નવી દિલ્હી: દિલ્હી-NCR માં ઝેરીલી હવા અને પ્રદૂષણનું પ્રમાણ અતિ ગંભીર સ્તરે પહોંચ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે દિલ્હી સરકારને આદેશ આપ્યો છે કે તેણે કોર્ટને પૂછ્યા વિના નિયમોમાં કોઈ જાતની છૂટછાટ આપવી નહીં કે ફેરફાર કરવા નહીં. અમારી અગાઉથી મંજૂરી લીધા વિના દિલ્હી સરકાર પ્રદૂષણ રોકવા કે ઘટાડવા માટેનાં પગલાંમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં. જસ્ટિસ અભય એસ. ઓકાની બેન્ચે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ખતરનાક સ્તરે પહોંચ્યું છે આથી તેનો સામનો કરવા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP-4)નો અમલ કરવામાં દિલ્હી સરકારે ઘણો વિલંબ કર્યો છે.
દિલ્હીની હવા 49 સિગારેટનાં ધુમાડા જેટલી પ્રદૂષિત
દિલ્હીના હવા હાલ 49 સિગારેટના ધુમાડા જેટલી પ્રદૂષિત થઈ હોવાનું જણાયું છે. દિલ્હીમાં સોમવારે બપોરે AQI 978 સુધી પહોંચ્યો હતો. જે માનવીઓનાં આરોગ્ય માટે ખતરનાકમાં ખતરનાક સ્તર હોવાનું મનાય છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે હવે દિલ્હી અને NCRમાં ધોરણ 10 અને 12 સુધીની તમામ સ્કૂલોના ક્લાસ બંધ રહેશે. તમામ સ્કૂલો હવે ઓનલાઇન શિક્ષણ આપશે. કોર્ટે કહ્યું કે AQI 450થી નીચે જાય તો પણ પ્રતિબંધો હટાવવા અમારી પરવાનગી લેવી પડશે.