આ મનોહર દ્દશ્ય કોટામાં રૂ. 1000 કરોડના ખર્ચે બનેલા છ કિમી લાંબા હેરિટેજ ચંબલ રિવરફ્રન્ટનું છે. જેમાં રાજસ્થાન અને વર્લ્ડ હેરિટેજથી પ્રેરિત કલાકૃતિ બનાવાઇ છે. આવતા મહિને ખુલ્લા મૂકાનારા આ રિવરફ્રન્ટ પર વિયેતનામી માર્બલની 205 ફૂટ સૌથી ઊંચી ચંબલ માતાની પ્રતિમા પણ જોવા મળશે તો અહીં દેશનો પહેલો એલઇડી ગાર્ડન પણ હશે. અલગ અલગ થીમ પર 26 ઘાટ છે, જેમાં રાજસ્થાનના નવ પ્રદેશોની હસ્તકલા અને સ્થાપત્ય સંસ્કૃતિની ઝલક જોવા મળશે. વર્લ્ડ હેરિટેજ ઘાટ પર થાઇલેન્ડના વાટ સોથોન વારરામ વોરાવિહાન મંદિર, યૂસ કેપિયલ, ફ્રાન્સના લૂવર મ્યુઝિયમ, ચીની પેગોડા, ઇટાલીની ટ્રેવી, ફાઉન્ટેન, ઇરાનની આગા બોઝોર્ગ મસ્જિદ, બ્રિટનનું વેસ્ટમિન્સ્ટર એબે અને દિલ્હીના લાલ કિલ્લાની આબેહૂબ પ્રતિકૃતિ છે. આ સાથે જ અહીં જુદા જુદા દેશનાં રેસ્ટોરાં પણ ખૂલશે. જેમ કે, લાલ કિલ્લાની પ્રતિકૃતિમાં મુગલાઇ ફૂડ મળશે તો થાઇલેન્ડના મંદિર પાસે થાઇ ફૂડ મળશે. અહીં 57 હજાર કિલોની ઘંટડી લગાવાઇ છે, જેનો અવાજ 8 કિમી દુર સંભળાશે.