દુબઇઃ દુનિયાભરમાં છવાઇ ગયેલા ભારતીયો હવે દુબઇમાં પણ છવાઇ રહ્યા છે. દુબઇના રિઅલ એસ્ટેટ માર્કેટમાં મૂલ્ય અને કદના સંદર્ભમાં રોકાણ કરનારા બિન-આરબ રોકાણકારોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. દુબઇ લેન્ડ ડિપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે ૨૦૧૪માં ભારતીયોએ ૧૮.૧ બિલિયન દિરહામ સહિત છેલ્લા ત્રણ વર્ષમાં દુબઇના રિઅલ એસ્ટેટ માર્કેટમાં ૪૪ બિલિયન દિરહામનું રોકાણ કર્યું હતું.
દુબઇ ભારતીયો માટે ઘર સમાન છે. દાનુબે ગ્રૂપના ચેરમેન રિઝવાન સાજન કહે છે કે ભારત અને અન્ય આંતરરાષ્ટ્રીય શહેરોની સરખામણીએ દુબઇમાં મકાનોની કિંમત ઘણી ઓછી છે. દુબઇમાં મુંબઇ અને લંડન કરતાં સસ્તાં મકાન મળે છે. તેથી ભારતીયો દુબઇના રિઅલ એસ્ટેટમાં ભરપૂર રોકાણ કરી રહ્યાં છે. દુબઇની કુલ વસતીમાં ૩૦ ટકા ભારતીયો છે.
બૂર્જ ખલીફામાં ૨૭ એપાર્ટમેન્ટની માલિકી ધરાવતા એક ભારતીય બિઝનેસમેન કહે છે કે ભારતીયો યુએઇમાં મૂડીરોકાણ કરી રહ્યાં છે કારણ કે ભારતમાં બિઝનેસ કરવો અઘરો છે. ભારતમાં લેબર યુનિયનની સમસ્યાઓ, શ્રમિકોની અછત અને જમીન સંપાદનના આકરા નિયમો બિઝનેસને અઘરો બનાવે છે.
કોરાથ હોલ્ડિંગ્સના રિયાઝ કોરાથ કહે છે કે ૨૦૨૦ સુધીમાં દુબઇ પેરિસ, લંડન અને ન્યૂ યોર્ક જેવું વૈશ્વિક મેટ્રોપોલિટન સિટી બની જશે. તેથી અત્યારે ઓછી કિંમતે રોકાણ કરવું ભવિષ્યમાં લાભદાયક પુરવાર થશે. ૨૦૦૭માં કરેલું રોકાણ હવે ૫૦ ટકા વધી ગયું છે.
દુબઇમાં વસવાટ કરતા મધ્યમવર્ગીય ભારતીય સમુદાયને ભાડાં પોસાતાં નથી. દુબઇમાં એક બેડરૂમના એપાર્ટમેન્ટનું વાર્ષિક ભાડું ૮૦ હજારથી ૧ લાખ દિરહામ ચૂકવવું પડે છે. તે ઉપરાંત મકાનના ભાડાંમાં દર વર્ષે આઠ ટકાનો વધારો થઇ રહ્યો છે. તેથી હવે મધ્યમવર્ગીય ભારતીયો પણ હોમલોન લઇને સંપત્તિ ખરીદી રહ્યાં છે. અહીં મકાનના ભાડાં ભરવા કરતાં પોતાનું મકાન ધરાવવામાં ભારતીય કામદારો વધુ ડહાપણ સમજી રહ્યાં છે.
બૂર્જ ખલીફામાં સૌથી વધુ ભારતીયોના
વિશ્વની સૌથી ઊંચી ઇમારત તરીકે જાણીતા ૧૬૦ માળના ૮૨૮ મીટર ઊંચા બૂર્જ દુબઇમાં સૌથી વધુ એપાર્ટમેન્ટ ભારતીયોનાં છે. ભારતીય ઉદ્યોગપતિ બી. આર. શેટ્ટીએ ૪૫ મિલિયન દિરહામમાં ૨૦૦૫માં બૂર્જ ખલીફાનો આખો ૧૦૦મો માળ ખરીદી લીધો હતો. દાનુબે ગ્રૂપના ચેરમેન રિઝવાન સાજન અને બોલિવૂડ સ્ટાર શિલ્પા શેટ્ટી પણ અહીં ફ્લેટની માલિકી ધરાવે છે.
૨૦૧૪માં દુબઇના રિઅલ એસ્ટેટમાં રોકાણ
• ભારત ૧૮.૧ બિલિયન દિરહામ • બ્રિટન ૯.૩ બિલિયન દિરહામ • પાકિસ્તાન ૭.૬ બિલિયન દિરહામ • ઇરાન ૪.૫ બિલિયન દિરહામ • કેનેડા ૩.૨ બિલિયન દિરહામ