સ, ૫૬ આંતરરાષ્ટ્રીય કેરિયર્સ ઉપરાંત એરબસ A380 વિમાનને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. આ વિમાની મથક ઇન્ડિયન ભારતીય વિમાની કંપનીઓ એર ઇન્ડિયા, ઇન્ડિગો, વિસ્તારા અને સ્પાઇસજેટ માટે કેન્દ્ર તરીકેની ભૂમિકા અદા કરે છે. આ એરપોર્ટ જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ વિકસાવવામાં આવ્યું છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter