નવી દિલ્હીઃ વિધાનસભાનો ચૂંટણી જંગ જેટલો રસપ્રદ બન્યો હતો તેના કરતાં વધુ રસપ્રદ તેના પરિણામો જાહેર થયા છે. જે આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળવા વિશે પણ ઘણાને શંકા હતી તેણે કુલ ૭૦માંથી ૬૭ બેઠકો મેળવીને ઇતિહાસ રચ્યો છે. જ્યારે કેન્દ્ર બાદ પાટનગરમાં પણ સરકાર રચવાના સપનાં જોતાં ભાજપનો વિજય માત્ર ત્રણ બેઠકો પૂરતો સીમિત રહ્યો છે. તો કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક બેઠક પણ મળી નથી. ભાજપના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર કિરણ બેદી અને કોંગ્રેસના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર અજય માકન તો પોતાની બેઠક પણ સાચવી શક્યા નથી.
લોકસભા કરતાં પણ વધુ રસાકસીભર્યા બનેલા દિલ્હી વિધાનસભા ચૂંટણી જંગના મંગળવારે જાહેર થનારા પરિણામો સહુ કોઇની નજર હતી. સહુ કોઇને એ જાણવામાં રસ હતો કે ૨૦૧૩ની ચૂંટણીમાં ૨૮ બેઠકો જીતીને ભાજપ-કોંગ્રેસ માટે પડકાર બનીને ઉભરેલા અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી (‘આપ’) કેવો દેખાવ કરે છે.
મંગળવારે સવારે મતગણતરી શરૂ થવા સાથે જ ‘આપ’ના ઉમેદવારો છવાઇ ગયા હતા. મોટા ભાગની બેઠકો પર ‘આપ’ના ઉમેદવારોએ પ્રારંભથી સરસાઇ મેળવી હતી, જે છેવટે પક્ષને જ્વલંત વિજય તરફ દોરી ગઇ હતી.
કોંગ્રેસનું નુકસાન, ‘આપ’નો લાભ
ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર, આમ આદમી પાર્ટીએ ૫૪.૩ ટકા, ભાજપે ૩૨.૨ ટકા જ્યારે કોંગ્રેસે ૯.૭ ટકા મત મેળવ્યા છે. ટકાવારીની દૃષ્ટિએ જોઇએ તો, ‘આપ’ની ટકાવારીમાં તીવ્ર વધારો નોંધાયો છે જ્યારે ભાજપને મળેલા મતોની ટકાવારી લગભગ ગત ચૂંટણી જેટલી જ રહી છે. મતલબ કે કોંગ્રેસના મતદારો ‘આપ’ તરફ ઢળ્યા છે.
રાજ્ય વિધાનસભાની ૭૦ બેઠકો માટે કુલ ૬૭૩ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ૬૩ મહિલા ઉમેદવારો હતા. આ વર્ષે સરેરાશ ૬૭ ટકા મતદાન થયું હતું, જે ૨૦૧૩ની છેલ્લી ચૂંટણી કરતાં ૧.૨૮ ટકા વધુ હતું. રાજ્યમાં કુલ ૧૨,૧૭૭ મતદાન મથકો પર મતદાન થયું હતું.
૨૦૧૩માં યોજાયેલી ચૂંટણીમાં રાજ્યના મતદારોએ ત્રિશંકુ જનાદેશ આપ્યો હતો. જેમાં સૌથી વધુ ૩૧ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો, બીજા નંબરે રહેલી ‘આપ’નો ૨૮ બેઠકો પર અને કોંગ્રેસનો ૮ બેઠકો પર વિજય થયો હતો. અકાલી દળ, જનતા દળ અને અપક્ષ ઉમેદવારે એક-એક બેઠક જીતી હતી. રાજકીય હુંસાતુંસી બાદ ‘આપ’ના કેજરીવાલે કોંગ્રેસના સમર્થનથી સરકાર તો રચી હતી. જોકે કોંગ્રેસના ઘોંચપરોણાથી કંટાળીને કેજરીવાલે ૪૯ દિવસના શાસન બાદ સરકારનું રાજીનામું ધરી દીધું હતું અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાયું હતું. રાજ્યમાં લાંબો સમય રાષ્ટ્રપતિ શાસન રહેતાં કોર્ટમાં તેની સામે અરજી કરાઇ હતી. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા બાદ કેન્દ્ર સરકારને આ સ્થિતિ નિવારવા સત્વરે ઘટતા પગલાં આદેશ આપ્યો હતો. છેવટે વિધાનસભાનું વિસર્જન કરાતાં રાજ્યમાં નવેસરથી ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો.
‘ડર લાગે છે’
ચૂંટણી પરિણામો જાહેર થતા હતા અને પક્ષનો વિજયરથ ઝડપભેર આગળ વધી રહ્યો હતો ત્યારે ‘આપ’ના નેતા અરવિંદ કેજરીવાલે પોતાના સમર્થકોને સંબોધતાં કહ્યું હતું, ‘મને જે જવાબદારી મળી છે તેનાથી બહુ ડર પણ લાગી રહ્યો છે. હું આખા પક્ષને અનુરોધ કરું છું કે રતિભાર પણ અહંકાર નહીં કરતા. કોંગ્રેસની આ દશા, ભાજપની આ હાલત અહંકારના કારણે જ થઇ છે. જો અહંકાર કર્યો તો જનતા આ જ પાઠ પાંચ વર્ષ પછી આપણને ભણાવશે. બધાએ સેવા કરવાની છે.’ કેજરીવાલે પોતાના સમર્થકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે જે લોકો સચ્ચાઇના માર્ગે ચાલે છે, તેમને સમગ્ર બ્રહ્રમાંડની શક્તિઓ પણ મદદ કરતી હોય છે. કેજરીવાલના સંબોધન દરમિયાન તેમના સમર્થકો થોડી થોડી વારે ‘પાંચ સાલ... કેજરીવાલ’ના નારાથી આકાશ ગજાવી દેતા હતા. કેજરીવાલ ૧૪ ફેબ્રુઆરીના રોજ રામલીલા મેદાનમાં મુખ્ય પ્રધાન પદના શપથ લેશે.
વડા પ્રધાનના વધામણાં
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આપ’ના નેતા અરવિંદ કેજરીવાલને ભવ્ય વિજય માટે વધામણી આપી હતી અને પાટનગર દિલ્હીના વિકાસ માટે સંપૂર્ણ સહયોગનું વચન આપ્યું હતું. ભાજપની તરફથી મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર કિરણ બેદીએ પણ કેજરીવાલને વધાઇ આપતાં તેમને આ સફળતા માટે બિરદાવ્યા હતા.
કોંગ્રેસનો કરુણ રકાસ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સૌથી કરુણ રકાસ કોંગ્રેસનો થયો છે. દેશના સૌથી જૂના અને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ધરાવતી કોંગ્રેસ એક બેઠક પણ જીતી શકી નથી. રાજ્યનું સુકાન ૨૦૧૩ સુધી કોંગ્રેસના મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત હતું. કોંગ્રેસે સતત ત્રણ ટર્મ સુધી દિલ્હી પર રાજ કર્યું હતું, પરંતુ લોકસભામાં પરાજય બાદ પક્ષની પડતી શરૂ થઇ છે. લગભગ મૂર્છામાં સરી ગયેલી કોંગ્રેસનો દેખાવ દરેક ચૂંટણીમાં કથળી રહ્યો છે. કોંગ્રેસને આશા હતી કે દિલ્હીની આ વખતની ચૂંટણીમાં તે કંઇક સંતોષજનક દેખાવ કરી શકશે, પણ થયું છે તેથી ઉલ્ટું. ૨૦૧૩ની ચૂંટણીમાં આઠ બેઠકો મેળવનારી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર અને પ્રચારઝૂંબેશનું સુકાન સંભાળનાર અજય માકને પક્ષના પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને પક્ષના જનરલ સેક્રેટરી પદેથી રાજીનામું ધરી દીધું છે. આમ તો ચૂંટણી પૂર્વેના તમામ ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલમાં પણ કોંગ્રેસનો દેખાવ નબળો જ રહેશે તેવું તારણ રજૂ થયું હતું, પણ કોંગ્રેસનું અસ્તિત્વ જ નહીં રહે તેવી કોઇને કલ્પના નહોતી.
ભાજપ વિપક્ષની પાટલીએ
ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા હતા અને ‘આપ’ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહી હતી ત્યારે જ પક્ષના વરિષ્ઠ નેતા કુમાર વિશ્વાસે પક્ષનો નિર્ણય જાહેર કરતાં કહ્યું હતું કે જો ભાજપ (વિરોધ પક્ષ તરીકેની માન્યતા મેળવવા જરૂરી) સાતથી ઓછી બેઠકો મેળવશે તો પણ તેને વિધાનસભામાં વિરોધ પક્ષનો દરજ્જો આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ગત ચૂંટણીમાં ૩૧ બેઠકો મેળવીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલો ભાજપ માત્ર ત્રણ બેઠકો જીત્યો છે.