નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ડીઝલ કારને સીએનજીમાં કન્વર્ટ કરવા માટે વધારે સમય આપવાનો ઇનકાર કર્યો છે. તેના કારણે હવે દિલ્હી-એનસીઆરમાં ૧લી મેથી ડીઝલ ટેક્સી પર પ્રતિબંધ લાદી દેવાશે. કોર્ટે ૩૦મી એપ્રિલની સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસને ૧૯૦ સ્પેશિયલ ડીઝલ ગાડી ખરીદવાની છૂટ આપી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, ૨,૦૦૦ સીસી એન્જિનની ગાડી હોય તેમણે ૩૦ ટકા ગ્રીન ટેક્સ આપવો પડશે.
સુપ્રીમ કોર્ટે ટેક્સી માલિકોને કહ્યું છે કે, ડીઝલ કારને સીએનજીમાં કન્વર્ટ કરવાની સમયસીમામાં વધારો થશે નહીં. ટેક્સી માલિકોનું કહેવું છે કે, તેમની પાસે કોઈ એવી ટેક્નોલોજી નથી જેનાથી ડીઝલ કારને સીએનજીમાં કન્વર્ટ કરી શકાય. કોર્ટે એવું પણ કહ્યું છે કે, માટે પહેલાં પણ ઘણો સમય અપાયો છે, હવે તમારે કાયદા પ્રમાણે કામ કરવું પડશે.