દૃઢ ઈચ્છાશક્તિ અને નિયમિત યોગથી ઈરોમે ૧૬ વર્ષ ભૂખ હડતાળ કરી

Thursday 11th August 2016 07:33 EDT
 
 

ઈમ્ફાલઃ વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી મોં દ્વારા ભોજન ન લેનારી મહિલા તરીકેનો રેકોર્ડ બનાવનાર ઇરોમ શર્મિલાની આ સિદ્ધિ પાછળ યોગ અને પ્રબળ ઇચ્છા શક્તિએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. ૧૬ વર્ષ પછી ઉપવાસ તોડનાર ઇરોમ શર્મિલાને હાલમાં જવાહરલાલ નહેરુ ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સમાં જ રાખવામાં આવ્યા છે. હાલમાં તેમને પ્રવાહી ખોરાક જ આપવામાં આવી રહ્યો છે. ઉપવાસ તોડયા પછી ઇરોમ શર્મિલાને મળી રહેલી ધમકીઓને ધ્યાનમાં રાખીને હોસ્પિટલની બહાર તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમના ભાઇ સિંહાજીત અને અન્ય નજીકના સગાઓના જણાવ્યા અનુસાર ઇરોમ શર્મિલાને ભૂખ હડતાળ શરૂ કરવાના બે વર્ષ અગાઉ એટલે કે ૧૯૯૮થી જ યોગ કરવાની ટેવ પડી ગઇ હતી. જેનો લાભ તેમને ૧૬ વર્ષ સુધી ભૂખ હડતાળ ચાલુ રાખવામાં મળ્યો હતો. ૧૬ વર્ષ સુધી મોં દ્વારા અનાજ અને પાણી ન લેવા છતાં ઇરોમ શર્મિલા સામાન્ય જીવન જીવતી હતી.

શર્મિલાના નજીકના સહયોગીઓના જણાવ્યા અનુસાર ૧૯૯૦ પછી જ ઇરોમ શર્મિલા પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ તરફ આકર્ષિત થઇ હતી. શર્મિલાએ પોતાની આત્મકથા ‘બર્નિગ બ્રાઇટ’ લખનાર દિપ્તી પ્રિયા મેહરોત્રાને જણાવ્યું હતું કે જો કોઇ વ્યકિત યોગ કરશે તો તે લાંબુ જીવન જીવશે. તેની ઉંમર ૧૦૦ વર્ષની પણ થઇ શકે છે. શર્મિલાએ ૧૯૯૮-૯૯થી નિયમિત રીતે યોગ કરવાનું શરૂ કરી દીધું હતું અને તે ચાલવા પણ જતી હતી.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter