નવી દિલ્હીઃ દેશદ્રોહના આરોપનો સામનો કરી રહેલા જેએનયુના પાંચ વિદ્યાર્થીઓ ઉમર ખાલિદ, અનંત પ્રકાશ નારાયણ, આશુતોષ કુમાર, અનિર્બન ભટ્ટાચાર્ય અને રામ નાગા ૨૧મી ફેબ્રુઆરીએ યુનિવર્સિટીના વહીવટી ભવન પાસે આવી પહોંચ્યા હતા. તેઓએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા, પરંતુ પોલીસ સમક્ષ સમર્પણ કરવા તેઓ તૈયાર થયા નહોતા.
આરોપી વિદ્યાર્થીઓએ કોઇ પણ હાલતમાં પોલીસને પરિસરમાં આવવાની મંજૂરી નહીં આપવાનું યુનિવર્સિટી વહીવટી તંત્રને જણાવ્યું હતું જેએનયુ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયાકુમારની ધરપકડ પછી યુનિવર્સિટી કેમ્પસમાંથી આ પાંચ વિદ્યાર્થીઓ ફરાર થઇ ગયા હતા. તેઓએ ૨૧મીએ રાત્રે પરિસરમાં સાથી વિદ્યાર્થીઓને સંબોધન પણ કર્યું અને કહ્યું કે તેમની સામેલ મુકાયેલા બધા આરોપો જુઠ્ઠા છે. જાણીજોઇને તેમના ફસાવાઈ રહ્યા છે. આ પાંચેય ફરાર થયા બાદ દિલ્હી પોલીસે ખાલિદની કોલ ડિટેઇલ્સ કઢાવી હતી. જેમાં કેટલીક ચોંકાવનારી વાતો બહાર આવી હતી. પોલીસે જણાવ્યુ હતું કે, ખાલિદે બે મોબાઈલ નંબરોથી ત્રીજી અને નવમી ફેબ્રુઆરી વચ્ચે ૮૦૦ કોલ કર્યા હતા. જેમાં ૩૮ કોલ જમ્મુ-કાશ્મીર કરાયા હતા, એટલું જ નહીં, ખાલિદે ૬૫ કોલ જમ્મુ-કાશ્મીરના નંબરોથી પરથી રિસિવ કર્યા હતા. ખાલિદે મોટા ભાગના કોલ દિલ્હી બહાર કર્યા છે, જેમાં બાંગ્લાદેશ અને ખાડી દેશોના નંબરોનો પણ સમાવેશ થાય છે. હાલ પોલીસે ફક્ત બે મહિનાની કોલ ડિટેઇલ્સની તપાસ કરી છે. આ બંને નંબરોથી કોલ કરવાની ફ્રિક્વન્સી ડિસેમ્બર મહિનાથી અચાનક જ વધી ગઈ હતી. પોલીસને શંકા છે કે, આ ઘટનાક્રમની શરૂઆત પણ ડિસેમ્બરથી જ થઈ હોવી જોઈએ. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે, ખાલિદે એક મહિનામાં ૧૭ વાર દિલ્હીથી બીજા રાજ્યોમાં ગયો હતો. આશરે બે મહિના સુધી ખાલિદનું ફોન લોકેશન જુદા જુદા રાજ્યોમાં હતું, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે તે ત્યાંની યુનિવર્સિટીઓમાં જઇને શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો હશે. જોકે, મોબાઇલ ફોનના આધારે એટલું જાણવા મળ્યું છે કે, આ દરમિયાન તે જમ્મુ-કાશ્મીર નથી ગયો.
દરમિયાન, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ વિશે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને ૧૯મીએ મળીને કહ્યું હતું કે, જેએનયુના વિદ્યાર્થીઓને બચાવો.