ચેન્નઈઃ વિફરેલી કુદરત દેશમાં જુદાં જુદાં વિકરાળ સ્વરૂપ બતાવી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલાં હવાનાં હળવા દબાણને કારણે તામિલનાડુની રાજધાની ચેન્નઈમાં છેલ્લા ૪૮ કલાકમાં વિક્રમજનક વરસાદ નોંધાયો છે. બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં ૧૮મીમેએ પારો ૪૭ ડિગ્રી પર પહોંચતાં દિલ્હીવાસીઓ શેકાઈ ગયાં હતાં.
ઉત્તર ભારતનાં રાજ્યો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યાં છે, તો દક્ષિણ ભારતનાં આંધ્ર અને કેરળમાં ચક્રવાતી વરસાદ હાહાકાર મચાવી રહ્યો છે. પૂર્વ ભારતનાં બિહારમાં આંધી અને વરસાદે કેર વરસાવ્યો હતો. મંગળવારે રાત્રે કોસી અને સીમાંચલ જિલ્લાઓમાં આંધી સાથે આવેલા વરસાદ અને આકાશી વીજળીએ ૭ લોકોનો જીવ લીધો હતો. પ. બંગાળમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. બીજી તરફ ઉત્તરપૂર્વ ભારતનાં આસામમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. હૈલાકાન્ડી અને કરિમગંજ જિલ્લામાં જમીનો ધસી પડવાને કારણે ૧૦ લોકોનાં મોત થયાં હતાં અને ૧૬ને ઈજા પહોંચી હતી. વરસાદને કારણે ચેન્નઇમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. રાહતકાર્યો માટે ૧૨,૦૦૦ કર્મચારીઓ તૈનાત છે.